For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપ કાર્યકરોએ સોશિયલ મીડિયામાં આરોગ્યમંત્રી કાનાણીને વિદાય આપી દીધી

Updated: Sep 15th, 2021

Article Content Image

- નવા મંત્રીમંડળમાં સુરતમાંથી કોની લોટરી લાગશે ?

- મંત્રીપદની રેસમાં સંગીતા પાટીલ, હર્ષ સંઘવી, વિવેક પટેલ,  વિનોદ મોરડીયા, મુકેશ પટેલ, પુર્ણેશ મોદી અને વી.ડી.ઝાલાવડીયા

- હર્ષ સંઘવીને રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવાયાના વ્હોટ્સએપ મેસેજ સાથે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પણ યોજી કઢાયો

સુરત : ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સુરતના ક્યા ધારાસભ્યની લોટરી લાગશે ? તે અંગે અટકળો વચ્ચે ભાજપના કાર્યકરોએ જ આજે સોશિયલ મીડિયામાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને વિદાય આપી દીધી હતી. મંત્રીપદ કોને મળશે તે સસ્પેન્સ છે પણ કેટલાક નામો રેસમાં છે અને તે અંગે લોકો પણ હાલમાં કમેન્ટ કરીને રાજકીય ગરમાટાની મજા લઇ રહ્યા છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રીપદે ભુપેન્દ્ર પટેલની નિમણૂંક બાદ નવા મંત્રીમંડળ માટે ભાજપની કસરત ચાલુ છે. દરમિયાન રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી એવા સુરતના કિશોર કાનાણીને લોકો યાદ કરશે એવી સોશિયલ મીડિયામાં ટીપ્પણી સાથે ભાજપ કાર્યકરોએ જ તેમને મંત્રીમંડળમાંથી વિદાય આપી દીધી છે. ભાજપ નેતાઓ પણ તેમની વિદાયને નિશ્વિત માની રહ્યા છે. જોકે, સુરતમાંથી કયા ધારાસભ્યને મંત્રીપદ મળશે તે અંગે કોઇ ટીપ્પણી કરવા તૈયાર નથી.

સુરતના ૧૨ ધારાસભ્યો પૈકી જોકે, ૭ ધારાસભ્યો મંત્રીપદની રેસમાં છે. જેમાં સૌથી આગળ સી.આર.પાટીલ જુથના લિંબાયતના સંગીતા પાટીલ છે. ત્યારબાદ પાટીદાર તરીકે વિનોદ મોરડીયા અને વિવેક પટેલ જ્યારે  સૌરાષ્ટ્રીયન તરીકે વી.ડી.ઝાલાવડીયાનું નામ ચર્ચામાં છે. જ્યારે યુવા તરીકે હર્ષ સંઘવીને મંત્રીપદ મળવાનું નક્કી મનાય છે. તેમને તો ગૃહરાજ્યમંત્રી બનાવાયા છે તે માટે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ ન્યુ સિટીલાઇટમાં યોજાયો છે તેવા મેસેજ વોર્ડ-૨૦ના વ્હોટ્સએપ ગુ્રપમાં ફરતા થઇ ગયા હતા.

ઓબીસી મતબેંકમાંથી મુકેશ પટેલ ઉપરાંત પાટીલના વિરોધી જુથના પૂર્ણેશ મોદી પણ મંત્રીપદની રેસમાં હોવાની ચર્ચા છે. મુખ્યમંત્રી પદે ભાજપની આશ્વર્યજનક પસંદગીને પગલે હાલમાં ચર્ચાઇ રહેલા ઉક્ત નામો ઉપરાંત ઝંખના પટેલ, પ્રવિણ ઘોઘારી, કાંતિ બલર જેવા નામો પણ રાજકીય હિસાબ પુરો કરવા ભાજપ પસંદ કરી શકે છે. આજે શપથવિધીનો કાર્યક્રમ રદ થતા સસ્પેન્સ જોકે, કાલ સુધી લંબાયું છે.

Gujarat