સુરત: સમન્સ બજાવવા જનાર હેડ કોન્સ્ટેબલ પર હુમલો

- તને ખબર નથી કે આ સરનામું જાડેજા બાપુનું છે અને અહીં સરકારી કૂતરાઓને આવવાની મનાઇ છે


- પાલનપુર પાટીયાના કૃપાનિધી એપાર્ટમેન્ટમાં છેડતીના કેસમાં સાક્ષીને સમન્સ બજાવવા ગયો હતોઃ તું રાંદેર પોલીસ સ્ટેશનનો છે તો તને ખબર નથી એમ કહી ઝઘડો કર્યો

- આ માર ખાધા વગર નહીં સમજે એમ કહી ઘેરી લઇ ધોકો, પાઇપ, બેલ્ટ વડે માર મારી મોબાઇલ લઇ લીધો, પીસીઆર અને ડી સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરી

સુરત, તા. 18 સપ્ટેમ્બર 2022 રવિવાર

પાલનપુર જકાતનાકા રોડની દીનદયાળ સોસાયટીમાં સમન્સ બજાવવા જનાર રાંદેર પોલીસના હે. કોન્સ્ટેબલને ‘તું રાંદેર પોલીસ સ્ટેશનનો પોલીસ વાળો છે, તો તને ખબર નથી કે આ સરનામું જાડેજા બાપુનું છે અને અહીં સરકારી કૂતરાઓને આવવાની મનાઇ છે તે તું જાણતો નથી એમ કહી ઘેરી લઇ માર મારનાર 7 વિરૂધ્ધ રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાય છે.

રાંદેર પોલીસ સ્ટેશનના હે. કો. કલ્પેશ લક્ષ્મણ મકવાણા ગત છેડતીના ગુનાના સાહેદ યશ આદિત્ય શીંદેને કોર્ટનો સમન્સ બજાવવા તેના રહેણાંક પાલનપુર જકાતનાકા રોડ દિનદયાળ સોસાયટીના કૃપાનિધી એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. જયાં એપાર્ટમેન્ટમાં રહેતો બ્રિજેશસિંહ ભરતસિંહ જાડેજા નામના યુવાને શા માટે આવ્યા છો ? ‘તું રાંદેર પોલીસ સ્ટેશનનો પોલીસ વાળો છે, તો તને ખબર નથી કે આ સરનામું જાડેજા બાપુનું છે અને અહીં સરકારી કૂતરાઓને આવવાની મનાઇ છે તે તું જાણતો નથી. જો આ એપાર્ટમેન્ટમાં કોઇના ઘરે ચઢયો છે તો પતાવી દઇશ’ એમ કહી ઝઘડો કર્યો હતો. 

ઉપરાંત બ્રિજેશે આ સરકારી કૂતરો માર ખાદ્યા વગર નહીં સમજે, ધોકો લાવો એમ કહી બૂમ પાડતા ધર્મેન્દ્ર દિનેશ વણઝારા, જયરાજસિંહ ભરતસિંહ જાડેજા, શ્વેતાબા ભરતસિંહ જાડેજા, બિંજલ પ્રગ્નેશસિંહ રાજેશસિંહ જાડેજા, પ્રગ્નેશસિંહ રાજેશસિંહ જાડેજા અને પ્રિન્સ નામનો યુવક દોડી આવ્યા હતા. આ તમામે હે. કો કલ્પેશને ઘેરી લઇ આ પોલીસવાળો અહીંથી જીવતો જવો ના જોઇએ એમ કહી ઢીકમુક્કી, બેલ્ટ, ધોકો અને પાઇપ વડે માર માર્યો હતો. 

કલ્પેશ પોતાનો જીવ બચાવવા દોટ લગાવી કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પરંતુ તમામે પુનઃ કલ્પેશને ઘેરી લઇ માર મારી મોબાઇલ ઝુંટવી લીધો હતો. આ અરસામાં રાંદેર પોલીસની બે પીસીઆર અને ડી સ્ટાફના જવાનો પણ દોડી આવ્યા હતા. પરંતુ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. જો કે પોલીસે બળપ્રયોગ કરી પાંચને પકડી લીધા હતા જયારે પ્રગ્નેશ અને પ્રિન્સની શોધખોળ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS