ગુજરાત કી આંખો કા તારા સાપુતારામાં સૂર્યાસ્ત પછી છવાય છે ઘોર અંધકાર


-સ્ટ્રીટ લાઇટના અભાવે સાંજ પછી છવાતા અંધકારને કારણે પર્યટકોને પરેશાની 

-મેઇન્ટેનન્સના નાણાં  ક્યાં જાય છે ? તે તપાસનો વિષય

વાંસદા

ગુજરાત કી આંખો કા તારા સાપુતારામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે, પરંતુ હાલ સાપુતારાના મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટના અભાવે સૂર્યાસ્ત બાદ ઘોર અંધકાર વ્યાપી જતા પ્રવાસીઓને ભારે હાલાકી પડી રહી છે.

સાપુતારાના આનંદો સર્કલથી સ્વામિનારાયણ મંદિર રોડ થઇ ગવર્નર હિલ અને સ્વાગત સર્કલથી જૈન મંદિર સુધી જતા માર્ગ ઉપર છેલ્લા એકાદ વર્ષથી સ્ટ્રીટ લાઈટના અભાવે સૂર્યાસ્ત નિહાળ્યા બાદ પ્રવાસીઓ ગાઢ અંધકારમાં ફાંફા મારતા અટવાતા જોવા મળે છે. ગવર્નર હિલ અને સ્વામિનારાયણ મંદિર વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો હોય જંગલી જાનવર અને ઝેરી સાપોનો પણ ભય રહે છે. રાજ્ય સરકારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પાસે સાપુતારા ન દેખા તો કુછ ભી ન દેખાનું સૂત્ર આપી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કઇ અલગ જ દેખાય છે. નોટિફાઇડ કચેરી, સાપુતારા પરિસરની સ્ટ્રીટ લાઈટના મેઇન્ટેનન્સ માટે દર મહિને લાખો રૃપિયાનું ચુકવણું કરે છે, તેવા સંજોગોમાં સવાલ એ ઉભો થાય છે કે સાપુતારાના હાર્દ સમા ગવર્નર હિલ અને સનરાઈઝ પોઇન્ટ પર જતાં માર્ગો પર વર્ષોથી બંધ સ્ટ્રીટ લાઈટના મેઇન્ટેનન્સના નાણાં કોના ગજવામાં જાય છે ? તે તપાસનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, નોટિફાઇડ એરિયા કચેરીમાં ચીફ ઓફિસરની ઘણા સમયથી જગ્યા ખાલી છે. ઇન્ચાર્જ મામલતદારથી ગાડું ગબડાવવામાં આવે છે. જેના કારણે તેઓ વધુ સમય ધ્યાન આપી ન શકતા હોય સાપુતારાના વિકાસ કાજે મહત્વના નિર્ણયો નહીં લેવાતા વિકાસ કામો અટવાયા છે. આ સંદર્ભે ઇન્ચાર્જ ચીફ ઓફિસર યુ.વી.પટેલે જણાવ્યું કે, મેં હમણા જ સાપુતારાનો ચાર્જ સંભાળ્યો છે. કેટલાક હોટેલિયરોએ બંધ સ્ટ્રીટ લાઈટ બાબતે રજુઆત કરી છે એટલે લાઈટમેનને બંધ સ્ટ્રીટ લાઇટની તપાસ કરવા સૂચના આપી છે.

 

City News

Sports

RECENT NEWS