કલ્યાણજી-આણંદજીની સિલ્વર જ્યુબિલી હિટ એવી થોડીક ફિલ્મના સંગીતની આછેરી ઝલક

Updated: May 27th, 2022


- સિનેમેજિક-અજિત પોપટ

''સંગીતકાર કલ્યાણજી-આણંદજીના સંગીતથી સજેલી આશરે ૩૮ ફિલ્મે રજત જયંતી ઊજવી એટલે કે પચીસ પચીસ સપ્તાહ સુધી ચાલી એ વાત આપણે કરેલી. ગોલ્ડન જ્યુબિલી ફિલ્મોની વાત કર્યા પછી હવે રજત જયંતી ઊજવનારી થોડીક ફિલ્મોના સંગીતની ઝલક માણીએ. એવી એક સરસ ફિલ્મ એટલે નિર્માતા સંદીપ સેઠી અને નિર્દેશક અજય બિશ્વાસની 'સમઝૌતા'. અંગ્રેજીમાં આપણે જેને કોમ્પ્રોમાઇઝ કહીએ છીએ  એ સમઝૌતા એક સામાજિક અને નાટકીય કથા ધરાવતી ફિલ્મ હતી. પૂણેની ફિલ્મ ઇન્સ્ટીટયુટના ગ્રેજ્યુએટ એવો અનિલ ધવન આ ફિલ્મનો હીરો હતો. જોડે યોગીતા બાલી, શત્રુઘ્ન સિંહા, બંગાળી અભિનેતા અજિતેશ બંદોપાધ્યાય અને પ્રદીપ કુમાર ચમક્યાં હતાં. આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવી નહોતી, પરંતુ એનાં ગીત સંગીતે સારી એવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. 

આ ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો ઇન્દિવરનાં હતાં. એક ગીત વર્મા મલિકે રચ્યું હતું. એમાંય બે ગીતોએ તો રીતસર ધમાલ મચાવી હતી. તમે નોંધ્યું હોય તો કલ્યાણજી-આણંદજીના સંગીતથી સજેલી મોટા ભાગની ફિલ્મોમાં એકાદ ગીત ચિંતનાત્મક હોય છે. દાખલા તરીકે 'કસ્મે વાદે પ્યાર વફા સબ...' (ફિલ્મ 'ઉપકાર'). અહીં પણ એવું એક ગીત ઇન્દિવરે કલ્યાણજીભાઇના આગ્રહથી રચ્યું હતું અને એ ગીત હિટ સાબિત થયું હતું. આટલું વાંચીને સંગીત રસિકોને એ ગીત અચૂક યાદ આવી ગયું હશે. 'સમઝૌતા ગમોં સે કર લો, જિંદગી મેં ગમ ભી મિલતે હૈં, હો પતઝડ આતે હી રહતે હૈં, પતઝડ આતે રહતે હૈં કે મધુવન ફિર સે ખિલતે હૈં... ' સુખ અને દુઃખની આવનજાવન જીવનમાં રહેતી જ હોય છે, કશું કાયમી હોતું નથી. એટલે સમસ્યા સર્જાય કે દુઃખ આવે ત્યારે સંજોગો સાથે મનમેળ કરી લેવો એવો ભાવ રજૂ કરતું આ ગીત એકવાર કિશોર કુમાર અને બીજીવાર લતા મંગેશકરના કંઠમાં રજૂ થયું છે. પહેલીવાર ખુશમિજાજ તર્જ છે અને બીજીવાર ગમગીનીથી છલકતી તર્જ છે.

સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં સ્વરબદ્ધ થયેલું આ ગીત આઠ માત્રાના મજેદાર કહેરવા તાલમાં નિબદ્ધ છે. એવું જ બીજું ગીત મુહમ્મદ રફી અને મૂકેશના કંઠમાં રજૂ થયું છે. એના શબ્દો પણ ઉત્સાહવર્ધક રહ્યા છે. 'બડી દૂર સે  આયે હૈં, પ્યાર કા તોહફા લાયે હૈં, અપના લો યા ઠુકરા દો, પ્યાર કા તોહફા લાયે હૈં...' ઠુમરી જેવા ઉપશાસ્ત્રીય ગાયનમાં છૂટથી વપરાતા રાગ પીલુમાં નિબદ્ધ આ ગીતમાં પણ તાલ તો કહેરવો છે, પરંતુ એના વજનમાં ફેર છે એટલે આ ગીત પણ સાંભળનારને ઝૂમતા કરી દે એવું બન્યું છે. આ ગીતને ફિલ્મનું થીમ સોંગ કહીએ તો ચાલે. જુદા જુદા અંતરા સાથે એ એક કરતાં વધુ વખત પરદા પર રજૂ થાય છે.

બીજી બાજુ ગંભીર હતાશામાં સરકી પડેલા નાયકની મનોદશા રજૂ કરતું એક ગીત મુહમ્મદ રફીના કંઠમાં છે. 'સબ કે રહતે લગતા હૈ, જૈસે કોઇ નહીં હૈ મેરા, કોઇ નહીં હૈ મેરા, સૂરજ કો છૂને નિકલા થા, આયા હાથ અંધેરા, કોઇ નહીં હૈ  મેરા...' મિશ્ર શિવરંજની રાગમાં અને કહેરવા તાલમાં નિબદ્ધ આ ગીત સાંભળીને ઉદાસ થઇ જવાય એવાં એના તર્જ-લય છે.

બે તોફાની ગીતો કિશોર કુમારના કંઠમાં છે. એક ગીતમાં રમૂજ સાથે કટાક્ષ છે તો બીજા ગીતમાં જીવનની વાસ્તવિકતાનો કઠોર ચિતાર છે. પહેલું ગીત લગભગ નિરર્થક કહેવાય એવા શબ્દોથી ઊપડે છે- 'તુનક તુન તન્દા, તુનક તુન તન્દા, ઐસે લોગોં કા ધંધા કભી ન હોગા મંદા...' શબ્દો પરથી સમજાય છે કે ગીતમાં કેવા લોકોની વાત કરવામાં આવી છે.

એના કરતાં વધુ સરસ રચના આ છે. કિશોર કુમાર ગાય છે અને શબ્દોમાં પણ કિશોર કુમાર છે. મુખડું જુઓ- 'સૈંકડો કિશોર યહાં, અરે સૈંકડો લતા, બિન સુને લગેગા તુમ્હેં, કિસ તરહ પતા, ના રૂપ દેખિયે, ના નામ દેખિયે, જો દેખિયે તો, આદમી કા કામ દેખિયે...' જેવા સરળ અને રમતિયાળ શબ્દો છે એવી જ રમતિયાળ તર્જ સંગીતકારોએ સર્જી છે. આ ગીત સાંભળીએ ત્યારે એમ લાગે કે આ ગીતને કિશોર કુમાર જ ન્યાય આપી શકે. 

'સમઝૌતા' ફિલ્મે રજત જયંતી ઊજવી એમાં સૌથી મોટો ફાળો ગીત-સંગીતનો હતો એ યાદ રાખવા જેવું છે.

    Sports

    RECENT NEWS