For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : મોદી 18 વર્ષથી વધુનાંને રસીની છૂટ આપશે

Updated: Apr 8th, 2021

Article Content Image

નવીદિલ્હી : કોરોનાના કેસો દેશભરમાં સતત વધી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી આવતી કાલે ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.  દેશમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવાં ૧૧ રાજ્યોમાં પાંચ દિવસનું લોકડાઉન લાદવા ઉપરાંત કોરોનાની રસીનો મુદ્દો પણ આ બેઠકમાં ચર્ચાશે.

સૂત્રોનો દાવો છે કે, ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય આ બેઠકમાં લેવાઈ શકે છે. હાલમાં ૪૫ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાનો કાર્યક્રમ ચાલે  છે. તેમાં છૂટ આપીને ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી આપવાની ઘણાં રાજ્યોની માગણી છે.

મોદી સરકાર દેશભરમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી પણ જે રાજ્યોમં કોરોનાનો કહેર વધારે છે તે રાજ્યોને છૂટ આપવા મોદી તૈયાર છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશ આ ૧૧ રાજ્યો કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત છે તેથી આ રાજ્યોને છૂટ મળી શકે છે.

સિંધિયાની પોશ બંગલાની માગણીથી સરકાર મૂંઝવણમાં

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિલ્હીના સૌથી પોશ વિસ્તાર લ્યુટીયન્સ ઝોનમાં બંગલો ફાળવવાની માગણી કરતાં મોદી સરકાર મૂંઝાઈ છે. સિંધિયાની માગણી પાછી ૨૬ નંબરનો બંદલો જ ફાળવવાની છે કેમ કે તેમના પિતા માધવ રાવ સિંધિયા વરસો સુધી આ બંગલામાં રહ્યા હતા. આ બંગલો એક સંસ્થાને ફાળવાયો છે તેથી વિવાદ થઈ જાય તેમ છે.  

જ્યોતિરાદિત્યનું બાળપણ આ જ બંગલામાં વિત્યું હતું તેથી આ બંગલા સાથે એ લાગણીથી પણ જોડાયેલા છે પણ આ બંગલો માગવાનું કારણ 'પાવર'  છે. લ્યુટીયન બંગલો ઝોનમાં લગભગ એક હજાર બંગલા છે ને તેમાંથી દસેક ટકા બંગલા ખાનગી છે. લક્ષ્મી મિત્તલ, સુનિલ મિત્તલ, સી.કે. બિરલા સહિતના દિગ્ગજ ઉદ્યોગપતિ તથા બિઝનેસમેનના બંગલા આ વિસ્તારમાં છે.

બાકીના સરકારી બંગલા ટોચના રાજકારણીઓને ફાળવાયેલા છે. મોદીનું સત્તાવાર નિવાસસ્થાન ૭, લોક કલ્યાણ માર્ગ ખાતે છે. આ નિવાસ પાંચ બંગલા ભેગા કરીને બનાવાયું છે. સોનિયા, રાહુલ, મનમોહનસિંહ, અમિત શાહ સહિતના દિગ્ગજો આ બંગલાઓમાં રહે છે.

મોદી પકોડા જેવી બીજી અફલાતૂલ સ્કીમ ક્યારે લાવશે ?

નરેન્દ્ર મોદીએ બુધવારે સાંજે  વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે 'પરીક્ષા પે ચર્ચા' કરી. મોદી ૨૦૧૮થી 'પરીક્ષા પે ચર્ચાદ કરે છે. 'પરીક્ષા પે ચર્ચા'ની ચોથી આવૃત્તિમાં મોદીએ પરીક્ષાનો તણાવ દૂર કરવા શું કરવું એ મુદ્દે શિખામણોનો મારો ચલાવ્યો. મોદીએ બે કલાક સુધી કરેલી આ ચર્ચામાં એ રીતે કશું નવું નહોતું.

એક રીતે ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવું થયું પણ સોશિયલ મીડિયા પર મોદીની 'પરીક્ષા પે ચર્ચા' છવાયેલી રહી. લોકોએ ભરપૂર મજા લીધી ને આકરા વ્યંગ પણ કર્યા. ઘણાંએ લખ્યું કે, વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ તો મોદીની સલાહ વિના પણ થઈ જશે પણ નોકરી ક્યાંથી મેળવશે ? મોદીએ પરીક્ષાનો તણાવ દૂર કરવાની સલાહ આપવાના બદલે પરીક્ષામાં પાસ થયા પછી નોકરી કઈ રીતે મેળવવી તેની સલાહ આપવાની જરૂર છે, બલ્કે સલાહના બદલે નોકરી આપવાની જરૂર છે.

કેટલાકે લખ્યું કે, મોદી પાસે ઘણી અદભૂત યોજનાઓ છે. પકોડા વેચીને કમાણી કરવાની સ્કીમ તેમણે બતાવી દીધી, હવે બીજી આવી અફલાતૂન સ્કીમ ક્યારે લાવશે ?

અંસારી સલામત પહોંચતાં બ્રાહ્મણવાદનો મુદ્દો ચગ્યો

ગેંગસ્ટર પોલિટિશિયન અને બસપાના ધારાસભ્ય મુખ્તાર અંસારીને બુધવારે ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં લઈ અવાયો. આ મુદ્દાને યુપીમાં કોમવાદી રંગ આપી દેવાયો છે. 

સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા છે કે, બ્રાહ્મણ ડોન વિકાસ દુબેને મધ્ય પ્રદેશથી યુપી લાવતી વખતે નકલી એન્કાઉન્ટરમાં મારી નંખાયો જ્યારે મુસ્લિમ અપરાધીને સહીસલામત લાવીને જેલમાં પૂરાયો છે. હિંદુવાદી હોવાનો દાવો કરતી આ સરકાર ખરેખર હિંદુવાદી છે ? યોગી સરકાર બ્રાહ્મણ વિરોધ હોવાના મેસેજ પણ ફરતા થયા છે.  

આ મેસેજ વાયરલ થતાં કોંગ્રેસ પણ તેનો રાજકીય ફાયદો ઉઠાવવા કૂદી પડી છે. યુપી કોંગ્રેસના પ્રવક્તા અંશુ અવસ્થીએ રાજ્યના બ્રાહ્મણ ભાઈઓને આ ઘટનામાંથી બોધપાઠ લેવા અનુરોધ કર્યો છે. તેમણ કટાક્ષ કર્યો કે, બ્રાહ્મણોએ સમજવું પડશે કે યોગી ઠાકુરના રાજમાં બ્રાહ્મણોએ જાતે જ પોતાની રક્ષા કરવી પડશે.

ભાજપ આ વાતોને કોંગ્રેસની હતાશાનું પ્રતિબિંબ ગણાવે છે. કોંગ્રેસ પણ બસપા અને સપાની જેમ જ્ઞાાતિવાદને ભડકાવીને સત્તા કબજે કરવા હવાતિયાં મારી રહી છે એવું ભાજપનું કહેવું છે.

સત્તા માટે નાસ્તિક વિજયન આસ્તિક બની ગયા

સામ્યવાદીઓ ભગવાનમાં માનતા નથી અને ધર્મને અંગત શ્રધ્ધાનો વિષય ગણાવે છે ત્યારે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયને ભગવાન અયપ્પાન વિશે કરેલી કોમેન્ટના કારણે તેમની ભારે મજાક ઉડી રહી છે.

વિજયને ભગવાન અયપ્પા ડાબેરીઓ સાથે હોવાનો દાવો કર્યો હતો. હવે લોકો કટાક્ષ કરી રહ્યા સછે કે, સત્તા માટે સિધ્ધાંતોને અભરાઈ પર ચડાવી દેવાયા? આખી જીંદગી નાસ્તિકતાની વાતો કરનારા ખુરશી માટે આસ્તિક થઈ ગયા ?

