અડધો ડઝન નિર્માતાઓએ કેમ પાછળ ધકેલી તેમની ફિલ્મોની રિલીઝ?


- એ સમય વીતી ગયો જ્યારે ફિલ્મસર્જકો જે દેખાડે તે દર્શકો ડાહ્યાડમરા થઈને જોઈ લેતા. તેમની સિનેમા પ્રત્યેની રસરુચિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ફિલ્મસર્જકોને આ વાત સારી રીતે સમજાઈ ગઈ હોવાથી તેઓ પોતાની મૂવીઝને પોસ્ટપોન કરીને તેમાં જરૂરી ફેરફાર કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક વખતથી હિન્દી ફિલ્મોદ્યોગ સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના કાળમાં ભોગવેલા નુકસાનમાંથી બહાર આવવા મથી રહેલા ફિલ્મ સર્જકો હવે ફ્લોપ ફિલ્મોથી બેહાલ છે. સંખ્યાબંધ ફિલ્મોમાં દિગ્ગજ કલાકારો હોવા છતાં દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવાનું કઠિન બની રહ્યું હોવાથી સિનેમા સર્જકો પોતાની ફિલ્મોની રજૂઆત વિલંબમાં નાખી રહ્યાં છે.

તાજેતરમાં જ પ્રભાસની જાન્યુઆરી ૨૦૨૩માં રજૂ થનારી 'આદિપુરૂષ'ને હવે જૂન મહિનામાં રીલિઝ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે સલમાન ખાનની 'ટાઈગર-૩' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને પણ અગાઉની નિર્ધારિત તારીખને બદલે પછીથી રજૂ કરવામાં આવશે એવી ઘોષણા થઈ ચૂકી છે. 'ટાઈગર-૩'ને આગામી વર્ષે ઈદના દિવસે રજૂ કરવામાં આવવાની હતી. પણ હવે તેનું મોઢું દિવાળી વખતે દેખાશે. અને 'કિસી કા ભાઈ કિસી કી જાન'ને ૩૧મી ડિસેમ્બરના સ્થાને ઈદ નસીબ થશે. આ વર્ષે ક્રિસમસના દિવસે 'સર્કસ', 'મેરી ક્રિસમસ' અને 'ગણપત' સિનેમાઘરોમાં પહોંચવાની હતી. તેના સ્થાને હવે રણવીર સિંહની એકમાત્ર મૂવી 'સર્કસ' રજૂ થશે. જ્યારે કેટરીના કૈફની 'મેરી ક્રિસમસ' અને ટાઇગર શ્રોફની 'ગણપત'ની રજૂઆતની નવી તારીખ હજી નક્કી કરવામાં નથી આવી. 

આગામી વર્ષે વેલેન્ટાઈન ડેના રીલિઝ થનારી રણવીર સિંહ અને આલિયા ભટ્ટની 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રજૂઆત વિલંબમાં નાખી દેવામાં આવી છે.

અલબત્ત, પ્રત્યેક ફિલ્મ સર્જક પોતાની ફિલ્મ પોસ્ટપોન કરવા માટે જુદાં જુદાં કારણો આપી રહ્યાં છે. છતાં અચાનક આટલી બધી મૂવીઝની રીલિઝ પાછળ ઠેલવામાં આવતાં સહેજે એમ માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ સર્જકોને નિષ્ફળતાનો ડર સતાવી રહ્યો છે. વાસ્તવમાં કોરોનાની ત્રીજી લહેર પછી આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં સિનેમાગૃહો ફરીથી ખોલવામાં આવ્યાં ત્યારે પોતાની ફિલ્મોની રજૂઆત માટે ઘણાં સમયથી રાહ જોઈ રહેલા નિર્માતાઓએ પોતાની મૂવીઝની તારીખો જાહેર કરવા માંડી. પરંતુ કમનસીબે તેમના સઘળા ઉત્સાહ પર પાણી ફરી વળ્યું. આ વર્ષે રજૂ થયેલી ફિલ્મોમાંથી માત્ર 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'ધ કશ્મીર ફાઈલ્સ', 'ભૂલભૂલૈયા-૨' અને 'બ્રહ્માસ્ત્ર'ને જ બોક્સ ઓફિસ પર સફળતા મળી. 'બચ્ચન પાંડે', 'હીરોપંતી-૨', 'રનવે ૩૪', 'સમ્રાટ પૃથ્વીરાજ', 'રક્ષાબંધન', 'શમશેરા', 'લાલ સિંહ ચઢ્ઢા', 'થેંક ગૉડ', 'રામ સેતૂ' જેવી ફિલ્મોમાં ટોચના કલાકારો હોવા છતાં દર્શકોએ થિયેટરો સુધી જવાની દસ્દી ન લીધી.

અહીં એવો પ્રશ્ન થવો સહજ છે કે આટલા બધા નિર્માતાઓએ પોતાની ફિલ્મોની રજૂઆત પાછળ શા માટે ઠેલી હશે? જો દર્શકોએ ચાર ફિલ્મોને સારો પ્રતિસાદ આપ્યો તો અન્ય મૂવીઝને કેમ નહીં? આના જવાબમાં વિશ્લેષકો કહે છે કે એ સમય વિતી ગયો જ્યારે ફિલ્મ સર્જકો જે દેખાડે તે દર્શકો ડાહ્યાડમરાં થઈને જોઈ લે. કોરોના કાળમાં દુનિયાભરની ફિલ્મો અને સીરિઝો ઘરબેઠાં જોયા પછી તેમના સિનેમા પ્રત્યેના રસરુચિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેઓ પોતાની બદલાયેલી પસંદ મુજબની મૂવીઝ જોવા માગે છે. ફિલ્મ સર્જકોને આ વાત સારી રીતે સમજાઈ ગઈ હોવાથી તેઓ પોતાની મૂવીઝને પોસ્ટપોન કરીને તેમાં જરૂરી ફેરફાર કરી રહ્યાં છે, તેમને અત્યાર સુધી રજૂ થયેલી અને નિષ્ફળ ગયેલી ફિલ્મો વિશે દર્શકોનો જે પ્રતિભાવ જોવા મળ્યો છે તેના પરથી ફિલ્મ સર્જકોએ તેમની નાડ પારખી લીધી છે. તેઓ દર્શકોની પસંદ-નાપસંદ ધ્યાનમાં લઈને પોતાની ફિલ્મોમાં બદલાવ કરી રહ્યાં છે. વાસ્તવમાં આમાંની લગભગ બધી મૂવીઝ પાછળ મબલખ રોકાણ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં તેમને નિષ્ફળતાનું મોઢું જોવાનું કેમેય ન પોસાય. વળી ફિલ્મ સર્જકો એમ પણ માને છે કે હમણાં દર્શકો સિનેમાઘરોમાં આવવાના મૂડમાં નથી. બહેતર છે કે તેમનો મૂડ બદલાય ત્યાં સુધી રાહ જોવામાં આવે.

City News

Sports

RECENT NEWS