For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફરી ભી દિલ હૈ હિન્દુસ્તાની : વિદેશમાં વસતા ભારતીયોને વતનની યાદ અપાવતો તહેવાર નવરાત્રી

Updated: Sep 26th, 2022


- ભારતની જેમ વિદેશમાં પણ કોરોનાના બે વર્ષ બાદ જામી નવરાત્રીની રંગત : ભારતીયો ગરબે ઘૂમી રહ્યા છે

- વિદેશમાં સળંગ નવ દિવસ નહીં પરંતુ વીક એન્ડમાં નવરાત્રીની મેગા આયોજન : ગુજરાતી કલાકારો કરી રહ્યાં છે પરફોર્મ

સુરત,તા.26 સપ્ટેમ્બર 2022,સોમવાર

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આજે સોમવારથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે કોરોના કાળ બાદની નવરાત્રી માટે જેવી રીતે  ગુજરાતીઓ થનગની રહ્યાં છે તેવી જ રીતે વિદેશમાં વસતા ભારતીયો પણ નવરાત્રીની ઉજવણી માટે થનગની રહ્યા છે. સુરત અને ગુજરાતની જેમ વિદેશમાં સળંગ નવ દિવસની નહી પરંતુ વીક એન્ડની નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. વિદેશમાં વસતા ભારતીયો અને તેમાં ખાસ કરીને ગુજરાતીઓ આ વીક એન્ડના નવરાત્રીમાં નવ દિવસ જેટલી મજા માણી લેતા હોય છે. વિદેશમાં ગત વીક એન્ડથી જ નવરાત્રીની રમઝટ શરૂ થઈ ગઈ છે અને હજી પણ નવરાત્રી જામી ગઈ છે.

(ન્યુ જર્સી ઈન્ડિયન સ્ટ્રીટ)

નોકરી ધંધા કે અભ્યાસ માટે વિદેશ ગયેલા ગુજરાતીઓ અને ભારતીયોને વતન ની યાદ અપાવતો તહેવાર નવરાત્રી આવી ગયો છે વિદેશમાં મોટા ભાગે પ્રિ નવરાત્રીનું આયોજન કરવામા આવે છે અને શરૂ પણ થઈ ગયું છે.  કોરોનાના બે વર્ષ દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયો નવરાત્રી ની ભવ્ય ઉજવણી કરી શક્યા ન હોવાથી આ વર્ષે  અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ  સહિતના અનેક દેશોમાં નવરાત્રી ની ધુમ મચી રહી છે.  અને ભારતીયો ટ્રેડીશનલ ગરબાના ડ્રેસમાં  ગરબે ઘૂમી રહ્યાં છે તેના કારણે ગુજરાતી ગરબાના કલાકારોની ડિમાન્ડમાં પણ વધારો થઈ રહ્યો છે. 

ગુજરાતી અને ગરબો એકબીજાના પર્યાય બની ગયાં છે પરંતુ નોકરી ધંધા કે અભ્યાસ માટે વિદેશ રહેતા ભારતીયો માટે પણ પર્યાય બની ગયો છે.  ગુજરાતી ભલે વિદેશમાં રહેતા હોય પરંતુ ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની ની જેમ ભારતીય તહેવારની ઉજવણી ત્યાં ભારે ધામધૂમથી કરી રહ્યાં છે અને વિદેશની ધરતી પર પણ મીની ભારત બનાવી રહ્યાં છે. જ્યાં જ્યાં ગુજરાતી વસતો હોય ત્યાં ત્યાં હવે ગરબાની રમઝટ જોવા મળી રહી છે તેથી વિદેશની ધરતી પર પણ નવરાત્રીનો તહેવાર જામ્યો છે  આ તહેવારમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશીઓ પણ તાલ મિલાવી ભારતીયો સાથે ગરબે ઘુમતા હોય તેવા દ્રશ્યો પણ હવે સામાન્ય થઈ રહ્યાં છે.

ન્યુ જર્સીની ઈન્ડિયન સ્ટ્રીટમાં એક માત્ર રોડ પર ગરબા થાય છે : હિમા દેસાઈ

ગુજરાતની જેમ અમેરિકામાં પણ દરેક ભારતીય તહેવારોની ઉજવણી થાય ચે તેમાં મીની ગુજરાત  બની ગયેલા ન્યુ જર્સી ઈન્ડિયન સ્ટ્રીટ એક માત્ર એવી સ્ટ્રીટ છે જ્યાં ગુજરાતની જેમ રોડ પર ગરબાનું આયોજન થાય છે. મૂળ સુરતના અને અમેરિકા સ્થાયી થયેલા  હિમા દેસાઈ કહે છે, અમારે ત્યાં ઈન્ડિયન સ્ટ્રીટ છે જ્યાં ભારતીય રેસ્ટોરન્ટ, ગ્રોસરી, શાકભાજી, મીઠાઈ, પાન જેવી દરેક વસ્તુ મળે છે એટલે ઈન્ડિયન સ્ટ્રીટ તરીકે ઓળખાઈ છે. આ જગ્યાએ ગણપતિ, દિવાળીની સાથે સાથે નવરાત્રી નું પણ ભવ્ય આયોજન થાય છે. અમેરિકામાં એવી જગ્યા છે જ્યાં જાહેર રોડ પર ગરબાનું આયોજન થાય છે અને ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયામાં નવરાત્રીના પહેલા અને પછીના વીક એન્ડમાં ગરબાનું આયોજન : પલ પટેલ

