For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તહલકો મચાવી ગયેલું 'જબ જબ ફૂલ ખિલે'નું સંગીત

Updated: Sep 24th, 2021

Article Content Image

- સિનેમેજિક-અજિત પોપટ

૧૯૬૫માં એટલે કે આજથી છપ્પન વર્ષ પહેલાં બોક્સ ઓફિસ પર સાડા પાંચ કરોડ રૂપિયા (આજના ભાવે ગણીએ તો આશરે ૪૫ મિલિયન અમેરિકી ડોલર)ની કમાણી એક ફિલ્મે કરી હતી. કલ્યાણજી આણંદજીના સંગીતની દ્રષ્ટિએ રીતસર વિસ્ફોટ સર્જનારી એ ફિલ્મ એટલે સૂરજ પ્રકાશની 'જબ જબ ફૂલ ખિલે...'. 

થોડીક અતિશયોક્તિ લાગશે પરંતુ રાજ કપૂરની આવારા અને ફિલ્મોનું સંગીત રશિયામાં ગૂંજતું રહ્યું એમ આ ફિલ્મનું સંગીત ઉત્તર આફ્રિકાના દેશો અલ્જિરિયા, મોરોક્કો, લીબિયા વગેરેમાં જબરદસ્ત હિટ સાબિત થયેલું. ગીતો આનંદ બક્ષીનાં હતાં.

કથામાં કોઇ નવીનતા નહોતી. કશ્મીરનો ગરીબ બોટવાલો નામે રાજા અને મુંબઇથી કશ્મીરમાં ફરવા આવેલી અતિ ધનાઢય પરિવારની પુત્રી રીટા... અમીર ગરીબના પ્રેમની વાત હતી, જે ફિલ્મોમાં જ સાકાર થાય. શ્રીમંત પિતા આ પ્રેમમાં વિઘ્ન નાખવાના નિષ્ફળ પ્રયાસો કરે છે. જો કે સુખદ અંત સાથે ફિલ્મ પૂરી થાય છે. 

આ ફિલ્મનાં બધાં ગીતોએ ધૂમ મચાવેલી. અહીં આપણી પરંપરા પ્રમાણે બે ચાર ગીતોની ઝલક માણીએ. પંડિત શિવકુમાર શર્માનું સંતુર, કિશોર દેસાઇનું મેંડોલીન અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાની બાંસુરીના ત્રિવેણી સંગમે સર્જેલો જાદુ એટલે પરદેશિયોં સે ન અખિયાં મિલાના... 

પહેલીવાર મુહમ્મદ રફી અને બીજીવાર લતાના કંઠે ગૂંજેલું એ એવરગ્રીન ગીત- 'પરદેશિયોં સે ન અખિયાં મિલાના, પરદેશિયોં કો હૈ એક દિન જાના...' આજે પણ આ ગીત સાંભળો ત્યારે સ્થળકાળનું ભાન ભૂલી જવાય એવું યાદગાર ગીત બન્યું છે. મુખ્ય તર્જની સાથોસાથ લયવાદ્ય પૂરક રીતે વાગતું હોય એ રીતે સંભળાય છે. લયવાદ્ય બોલકું નથી બન્યું એ આ ગીતની વિશેષતા છે.

કેટલાક વિઘ્ન સંતોષીઓએ આ ગીત માટે એવી અફવા ફેલાવેલી કે સંગીતકાર રોશનના 'સારી સારી રાત તેરી યાદ સતાયે' (ફિલ્મ અજી બસ શુક્રિયા) પરથી આ ગીતની તર્જ લેવામાં આવી છે. સંગીતનો થોડોક પણ અભ્યાસ હોય તેમને સમજાશે કે શિવરંજની રાગિણીનો ઉપાડ અને પકડ જ એ પ્રકારના છે કે તમને બે ગીતમાં સમાનતા લાગે. ઉપાડની દ્રષ્ટિએ આ દાખલા જુઓ તો વાત વધુ સ્પષ્ટ થશે.

'જરા સામને તો આઓ છલિયે' (ફિલ્મ જનમ જનમ કે ફેરે), 'સારી સારી રાત તેરી...' અને 'પરદેશિયોં સે ન અખિયાં મિલાના...' દરેક ગીતનો ઉપાડ લગભગ સરખો લાગશે. 

ઔર એક દાખલો જુઓ. ફિલ્મ ચોરી ચોરી (સંગીતકાર શંકર જયકિસન)ના 'રસિક બલમા હાય, દિલ ક્યૂં ભૂલાયે...' અને 'ચાંદ ફિર નીકલા, મગર તુમ ન આયે'  (પેઇંગ ગેસ્ટ, સંગીત એસ ડી બર્મન)નો ઉપાડ તમને એક સરખો લાગશે. બંનેમાંથી કોઇ સંગીતકારે એકબીજાની નકલ કરી નથી. રાગ શુદ્ધ કલ્યાણનો ઉપાડ આ પ્રકારનો છે. ભૈરવી રાગિણીનાં ઘણાં ગીતોનો ઉપાડ સરખો લાગશે. એટલે અમુક સંગીતકારે તમુક સંગીતકારની નકલ કરી એવું કહેનારા વાસ્તવમાં ભારતીય સંગીતના હાર્દને જાણતા નથી હોતા. આવા બીજા ઘણા દાખલા લઇ શકાય. ભારતીય સંગીતમાં રાગનો ઉપાડ અને પકડ ધ્યાનમાં લેતાં ગીતના રાગ વિશે આવી ગેરસમજ થતી હોય છે.   

જો કે કેટલાક વિદ્વાનોની દ્રષ્ટિએ પરદેશિયોં સે ન અખિયાં મિલાના ગીત રાગ પીલુમાં છે. આ લેખકને સંગીતકાર કલ્યાણજીભાઇએ પોત્તે આ ગીત રાગ શિવરંજનીમાં હોવાની વાત કરેલી અને અગાઉ જણાવ્યા એ ગીતોનાં મુખડાં સંભળાવ્યા હતા. એટલે આપણે વાદવિવાદમાં પડવું નથી. પરદેશિયોં સે ન અખિયાં મિલાના ગીત એક વાર ખુશીના માહૌલમાં અને બીજીવાર ગમગીનીના માહૌલમાં એમ બે વાર રજૂ થાય છે અને બંને વખત માણવા જેવું છે. મુખ્ય તર્જ અને ઇન્ટરલ્યૂડ દૂધમાં સાકર ભળે એમ એકરસ થઇ ગયાં છે. પરદેશિયોંસે ન અખિયાં મિલાના... વિશે આટલું બસ. 

ગીતમાં વાર્તા અને વાર્તામાં ગીત એટલે મુહમ્મદ રફીએ ગાયેલું  'એક થા ગુલ ઔર એક થી બુલબુલ, દોનોં ચમન મેં રહતે થે...' વાસ્તવમાં આ ગીત દ્વારા ફિલ્મની કથાનો સારાંશ રજૂ થાય છે. અત્યંત સૌમ્ય તર્જ અને લયમાં ગીત દર્શક અને શ્રોતા બંનેને જકડી રાખે છે. (આવતા શુક્રવારે જબ જબ ફૂલ ખિલેનાં બીજાં ગીતોની વાત કરીશું.)

Gujarat