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો કેરળની ચૂંટણીમાં બહુ ગાજ્યો હતો. સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓને પ્રવેશની મંજૂરી આપી તેનો કોંગ્રેસ અને ભાજપ વિરોધ કરે છે. ડાબેરી સરકારે હિંદુઓની લાગણી દૂભાવી હોવાનો આક્ષેપ ભાજપ-કોંગ્રેસ કરી રહ્યાં છે. નાયર સર્વિસ સોસાયટીએ આ મુદ્દે આંદોલન ચાલુ રહેશે એવી જાહેરાત કરી તેના સંદર્ભમાં વિજયને કહેલું કે, ભગવાન અયપ્પા સહિતના તમામ ભગવાન સરકાર સાથે છે કેમ કે અમારી સરકારે તમામ ધર્મનાં લોકોનાં હિતો સાચવ્યાં છે. ભગવાન હંમેશાં એ લોકો સાથે રહે છે કે જે લોકોનું ભલું કરે છે.

જીએસટીના અમલ મુદ્દે સુપ્રીમની ટીકાની ચર્ચા

સુપ્રીમ કોર્ટે મોદી સરકારે દાખલ કરેલા ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિશે કરેલી ટીપ્પણીએ ભારે ચર્ચા જગાવી છે. હિમાચલ પ્રદેશમાં જીએસટીની એક જોગવાઈને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી તેના સંદર્ભમાં આ ટીકા કરાઈ છે.  

સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી કે, સંસદનો ઈરાદો હતો કે જીએસટી દ્વારા દેશમાં નાગરિકોને મદદરૂપ એક કર વ્યવસ્થા દાખલ કરાય પણ તેનો અમલ જે રીતે કરાઈ રહ્યો છે તેના કારણે આ ઉદ્દેશ ખતમ થઈ રહ્યો છે. અધિકારીઓ દરેક વેપારી કરચોરી કરતો હોય એ રીતે વર્તી  રહ્યા છે.

સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી હિમાચલ પ્રદેશના સંદર્ભમાં છે પણ તેને મોદી સરકાર પર સીધો પ્રહાર ગણાવાઈ રહી છે. જીએસટીનો અમલ રાજ્યો કરે છે છતાં સુપ્રીમ કોર્ટે માત્ર હિમાચલ પ્રદેશના બદલે સમગ્ર દેશમાં તેના અમલ અંગે ટીપ્પણી કરી એ બાબત ગંભીર છે. જીએસટીના અમલ સામે કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમને એક મુદ્દો મળશે એવું ભાજપના નેતા પણ સ્વીકારે છે.

***

ગુમ થયેલા જવાનને શોધી કઢાય એ પ્રાથમિકતા

માઓવાદીઓએ છત્તીસગઢ એન્કાઉન્ટર વિષે સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કર્યું એના કલાકો પછી સીઆરપીએફ કોબ્રાના ગુમશુદા જવાન રાકેશ્વરસિંઘ મન્હાસની તસવીર સોશ્યલ મીડિયા પર રજૂ થઈ છે. સીઆરપીએફે એન્કાઉન્ટર દરમિયાન આ જ જવાન ગુમ થયા હોવાનું અને જવાન માઓવાદીઓની કેદમાં હોવાની વાતને પુષ્ટિ આપી છે. જોકે જવાનના પત્ની મીનાબહેન તથા માતા કુંભદેવીએ રાકેશ્વરનો ફોટો માઓવાદીઓની કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાનો દાવો ફગાવી દીધો છે. કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ગયા વીક-એન્ડમાં ૨૨ જવાનોની હત્યા કરનારા માઓવાદીઓએ યોગ્ય પ્રતિભાવ આપવાનો વાયદો કર્યો છે. ત્યારે મહત્ત્વપૂર્ણ એ છે કે ગુમશુદા અદ્ધર જીવે રાખી રહી છે.

માઓવાદી દંડકારક ઝોનલ સમિતિના પ્રવકતા વિકલ્પે કહ્યું કે તેઓ મન્હાસની મુક્તિ માટે વાટાઘાટો કરવા માગે છે, પરંતુ રાજ્ય સરકારે મન્હાસની મુક્તિ માટે મધ્યસ્થીનું નામ સૂચવવું જોઈએ. માઓવાદીઓએ જણાવ્યું છે કે પોલીસ જવાનો એમના દુશ્મન નથી. બસ્તારના આઈ.જી.પી. સુંદરરાજે કહ્યું કે તેઓ હજી માઓવાદીઓની અખબારી યાદીને ચકાસી રહ્યા છે. દરમિયાન ગુમશુદા જવાન મન્હાસીના પત્ની મીનાબહેને વડાપ્રધાન અને ગૃહમંત્રીને અપીલ કરી છે કે જે રીતે અગાઉ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનથી પાછા લવાયા એ પદ્ધતિથી એમના પતિ મન્હાસને સુરક્ષિતપણે મુક્ત કરાવાય. શાંતિ મોરચે કાર્ય કરનારા શુભ્રાશુ ચૌધરીએ કહ્યું કે માઓવાદીઓ સાથેની વાટાઘાટો માટે મધ્યસ્થીરૂપે સ્થાનિક પત્રકારોને રાખી શકાય.

માઓવાદને નાથવા બહુકોણીય અભિગમ જરૂરી

તજજ્ઞાોના મતે, માઓવાદ એ આંતરિક સુરક્ષા સામેનો સૌથી મોટો ભય છે, જેના કેન્દ્રમાં છત્તીસગઢ અને ઝારખંડ છે. ૨૦૧૯માં માઓવાદી હિંસાની નોંધાયેલ ૬૭૦ ઘટનાઓ પૈકી ૬૪૩ બનાવો ઉપરોક્ત બે રાજ્યોમાં બન્યા. જાણકારો કહે છે કે માઓવાદી હિંસાને નાથવી એ કંઈ પાર્ટટાઇમ કામગીરી હોઈ, શકે નહિ. માટે નિયમિતપણે અનેક પડકારો ઉપાડવા પડે એમ બને તથા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવા પડે. ગૃહ મંત્રાલયથી અલગ એવા આંતરિક સુરક્ષા મંત્રાલયની રચના કરવી પડે, જેના ઇનચાર્જ રૂપે સંપૂર્ણ મંત્રી કાર્યરત હોય. આ મંત્રાલયના સચિવ એક વિશેેેષજ્ઞા હોવા ઘટે. કેટલાક નિષ્ણાતોના મતે, માઓવાદને મ્હાત કરવા માટે બહુકોણીય અભિગમની જરૂર છે.

આ મોરચેથી રાજયના સત્તા મંડળ (સ્ટેટ ઓથોરિટી)ને કારણે કરવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક નાગરિકો જ ત્રાસવાદીઓના આંખ અને કાન બની રહેતા હોવાની શકયતા વધી ગઈ. સીઆરપીએફની છાવણીઓ જંગલમાં ઊંડામ વાળા પંથકમાં ઊભી કરાવી જોઈએ. ગ્રામીણ સડક કાર્યક્રમનું ઝડપભેર અમલીકરણ થવું જોઈએ. સરકારે સુરક્ષા અને ગુપ્તચર તંત્ર અપ-ટુ-ડેટ રાખવા પડે, ત્રાસવાદીઓના અત્યંત બદમાશ કમાન્ડર માડવી હિડમાને જેર કરવો પડે, અનેવર્તમાન હુમલાના ારોપીઓને વહેલી તકે ઝડપી લેવા પડે. કેન્દ્ર અને માઓવાદથી અસરગ્રસ્ત રાજ્યો વચ્ચે સંકલન પણ વધારવાની જરૂર છે. સુરક્ષા માટેના પ્રયાસોથી અધિકાર ભંગ થાય એમ બનવું જોઈએ નહિ. આમ થવાથી હતપ્રભ લોકોને માઓવાદ સાથે સંડોવવાનું હાથવગું બહાનું મળી જાય છે એમ તજજ્ઞાો કહે છે.

બંગાળ ચૂંટણીના પરિણામ યુપીના મુસ્લિમ રાજકારણને દિશા ચીંધશે ?