અમેરિકાની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ અનેક ગુજરાતી વસવાટ કરે છે તેઓ પણ નવરાત્રીમાં પરંપરાગત ગરબાનું આયોજન કરતાં હોય છે. મૂળ સુરતના અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન સિટીમાં રહેતા પલ પટેલ કહે છે, ગુજરાતમાં અમે નવે નવ દિવસ નવરાત્રી રમતા હતા પરંતુ અહીં તે શક્ય નથી તેથી પ્રિ નવરાત્રી એટલે નવરાત્રી પહેલાનું વીક એન્ડ અને નવરાત્રી પછીનું વીક એન્ડ એમ ચાર દિવસ નવરાત્રીનું આયોજન થાય છે. અહીં ગુજરાતના કેટલાક ગાયકો આવે છે અને લોકોને ગરબે ગુમાવી રહ્યા છે. 

(બ્રિસબેન ઈન્ડોર સ્ટેડિયમ)

વિદેશમાં રહેતા ગુજરાતીઓને ગુજરાતી ગરબા વધુ ગમતા હોય આ ગાયકો મોટા ભાગે ગુજરાતી ગરબા ગાઈને લોકોનું મનોરંજન કરે છે. અમારે ત્યાં  ભારતીયો દ્વારા ઈન્ડોર સ્ટેડિયમ જેવા મોટા હોલ હોય છે ત્યાં ગરબાનું આયોજન થાય છે. આ જગ્યાએ મોટા ભાગે ગુજરાતીઓ જ ઘુમતા જોવા મળે છે અને ક્યારેક અહીના લોકો પણ ગરબે ઘુમવા પહોચી જાય છે.

ઓકલેન્ડમાં દક્ષિણ ગુજરાતના લોકો વધુ હોય અહીની નવરાત્રી ભવ્ય : શિવમ દેસાઈ

વિશ્વના અન્ય દેશોની જેમ ન્યુઝીલેન્ડમાં પણ ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે તેમાં પણ ઓકલેન્ડ જેવા રાજ્યમાં દક્ષિણ ગુજરાતના લોકોની સંખ્યા વધુ હોય અહીં ગુજરાતમાં ઉજવાતા તમામ તહેવારોની ઉજવણી ભવ્ય રીતે થાય છે. આ તહેવારની ઉજવણી થાય છે ત્યારે તેઓ ન્યુઝીલેન્ડમાં નહી પરંતુ ગુજરાતમાં હોય તેવો અનુભવ થતો હોવાનું દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રહેતા શિવમ દેસાઈ કહે છે. મૂળ વલસાડ ના અને હાલ ઓકલેન્ડ રહેતા રિદ્ધિ દેસાઈ કહે છે, અહી ભગે ગુજરાતી તહેવાર થતાં હોય પરંતુ ગુજરાતની નવરાત્રીની ઉજવણી ચોક્કસ મિસ કરીએ છીએ. અહીં ગુજરાતની જેમ ખુલ્લામાં ગરબા રમાતા નથી પરંતુ અહીંના મહાત્મા ગાંધી સેન્ટરમાં ગુજરાતી કોમ્યુનીટી મળીને નવરાત્રીનું આયોજન કરે છે ત્યાં ગરબા રમવા જઈએ છીએ. અહીં ન્યુઝીલેન્ડમાં ઘણા લોકોને પણ હવે ગરબામાં રસ પડે છે તેથી ગુજરાતીઓ સાથે તેઓ પણ નવરાત્રીમાં આવતા થયાં છે.


(ઓકલેન્ડ મહાત્મા ગાંધી સેન્ટર)

કેનેડામાં ગરબાના ટ્રેડિશનલ ડ્રેસ મળી રહે છે : રાજીવ મહેતા

સુરતમાં જે રીતે નવરાત્રી પહેલા દુકાનો થી માંડીને ફુટપાટ સુધી નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસ નું વેચાણ થાય છે તેવી રીતે વિદેશમાં વેચાણ થતું નથી. પરંતુ જ્યાં જ્યાં ભારતીય લોકો વસવાટ કરે છે  ત્યાં ભારતીય સ્ટોર્સ હોય છે  ત્યાં ભારતીય દરેક વસ્તુ મળી રહે છે.   કેનેડામાં પણ ભારતીયો વસવાટ કરતાં હોય તેવી જગ્યાએ કેટલાક લોકો નવરાત્રીના ટ્રેડિશનલ ડ્રેસ નું વેચાણ કરે છે તેવું મૂળ બિલ્લીમોરા ના અને હાલ કેનેડા સ્થાયી થયેલા રાજીવ મહેતા જણાવે છે. તેઓ વધુમાં કહે છે, આટલું જ નહીં પરંતુ નવરાત્રિ ની પુજા માટેની સામગ્રી પણ આ જગ્યાએથી મળી રહે છે. અન્ય દેશોની જેમ અમારે ત્યાં પણ વીક એન્ડમાં નવરાત્રીનું આયોજન થાય છે પરંતુ જે આનંદ નવ દિવસમાં ગુજરાતમાં લઈએ છે તેવો આનંદ  વીકએન્ડમાં લેવાનો દરેક ગુજરાતી પ્રયાસ કરે છે.  કોરોનાના કારણે બૂે વર્ષથી અહીં નવરાત્રી થઈ ન હોવાથી આ વર્ષે નવરાત્રી નું આયોજન ભારે ધામધૂમથી કરવામાં આવ્યું છે. 

(કેનેડા)

Gujarat