For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે માતૃપ્રેમ દર્શાવતું 80 હજાર લાકડાના ટૂકડામાંથી બનેલું આર્ટ વર્ક પ્રદર્શનમાં મુકાયું

Updated: Sep 17th, 2020

Article Content Image

સુરત, તા. 17 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ અલગ અલગ રીતે ઉજવાઈ રહ્યો છે ત્યારે વેસુ વિસ્તારમાં એક પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. બેંગ્લોરના મૈસૂરમાં તૈયાર થયેલી આ પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વાદ અને પ્રેમ આપતા હીરાબાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. 24 કલાકારોએ 12 મહિના સુધી મહેનત કરીને આ વૂડ ઈન લે આર્ટ તૈયાર કર્યું છે. 7 ફૂટ પહોળું અને 5 ફૂટ ઊંચી આ પ્રતિકૃતિમાં આર્ટને જીવંત રાખવાની સાથે માતૃપ્રેમ દર્શાવવામાં આવ્યો છે.

આ આર્ટમાં બનેલું મોદીજી અને હીરાબાનું ચિત્ર 10 હજાર પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના કટકાઓને ચોંટાડીને તૈયાર કરવામાં આવ્યું છે.આર્ટમાં કુલ 80 હજાર લાકડાના ટુકડાને એવી રીતે જોડવામાં આવ્યાં છે. જેથી નરેન્દ્ર મોદી અને તેમના માતા હીરાબાના પ્રેમને આબેહૂબ વ્યક્ત કરી શકાય.

Article Content Image

મરણ પથારીએ પડેલી કળાને જીવંત રાખવા પ્રયાસ

ભાનુ પ્રકાશે જણાવ્યું હતું કે, વૂડન આર્ટને વૂડ ઈન લે આર્ટ કહીએ છીએ. હવે આ આર્ટ મરણ પથારીએ છે. જેથી અમે આ કળાને જીવંત રાખવા માટે આ મોટું આર્ટ બનાવ્યું છે. જેમાં મધર્સ લવ નામનું આ આર્ટ બનાવ્યું છે, 25 આર્ટીસ્ટો દ્વારા કામ કરીને એક વર્ષની મહેનતે મોદીજી અને તેમની માતાને દર્શાવતું મધર આર્ટ તૈયાર કરાયું છે.

વિશાલભાઈ કાસુંદ્રા એ જણાવ્યું હતું કે, અમે આ આર્ટને પ્રમોટ કરી રહ્યાં છીએ. કર્ણાટક મૈસૂરની આ ચારસો વર્ષ જૂની પધ્ધતિ છે. જેને પ્રોત્સાહન કરવા માટે આ વર્ક બનાવ્યું છે. આ આર્ટ માટે માતૃપ્રેમનો વિચાર આવ્યો અને મોદી સાહેબ અને તેમના માતાના પ્રેમને દર્શાવતું આ વર્ક તૈયાર કર્યું છે. જેને આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે લોકો સમક્ષ સૌ પ્રથમવાર સુરતમાં મુકવામાં આવ્યું છે. વિશ્વનું વૂડ ઈન લે આર્ટ પ્રકારનું આ સૌથી મોટું આર્ટ છે.

Gujarat