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમએમ)ના વડા અસદદ્દીન ઓવૈસી ૨૦૨૦ની (બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાંચ બેઠકો જીતવાથી ગેલમાં છે. તેઓ પશ્ચિમ બંગાળ વિધાનસબા ચૂંટણી માટે કયારનાય તૈયાર થઇને બેઠા છે. એમને પક્ષે અત્યાર સુધી પશ્ચિમ બંગાળની સાત બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ઇશાર, જાલન્ગી, સાગદિધિ, ભરતપુર, માલતીપુર, રાતુઆ અને આસનસોલ - ઉત્તરનો સમાવેશ થાય છે.

સાથે જ એવા પ્રશ્ન ણ થવા માંડયા છે કે ઓવૈસીના પક્ષનો બંગાળમાં થનારો દેખાવ ઉત્તર પ્રદેશના રાજકારણ પર કેવી અસર કરશે ? શું બંગાળ ચૂંટણીના પરિણામ, ઉત્તર પ્રદેશના મુસ્લિમ રાજકારણને દિશા અને સ્થિતિને નક્કી કરનારા બની રહેશે ? હકીકત એ છે કે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ રાજકારણની ચર્ચા થતાં જ ઓવૈસીનું નામ આપમેળે જ સપાટી પર આવી જાય છે. એઆઈએમઆઈએમ યુ.પી.ની ૨૦૨૨ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં મોટું પરિબળ બની શકે એમાં કોઈ શંકા નથી.

ઇન્ડિયન નેશનલ લીગના પ્રા. સુલેમાન કહે છે કે 'આજની તારીખે ઓવૈસીની જાહેર સભાઓમાં ઉભરતી જનમેદની અન્ય કોઇ નેતાના આવા કાર્યક્રમમાં કાર્યક્રમમાં જોવા મળતી નથી. એમના ભાષણોને સોશ્યલ મીડિયા પર સાંભળનારો વર્ગ મોટો છે. ખાસ કરીને યુવાવર્ગમાં એમની લોકપ્રિયતા ચોક્કસપણે વધી રહી છે.

પશ્ચિમ બંગાળમાં કેશ-કૂપન : ભાજપ માટે મુસીબતરૂપ

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪-પરગણાઝ જિલ્લાના રાયદિઘિ ગામના નાગરિકો વડાપ્રધાનના ફોટોવાળી કૂપનના બદલામાં ભાજપને ૧૦૦૦ રૂપિયાનું દાન કરી રહ્યા છે. ભાજપ દાવો કરે છે કે આ કૂપન, એ દક્ષિણ ૨૪-પરગણાઝમાં આવેલા જોયનગર ખાતે સભા યોજવા માટે કરાયેલા દાનની પાવતી છે, પરંતુ તૃણમૂલ કોંગ્રેસ અને સામ્યવાદીઓ ભાજપ પર, મતદારોને ૧૦૦૦ રૂપિયાની કૂપન વહેંચીને એમનો 'ટેકો' ખરીદવાનો આક્ષેપ કરી રહ્યા છે. રાયદિઘિમાં મંગળવારે ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન યોજાઇ ગયું છે.

તૃણમૂલ અને કોંગ્રેસ - બંનેના સમર્થકોનો આક્ષેપ છે કે સ્થાનિક ભાજપ નેતાગીરીએ વડાપ્રધાન મોદીની ૧ એપ્રિલે જોયનગરમાં યોજાયેલ જાહેર સભામાં હાજર રહેવા બદલ અને ભાજપને મત આપવા બદલ ગ્રામીણોને ઉપરોક્ત ચૂકવણાની ખાતરી આપી હતી. તૃણમૂલ કોંગ્રેસના પક્ષપલટુ અને હવે રાયદિઘિના ભાજપ ઉમેદવાર શાંતનુ બાપુલિએ આ આક્ષેપોનો ઈન્કાર કરીને અનેક બધા ખુલાસા કર્યા છે. ''વેપારીઓ અને નોકરિયાતો માટેની આ કૂપન ગરીબ ગ્રામજનો પાસે કેવી રીતે પહોંચી ગઇ એ બાબત ભાજપ હવે તપાસ કરી રહ્યો છે'', એમ  એક ખુલાસારૂપે  ભાજપ ઉમેદવારે જણાવ્યું.

- ઈન્દર સાહની

Gujarat