વૈધવ્યના વિષાદે મંદિરાને મેન્ટલ હેલ્થનું મહત્ત્વ સમજાવ્યું
- 'પરિવાર-દોસ્તો હોય તો પણ ક્યારેક તમને તમારી લાગણીઓમાં પડી ગયેલી ગૂંચને ઉકેલવા માટે ક્વોલિફાઇડ વ્યક્તિની જરૂર પડે છે'
સેલિબ્રિટી હોય કે સામાન્ય માનવી સ્વજનની આકસ્મિક વિદાય બધા માટે વસી બની રહે છે. દુ:ખનું ઓસડ દહાડા એવી કહેવત પ્રમાણે ગમગીનીમાંઢી બહાર આવતા બધાને સરખો જ સમય લાગે છે. એક્ટર, ફેશન ડિઝાઈનર, પ્રેજન્ટર અને મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય)ની પુરસ્કર્તા મંદિરા બેદીનો દાખલો આપણી સામે છે. મંદિરાએ વરસોના હર્યાભર્યા દાંપત્ય જીવન અને બે સંતાન બધા પોતાના ફિલ્મ ડિરેક્ટર પતિને ૨૦૨૧માં ગુમાવ્યા. પતિનું આકસ્મિક અવસાન બેદી માટે એક કુઠારાઘાત બની રહ્યો. વસમા દુ:ખના એ દિવસો યાદ કરતા ત્રણ દશક પહેલા ટીવી સીરિયલથી લાઈમલાઇટમાં આવનાર એકટ્રેસ કહે છે, 'ચાર વરસ પહેલા હસબન્ડને ગુમાવ્યા બાદ હું એમના વિશે કોઈ સાથે વાત નહોતી કરી શકતી. એ માટે હું ત્યારે તૈયાર જ નહોતી. વિષાદ, શોકમાંથી બહાર આવવાનો કોઈ શોર્ટકટ નથી. એનો કોઈ ઇન્સ્ટંટ ઇલાજ નથી. હું કાંઈ ભૂલી નથી. એ મારા માટે પગ નીચેથી ધરતી ખસી જવા સમાન હતું. એમના ગયા પછીનું પહેલું વરસ બહુ મુશ્કેલ બની રહ્યું. એમના વિનાનો દરેક પહેલો પ્રસંગ કે પર્વ-મારો બર્થ ડે, એમનો બર્થ ડે, મેરેજ એનિવર્સરી, દિવાળી, ક્રિસમસ, ન્યુયર બધું હચમચાવી નાખતું. તમારું હૃદય જાણે હજારો ટુકડાોમાં વહેંચાઈ ગયું હોય એવું લાગે. પરંતુ બીજા વરસથી ધીમે ધીમે જીવન થાળે પડવા માંડયું. હવે હું એમને મિસ નથી કરતી એવું નથી પરંતુ હું હવે દુ:ખને પાછળ રાખી આગળ વધી ગઈ છું.'
મજબુત મનોબળ ધરાવતી વ્યક્તિ વિષાદમાંથી પસાર થયા બાદ એ અનુભવમાંથી કંઈક શીખીને એનો સમાજને લાભ આપી શકે છે. મંદિરા બેદી પોતાના દુ:ખને દીવાદાંડી બનાવી મેન્ટલ હેલ્થની પુરસ્કર્તા બની ગઈ છે. એ લોકોને એવું સમજાવવા પ્રયાસ કરે છે કે ફિજિકલ ફિટનેસ જેટલી જ મેન્ટલ હેલ્થ જરૂરી છે. વીર અને તારાને એકલા હાથે મોટા કરનાર બેદીએ પોતાના બંને બાળકોને મેન્ટલ હેલ્થનું મહત્ત્વ સમજાવી દીધું છે. 'રાજના નિધન બાદ વીરને થેરપી લેવાની જરૂર પડી હતી. પોતાના પેરેન્ટ સિવાયની બહારની વ્યક્તિ સમક્ષ એ પોતાનું દિલ ખોલે એ જરૂરી હતું એટલે મેં એનું કાઉસેલિંગ કરાવ્યું. મારા બંને કિડ્સને મેં કહી રાખ્યું છે કે જ્યારે પણ તમને કંઈક અજુગતું લાગે, બૈચેની અનુભવાય ત્યારે થેરપિસ્ટ પાસે જવામાં સંકોચ નહિ કરતા,' એમ મંદિરા કહે છે.
સમયાંતરે પોતે કઈ રીતે મેન્ટલ હેલ્થને એક પ્રાયોરિટી બનાવી દીધી છે એ વિશે વાત કરતા ફેશનિસ્ટા કહે છે, 'મેન્ટલ હેલ્થને મેં કદી પાછલા ક્રમમાં મુકી નથી, હંમેશા પહેલા ક્રમમાં જ રાખી છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી. અગાઉ ઘણીવાર હું પોતાને જ ગમતી નહિ. નેગેટીવ વિચારીને પોતાની જાતનો જ તિરસ્કાર કરતી. સેલ્ફ-લવ તો મારી તાજેતરની શોધ છે. હવે હું રોજ વહેલી સવારે ખુશ રહેવાના મિશન સાથે ઉડું છું. પોતાની મનની શાંતિની એ રીતે સુરક્ષા કરું છું.'
મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ ઘણાંને નડે છે, પણ કોઈ એ વિશે ખુલીને બોલતું નથી અને એનો ઉપાય કરવા પ્રોફેશનલ હેલ્પ લેવામાં સંકોચ કરે છે. એ સંદર્ભમાં પોતાનો જાત અનુભવ વાગોળતા મંદિરા કહે છે, '૧૮ વરસ પહેલા થેરપી લેવા સાઇકિઆટ્રિસ્ટ પાસે જતા પહેલા મેં મમ્મીને એ વિશે વાત કરી ત્યારે એ અવાચક થઈ ગઈ. એને થેરપી લેવાની શું જરૂર છે એ સમજાતું નહોતું. એટલા માટે કે મેન્ટલ હેલ્થ કાયમ આપણાં સમાજ માટે વર્જ્ય વિષય રહ્યો છે. આજે પણ બહુ ઓછા એ વિશે ખુલીને બોલે છે. અહીં એક હકીકત સમજી લો. તમારું ફેમિલી અને ફ્રેન્ડ્સ તો હંમેશા તમારા પ્રશ્નો સાંભળવા તૈયાર હોય છે, પરંતુ ક્યારેક તમને તમારી લાગણીઓમાં પડેલી ગુત્થી સુલજાવવા એક ક્વોલિફાઇડ વ્યક્તિની પણ જરૂર પડે છે. ક્યારેક ત્રીજી વ્યક્તિ સમક્ષ દિલ ખોલવું આસાન બની રહે છે કારણ કે એણે તમારા વિશે કોઈ અભિપ્રાય લાંધી રાખ્યો નથી હોતો. એ પૂર્વગ્રહ રાખ્યા વિના તમને ઓનેસ્ટ ગાઇડન્સ આપી શકે છે.'