For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંગીતને કારણેે યાદગાર ફિલ્મોમાં ત્રણ પેઢી આવી ગઇ

- સિનેમેજિક- અજિત પોપટ

Updated: Oct 2nd, 2020

Article Content Image

૨૦૧૯ના જાન્યુઆરી-ફેબ્રુઆરીથી આપણે ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના પાયોનિયર એેવા સંગીતકારો શંકર જયકિસનની સર્જનકલાનો આસ્વાદ માણી રહ્યા છીએ. ૧૯૫૦ના દાયકાના ટોચના કલાકારો દિલીપ કુમાર, રાજ કપૂર, દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને કોમેડિયન મહેમૂદનાં ગીતોની ઝલક આપણે માણી. આ જ રીતે અન્ય કલાકારો સુનીલ દત્ત, ધર્મેન્દ્ર, મનોજ કુમાર, જિતેન્દ્ર વગેરેનાં ગીતોની ઝલક માણી શકાય. 

આજે સહેજ જુદા પ્રકારની વાત માંડવી છે. શંકર જયકિસને કારકિર્દીનો આરંભ રાજ કપૂરની બરસાત ફિલ્મથી કર્યો. આ ફિલ્મમાં નરગિસ અને નીમ્મી બે હીરોઇનો હતી. પહેલા દાયકા પછી રાજ કપૂરની ફિલ્મમાં નૃત્યાંગના અભિનેત્રી પદ્મિની આવી. પછી વૈજયંતી માલા આવી. 

એ જ રીતે દિલીપ કુમાર, દેવ આનંદ, શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમાર સાથે જુદી જુદી ફિલ્મોમાં જુદી જુદી હીરોઇનો આવી. શંકર જયકિસને જે કલાકારો માટે સંગીત પીરસ્યું એમાં કથાનાયક ઉપરાંત નાયિકા પણ આવી ગઇ. કોમેડી હોય તો મહેમૂદ સાથે શુભા ખોટે આવી જાય. જે તે હીરો સાથે જે તે હીરોઇન આવી જાય. સૌથી વધુ હીરોઇનો કદાચ શમ્મી કપૂર સાથે આવી.

આ મુદ્દો ધ્યાનમાં રાખીને જ શંકર જયકિસને અભિનેત્રીઓ માટે પીરસેલાં સંગીતની અલગ વાત કરી નથી. જો કે અમુક હીરોઇનોનાં યાદગાર ગીતોની અલપઝલપ વાત વચ્ચે આવી ગઇ. જેમ કે રાગ ચારુકેશીની વાત આવી ત્યારે ફિલ્મ આરઝૂના સાધના પર ફિલ્માવાયેલા 'બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ... ' ગીતનો ઉલ્લેખ આવી ગયો. રાગ આશાવરીનો ઉલ્લેખ કરતાં મીનાકુમારી પર ફિલ્માવાયેલું ગીત 'રુક જા રાત ઠહર જા રે ચંદા...' અને રાગ તિલક કામોદ પર આધારિત ગીત 'હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈં ખો બૈઠે...' ની ઝલક આવી ગઇ.

અહીં જે મુદ્દા પર ભાર મૂકવો છે એ આ છે ઃ ૧૯૪૮-૪૯માં ફિલ્મ બરસાતથી સૂરીલી કારકિર્દી શરૂ કરનારા આ બંને સંગીતકારોએ ૧૯૭૧માં જયકિસનના અકાળ અવસાન સુધીમાં ત્રણ પેઢીની અભિનેત્રીઓ માટે સંગીત પીરસ્યું. માત્ર પીરસ્યું એમ નહીં, સદાબહાર, યાદગાર અને મધુર સંગીત પીરસ્યું. આ સંગીત ભૂલ્યું ભૂલાય નહીં. નરગિસ-નીમ્મીથી શરૂ થયેલું ગણીએ તો પછીની પેઢીની સાયરાબાનુ, શમલા ટાગોર, રાજશ્રી, હેમા માલિની અને ઝીનત અમાન આવી.

આ ત્રણ પેઢીના ઉલ્લેખમાં કેટલીક હીરોઇનોનાં નામ પણ લેવાનાં રહી ગયાં. જો કે એમની યાદી અહીં આપવાનો હેતુ પણ નહોતો. મોટા ભાગની હીરોઇનો માટે લતાજી, આશાજી અને સુમન કલ્યાણપુરે કંઠ આપ્યો. થોડાંક ગીતોમાં શારદા અને બે-ચાર ગીતોમાં મુબારક બેગમે કંઠ આપ્યો. એમાં એક પણ ગીત એવું નહીં મળે જે શંકર જયકિસનના ચાહકને યાદ ન હોય. એક પણ ગીત એવું નહીં મળે જે તરોતાજું ન લાગે. એક પણ ગીત એવું નહીં આપી શકો જેમાં મેલોડી ન હોય.

કહેવાનું તાત્પર્ય એ છે કે કથાનાયક જેટલુંજ યાદગાર સંગીત શંકર જયકિસને નાયિકાઓ માટે પણ પીરસ્યું. એમાં રાગદારી આધારિત ગીતો પણ હતાં, 'હો મૈંને પ્યાર કિયા, હાય હાય ક્યા જુર્મ કિયા' જેવાં લોકગીતો પણ આવ્યાં, 'આજ કલ મેં ઢલ ગયા...' જેવી લોરીઓ પણ આવી અને 'બનવારી રે જીને કા સહારા તેરા નામ હૈ..' જેવાં ભક્તિગીતો પણ આવ્યાં. રોમાન્ટિક ગીતો તો બેસુમાર આપ્યાં. એમાં મિલનનાં, વિરહનાં, રીસામણાં-મનામણાંના અને વસમી વિદાયનાં ગીતોનો સમાવેશ હતો. 

અગાઉ તમને કહેલું કે એક ડાન્સગીતના નૃત્ય રિહર્સલમાં વૈજયંતી માલા મૂંઝાણી હતી ત્યારે સંગીતકાર શંકરે નૃત્યનો એ પીસ જાતે કરી બતાવ્યો હતો. આમ પોતાના કામમાં આ બંને એટલા સમપત હતા કે ફિલ્મની કથાનાં બધાં પાત્રોને યથોચિત ન્યાય મળે એ રીતે સ્વરનિયોજન કરતા. એમાંય શંકર જયકિસનની કારકિર્દીના ઉત્તરાર્ધ વખતે તો લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર ડી બર્મન વગેરે સંગીતકારોનો ઉદય થતાં ગળાંકાપ સ્પર્ધા શરૂ થઇ ચૂકી હતી. છતાં, આ બંને  હસતાં મોઢે કામ કરતા રહ્યા. સદાબહાર સંગીત પીરસતાં રહ્યા.

Gujarat