For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઝુક ગયા આસમાનનાં બધાં ગીતો લાજવાબ હતાં

- સિનેમેજિક- અજિત પોપટ

Updated: Sep 25th, 2020

Article Content Image

ભલે અમેરિકી હિટ ફિલ્મનું ભારતીય રૂપાંતર હોય, એ સમય એવો હતો કે રાજેન્દ્ર કુમાર રેતીમાં હાથ નાખે તો સોનું હાથમાં આવે. એના નામ પર ફિલ્મો વેચાતી હતી. ઝુક ગયા આસમાન ફિલ્મ અગાઉ કહેલું એમ એક ફેન્ટસી હતી, હિયર કમ્સ મિસ્ટર જોર્ડન (૧૯૪૧)નું હિન્દી રૂપાંતર હતું. રાજેન્દ્ર કુમાર ડબલ રોલમાં હતો. એકને બદલે ભૂલથી બીજો યુવાન મરણ પામે અને એના જીવને યમલોકમાં લઇ જાય ત્યારે ત્યાં ખબર પડે કે આ તો ભૂલથી બીજા માણસને ઉપાડી લાવ્યા છીએ એટલે એને પાછો મૃત્યુલોકમાં મોકલવામાં આવે એવી આ વાર્તા હતી.

ફિલ્મમાં ચાર ગીતો હસરત જયપુરીનાં ત્રણ શૈલેન્દ્રના અને એક ગીત એસ એચ બિહારીએ આપ્યું હતું. એ દિવસોમાં બધાં ગીતો હિટ અને લોકપ્રિય નીવડયાં હતાં. આપણે ત્રણ ચાર ગીતોની વાત કરીને છૂટા પડીશું. સૌથી રમતિયાળ કહી શકાય એવાં ગીતો આ રહ્યાં. એક ગીતને થોડીક છૂટ લઇને મનામણાંનું ગીત કહી શકીએ. 'કહાં ચલ દિયે ઇધર તો આઓ, મેરે દિલ કો ન ઠુકરાઓ, ભોલે સિતમગર માન ભી જાઓ, માન ભી જાઓ માન ભી જાઓ...'  અહીં હસરતની સર્જનશક્તિનો એક જાદુ જુઓ. 

સિતમગર કહીને પાછું એવું પીંછું ઉમેરે છે કે 'ભોલે સિતમગર'. મુહમ્મદ રફીએ જે રીતે કહાં ચલ દિયે અને ઇધર તો આઓ શબ્દોનો સ્વરલગાવ કર્યો છે એમાં થોડેક અંશે છણકા સાથે વિનવણી વ્યક્ત કરી છે. બેશક, તર્જમાં શંકર જયકિસને જે જાદુ સર્જ્યો છે એને રફીએ વધુ આસ્વાદ્ય બનાવ્યો છે એમ કહી શકાય.

એવું જ બીજું નટખટ ગીત પહેલા પ્યારની નાયિકાના મન પર થયેલી અસર દર્શાવે છે. 'ઉન સે મીલી નજર તો મેરે હોશ ઊડ ગયે, ઐસા હુઆ અસર કે મેરે હોશ ઊડ ગયે...' શબ્દોમાં રહેલા ભાવને કંઠ દ્વારા રજૂ કરવાની લતાજીની હથોટી આપણે સૌ જાણીએ છીએ. એજ રીતે જે હીરોઇન ફિલ્મની નાયિકા હોય એના કંઠ સાથે પોતાના કંઠનું સાયુજ્ય સ્થાપવાના એમના કૌશલ્યથી પણ આપણે પરિચિત છીએ. સાંભળતાં વેંત ખ્યાલ આવી જાય કે આ ગીત કઇ હીરોઇન માટે ગાયું હશે. 

પ્રેમી પાત્રો એકબીજા પર મીઠ્ઠું દોષારોપણ કરે એવું એક સુંદર યુગલગીત રફી અને લતાજીના કંઠમાં છે. પોતાની રાતની નીંદર વેરણ થઇ એ માટે નાયક નાયિકા બંને એકબીજાને તુમ્હારે સિવા કૌન તુમ્હારે સિવા કૌન.. કહીને એકમેકને ચીઢવે છે. એવું ડયુએટ આ રહ્યું, 'મેરી આંખોં કી નીંદિયા ચુરા લે ગયા તુમ્હારે સિવા કૌન તુમ્હારે સિવા કૌન, બાતોં બાતોં મેં દિલ કો ઊડા લે ગયા, તુમ્હારે સિવા કૌન તુમ્હારે સિવા કૌન....'  સરળ અને કોમન મેન પણ આસાનીથી ગણગણતો થઇ જાય એવી તર્જો આ બંને સંગીતકારો છેક છેવટ સુધી આપતા રહ્યા.

શૈલેન્દ્રની આ લેખકને ગમતી રચના એકવાર હેપ્પી મૂડમાં અને બીજીવાર ગમગીન મૂડમાં રફીના કંઠે રજૂ થઇ છે. લગભગ દરેક પ્રેમીના મનમાં આ વાત તો રમતી હોય છે. દરેક પ્રેમી ભલે તાજમહાલ ન બનાવી શકે પરંતુ એના દિલમાં તો આ ભાવના હોય છે- 'સચ્ચા હૈ અગર, મેરા પ્યાર સનમ, હોંગે જહાં તુમ, વહાં હોંગે હમ, યે ધડકનેં ભી અગર જાયે થમ, જબ ભી પુકારો સદા દેંગે હમ...' વાહ્ વાહ્ ક્યા બાત હૈ. આ ગીત માટે એટલુંજ કહીશ કે સંગીતની તુલનાએ શબ્દો અને ભાવ વધુ અસરકારક રહ્યા. 

ઘણા વાચકોને પોતાનાં પ્રિય ગીતનો ઉલ્લેખ ન જોઇને આકરું લાગતું હશે પરંતુ શંકર જયકિસને ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં જે મબલખ અને ધરખમ પ્રદાન કર્યું છે એની ઝલક રજૂ કરવા માટે પણ કેટલુંક જતું કરવાની લેખકને ફરજ પડતી હોય છે. બેશક, રાજેન્દ્ર કુમારની શંકર જયકિસનનાં સંગીતથી સજેલી મોટા ભાગની ફિલ્મના દરેક ગીત વિશે સ્વતંત્ર એપિસોડ લખી શકાય. પરંતુ  સ્થળસંકોચને કારણે સંયમ રાખવો પડે છે. આજે ઝુક ગયા આસમાન ફિલ્મનાં ત્રણ ચાર ગીતોના આસ્વાદ સાથે ભારે હૈયે રાજેન્દ્ર કુમારને રજા આપીએ.

Gujarat