For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દીક્ષાર્થીઓ જે છોડી રહ્યા છે તે અદ્ભૂત ઘટના છે, એની સામે મે છોડયું એ કશું નથી

Updated: Nov 21st, 2021


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે સુરતમાં ૭૫ મુમુક્ષુસિંહો કી સાત્વિક કથા પુસ્તકનું લોકાર્પણ

સુરત,રવિવાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી રવિવારે સુરતમાં ૭૫ દીક્ષા મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષાર્થીઓની અનુમોદના કરતા તેમણે કહ્યું હતું કે આ દીક્ષાર્થીઓ જે છોડી રહ્યા છે એ અદભુત ઘટના છે. એની સામે મેં છોડયુ એ કશુ જ નથી.

વેસુમાં અધ્યાત્મનગરીમાં સામુહિક દીક્ષા પૂર્વે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીનું ઢોલ નગારા અને શરણાઈના નાદ સાથે સ્વાગત થયું હતું. સૌપ્રથમ જિનાલયમાં પ્રભુના દર્શન બાદ ૭૫ દીક્ષાર્થીઓના ઘડવૈયા શ્રી યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના દર્શન કરી, આશિર્વાદ અને વાસક્ષેપ લીધો હતો. તેમણે હિન્દી પુસ્તક '૭૫ મુમુક્ષુસિંહો કી સાત્વિક કથા' નું લોકાર્પણ કર્યું હતું.


આ પ્રસંગે વિજય રૃપાણીએ જણાવ્યું કે, સુરત જૈન નગરી છે. સુરતે હંમેશા ધર્મ પ્રત્યે નવું ડેસ્ટિનેશન ઉભુ કર્યું છે. ૭૫ દીક્ષા એ આનંદ અને ઐતિહાસિક પ્રસંગ છે. પોતાના મુખ્યમંત્રી પદ ત્યાગ વિશે તેમણે કહ્યું કે, મેં જે પદ છોડયું એ કશું જ નથી. આ ૭૫ દિક્ષાર્થીઓ જે છોડી રહ્યા છે એની સામે આ બધું ગૌણ છે. દિક્ષાર્થીઓ જે છોડી રહ્યા છે મહા પરાક્રમ છે. તેથી હું આ દિક્ષાર્થીઓનો વંદન કરૃ છુ.

પૂર્વ મુખ્યમંત્રી સાથે આ મહાનુભાવો હાજર રહ્યા

પૂર્વ મુખ્યમંત્રી સાથે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્યના શહેરીવિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા, ધારાસભ્ય કાન્તીભાઈ બલર, જૈન અગ્રણી અને  સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ ઉપરાંત કેતન મહેતા સહિત અન્ય જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat