વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો : બાળકોએ ગટરમાં ફટાકડા ફોડતા આગની જ્વાળા ભભૂકી

સુરત, તા.28 ઓક્ટોબર 2021, ગુરૂવાર
સુરતમાં ફટાકડા ફોડતી વખતે ડ્રેનેજમાંથી ઉત્પન્ન થતાં ગેસને લઇને આગ પકડી હતી. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ દિવાળી સમયે માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જરૂર છે.
શહેરના મોટા વરાછામાં આવેલી તુલસી દર્શન સોસાયટીમાં ડ્રેનેજમાંથી ઉત્પન્ન થતાં ગેસને લઈ ફટાકડા ફોડતી વખતે આગ પકડાઇ હતી. પાંચથી છ ફૂટ જેટલી આગની જ્વાળાઓ બહાર આવી હતી. આ આગની ઘટનામાં બાળકો સામાન્ય દાઝ્યા પણ હતાં. પરંતુ બાદમાં મકાન માલિકે પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
હાલમાં સુરતના વરાછાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જે વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. મહત્વનું છે કે, હવે દિવાળી નજીક આવી છે ત્યારે બાળકો ગમે તે રીતે ફટાકડા ફોડતા હોય છે જેમાં ઘણી વાર આગ લાગ્યાની ઘટનાઓ તેમજ દાઝ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિમાં બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે માતા-પિતાએ ત્યાં હાજર રહેવું જોઇએ.

