For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાંડેસરામાં ગટર ઉભરાવાના મુદ્દે પશુપાલક પરિવારનો પડોશી પશુપાલક પિતા-પુત્રો પર હુમલો

હુમલાનો ભોગ બનેલો પશુપાલક ફરીયાદ કરવા ગયો તો તેના ઘર પર પથ્થર મારો કરી આતંક મચાવ્યો, બારી-બારણા અને એક કાર તથા બે બાઇકની તોડફોડ કરી

Updated: Jul 8th, 2021

Article Content Imageસુરત, 8 જુલાઇ 2021 ગુરૂવાર

પાંડેસરા-ગોવાલક રોડની માલધારી વસાહતમાં તબેલાની ગટર ઉભરાવાના પશુપાલક પિતા-પુત્રો પર પડોશી પશુપાલક પરિવારે હુમલો કરી ડંડા વડે માર મારવા ઉપરાંત ઘર ઉપર પથ્થર મારો કરી આતંક મચાવતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે.

પાંડેસરા-ગોવાલક રોડ સ્થિત માલધારી વસાહતમાં પંકજ વાલજી રબારી (ઉ.વ. 31 રહે. 100, સનાતન ડાયમંડ નગર, દેવેન્દ્ર નગરની સામે, બમરોલી-ગોવાલક રોડ અને મૂળ. જામળા, ગાંધીનગર) ના ગાય-ભેંસના તબેલા પાસેની ગટર ઉભરાતી હોવાથી ગત 9 વાગ્યે પડોશી તબેલા ધારક ભરત તળજા રબારીએ કોલ કરી તમારા તબેલાની ગટર ઉભરાય છે એમ કહી ગાળો આપી તબેલા પર બોલાવ્યો હતો. જેથી પંકજ તેના પિતા અને ભાઇ શૈલેષ સાથે તબેલા પર ગયો હતો. 

જયાં ભરતની સાથે તેનો પુત્ર રાજેશ, ભરતના પિતા તળજા રામા રબારી ઉપરાંત નાગજી ભગવાન રબારી, અમરત જોરા રબારી, ટીના અમરત રબારી, બાબુ રબારી, ભાવેશ બાબુ રબારી હાજર હતા. આ તમામે પંકજને ડંડા વડે માર મારતા ડાબા હાથના અંગુઠા અને બંને પગમાં ઇજા  થઇ હતી. જયારે શૈલેષ અને તેના પિતા ઉપર હુમલો કરતા તેઓ સ્વબચાવ માટે તબેલામાં છુપાઇ ગયા હતા. 

ભરતે પંકજને ધમકી આપતા કહ્યું હતું કે તું હવે અહીંયા દેખાતો નહીં, તું આવશે તો જાનથી હાથ ધોઇ બેસશે અને હવે તું ધંધો કઇ રીતે કરે છે તે જોઇ લેજે. આ મુદ્દે પંકજ તેના ભાઇ સાથે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવવા ગયો હતો ત્યારે ભરત રબારીએ ઉપરોકત તેના સબંધીઓ સાથે મળી પંકજના ઘરે ઘસી ગયા હતા. 

જયાં પંકજના માતા-પિતા અને પરિવારના સભ્યો ઘરમાં હતા ત્યારે ઘર પર ઇંટ અને પથ્થર મારો કર્યો હતો. જેમાં ઘરના બારી-બારણા, ગેલેરી અને કઠેડાના કાચ તથા સ્વીફ્ટ કાર નં. જીજે-05 જેસી-7412 અને હોન્ડા બાઇક જીજે-05 એનએમ-4540 અને બુલેટ જીજે-05 એચએ-0555 ની તોડફોડ કરી ભાગી ગયા હતા. 

Gujarat