For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરત: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા એક ઝડપાયો

Updated: Nov 26th, 2021

Article Content Image

ઉધના-મગદલ્લા રોડ પર જાહેરમાં મોબાઇલ પર સટ્ટો રમી રહ્યો હતો, ડોમેસ્ટિક ક્રિકેટ મેચ સહિત અન્ય રમત ઉપર પણ સટ્ટો રમતો હોવાની કબૂલાત

સુરત, તા. 26 નવેમ્બર 2021 શુક્રવાર

ઉધના-મગદલ્લા રોડ નવજીવન એન્જિનિયરીંગ પાસેથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા યુવાનને ઝડપી પાડી પોલીસે રૂ. 15,500નો મુદ્દામાલ કબ્જે લીધો છે.

ખટોદરા પોલીસે બાતમીના આધારે ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ નજીક નવકાર એન્જિનિયરિંગ સામેથી સુનીલ ઉર્ફે રવિ શીવાજી પાટીલ (ઉ.વ. 30 રહે. 36, વૈકુંઠધામ સોસાયટી, દેવધ રોડ, ગોડાદરા) ને ઝડપી પાડયો હતો. સુનીલનો મોબાઇલ ચેક કરતા ગેલેક્સીએક્ક્ષ99.કોમ નામની વેબસાઇટ પર ઓનલાઇન ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ પર બોલ ટુ બોલ અને ખેલાડી ઉપર હારજીતનો સટ્ટો રમી રહ્યો હતો. 

પોલીસે હાથ ધરેલી પૂછપરછમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ ઉપરાંત ડોમેસ્ટિક ક્રિકેટ મેચ ઉપરાંત સુપર ઓવર રેસ 20-20, કેસીનો ક્વીન, 5 ફાઇવ ક્રિકેટ, અંદર બહાર 2, 20-20 ડીટી2, બેકાર્ટ 2, બેકાર્ટ, લકી 7-9, 20-20 ક્રિકેટ મેચ, કેસીનો વોર, તીનપત્તી, પોકર, 32 કાર્ડ અને લોટરી જેવી રમત ઉપર પણ ઓનલાઇન સટ્ટો રમતો હોવાની કબૂલાત કરી હતી. 

સુનીલ પાસેથી મોબાઇલ અને રોકડા રૂ. 500 મળી કુલ રૂ. 15,500 ની મત્તા કબ્જે લીધી હતી. સટ્ટો રમવા ઓનલાઇન આઇડી-પાસવર્ડ લિંબાયત વિસ્તારમાં રહેતા શીવાજી નામના યુવાન પાસેથી લીધા હતા અને રોજબરોજનો સટ્ટાનો હિસાબ જયેશ પાટીલ નામના યુવાન હસ્તક શીવાજીને પહોંચાડતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

પોલીસે શીવાજીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જયેશ પાટીલે અગાઉ જમીન દલાલ જય શાહને સટ્ટો રમવા માટે આઇડી-પાસવર્ડ આપ્યા હતા અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Gujarat