For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત: પાલિકાનો લિંબાયત ઝોન બની રહ્યો છે રાજકારણીની દખલગીરીનો અખાડાનો આક્ષેપ

- પહેલા માકડીયા બાદ હવે ડેપ્યુટી ઈજનેરને રીટાયર્ડ બાદ કોન્ટ્રાક્ટ પર લેવાનો નિર્ણય

Updated: Sep 25th, 2022

Article Content Image

- પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર ડેપ્યુટી ઈજનેરને 11 માસનો કોન્ટ્રાક્ટ કરાયો અને લિંબાયત ઝોનમાં જ મુકાયા : નિવૃત માંકડીયાને પણ લિંબાયતમાં જ મુકાયા 

સુરત, તા. 25 સપ્ટેમ્બર 2022 રવિવાર

સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વાર ડેપ્યુટી ઈજનેર સેવા નિવૃત્ત થયાં બાદ તેને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પાલિકાના કાર્યપાલક ઈજનેર નિવૃત્ત થાય છે તેમને કોન્ટ્રાક્ટ પર લેવામા આવતા નથી પરંતુ લિંબાયત ઝોનના ડેપ્યુટી ઈજનેરને નિવૃત્ત થયા બાદ 11 માસનો કોન્ટ્રાક્ટ વધારવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી અને લિંબાયતમાં જ ચાર્જ સોંપવામાં કવાયત થઈ રહી છે તે પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બની ગયો છે. 

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં લિંમબાયત ઝોનમાં ફરજ બજાવતા અને 30 જૂન 2022ના રોજ સેવા નિવૃત્ત થયેલ ડેપ્યુટી ઈજનેર વી.જી. પટેલને આશ્ચર્યની વચ્ચે 11 માસના કોન્ટ્રાક્ટ પર લેવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે. તેની સાથે જ ડેપ્યુટી ઈજનેર કક્ષાના અધિકારીને કોન્ટ્રાક્ટર લેવાની પાલિકાને ફરજ પડી હોય તેવો આ પ્રથમ કિસ્સો બની ગયો છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ જ આ ડેપ્યુટી ઈજનેરની 11 માસની કરારીય ધોરણે નોકરી કરી શકશે.

આ પહેલાં કોરોના કાળ દરમિયાન રાજ્ય સરકાર માંથી નિવૃત્ત અધિકારી એમ.જે. માકડીયા ની 11 માસ માટે નિમણૂક કરવામા આવી હતી. તેમનો 11  માસનો કાર્યકાળ પુરો થયાં બાદ તેમની ખાલી જગ્યાએ ચાર્જ પણ સોંપી દેવામાં આવ્યો હતો. પરંતુ  ત્યાર બાદ ફરીથી માંકડીયાને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું એટલું જ નહીં પરંતુ લિંબાયતમાં જ તેમને કામગીરીનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ વખતે પણ નિવૃત્ત કર્મચારીને એક્ષટેન્શન લંબાવવામાં આવ્યું હોવાનો કિસ્સો પણ પહેલી વાર બન્યો છે અને તે પણ રાજકીય દબાણના કારણે બન્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

બરાબર આવી જ રીતે લિંબાયત ઝોનના ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ બજાવતા વી.જી. પટેલ 30 જૂનના રોજ નિવૃત્ત થતાં તેમને 11 માસનો કરારીય નિમણૂંક આપવામા આવી છે તે પણ પહેલી વાર બન્યું છે. આ ઉપરાંત વી.જી. પટેલનને લિંબાયત ઝોનમાં જ મુકવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે તેની પાછળ પણ રાજકીય ગણિત હોવાનું કહેવાય રહ્યું છે.

આ પહેલાં માંકડીયા સામે રાજકીય કિન્નાખોરી રાખીને કામ કરતાં હોવાનો આક્ષેપ પણ કરવામા આવ્યો હતો. આા આક્ષેપ સાથે લિંબાયત ઝોનમાં અધિકારીની નિમણુંક માં રાજકીય દખલગીરી હાવી થઈ ગઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 

Gujarat