For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અડાજણની મહિલાને વેબ સિરીઝમાં કામ કરવા અને શરીર સંબંધ બાંધવાનું દબાણ કરતા યુવકની ધરપકડ

ફોટોશૂટ વખતે જ ત્રણ વ્યક્તિને સાથે લાવી અઘટિત માંગણી કરતા મહિલાએ કરાર તોડી નાખ્યો તો યુવાને મહિલાને સુરતમાં રહેવા નહીં દઉં, ફોટા શેર કરી બદનામ કરવાની ધમકી આપી હતી

Updated: Jul 9th, 2021

Article Content Imageસુરત, 9 જુલાઇ 2021 શુક્રવાર

સુરતના અડાજણ વિસ્તારમાં એકલી રહેતી 39 વર્ષીય મહિલાને મારી સાથે ફિલ્મી હસ્તી કામ કરે છે કહી વેબ સિરીઝમાં કામ કરવા દબાણ કરી કતારગામના યુવાને પોતાની સરથાણા યોગીચોક સ્થિત ઓફિસે લઈ જઈ ફોટોશૂટ વખતે જ ત્રણ વ્યક્તિને સાથે લાવી તેમની સાથે શરીર સંબંધ બાંધવા અઘટિત માંગણી કરતા મહિલાએ કરાર તોડી નાખ્યો હતો.આથી ઉશ્કેરાયેલા યુવાને મહિલાને સુરતમાં રહેવા નહીં દઉં, ફોટા શેર કરી બદનામ કરવાની ધમકી આપી હતી. આ બનાવમાં સરથાણા પોલીસે યુવાનની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં એકલી રહેતી 39 વર્ષીય કિરણ ( નામ બદલ્યું છે ) એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલી છે. 15 દિવસ અગાઉ તેના મોબાઈલ ફોન ઉપર અજાણ્યાએ ફોન કરી હું જે.ડી.બોલું છું, તમારે મારી વેબ સિરીઝમાં કામ કરવું પડશે તેમ કહેતા કિરણે હું તમને ઓળખતી નથી તો તમારી સાથે કેમ કામ કરું તેવો જવાબ આપ્યો હતો. મારી સાથે ફિલ્મી હસ્તી કામ કરે છે તમારે કરવું પડશે કહી દબાણ કર્યા બાદ જે.ડી. ગત પહેલીના રોજ કિરણના ઘરે આવ્યો હતો અને પોતાની સાથે કિરણને પોતાની સરથાણા યોગીચોક સહજાનંદ બિઝનેસ હબમાં આવેલી ઓફિસ નં.419 માં લઈ ગયો હતો. ત્યાં બે પુરુષ અને મહિલા હાજર જતા. કિરણ તેમની પાસે ફોટોશૂટ કરાવતી હતી ત્યારે જે.ડી. અન્ય ત્રણ વ્યક્તિ સાથે ત્યાં આવ્યો હતો અને તેમની સાથે શરીર સંબંધ બાંધવા અઘટિત માંગણી કરતા કિરણે કરાર તોડી નાખ્યો હતો.

જે.ડી.એ કિરણને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા તે ત્યાંથી ચાલી ગઈ હતી. બાદમાં જે.ડી.પટેલ ઉર્ફે જયદીપ છગનભાઇ ડભોયા ( ઉ.વ.27, રહે. ઘર.નં.100, શાંતિનગર સોસાયટી, ગજેરા ફાર્મની પાસે, કતારગામ, સુરત. મુળ રહે.ખાર ગામ, તા.લીલીયા, જી. અમરેલી ) એ કિરણને ફોન કરી ધમકી આપી હતી કે તમને સુરતમાં રહેવા નહીં દઉં, ફોટા શેર કરી બદનામ કરી દઈશ. આખરે ગત બુધવારે કિરણે જે.ડી. વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગત મળસ્કે તેની ધરપકડ કરી હતી.

Gujarat