શ્રીયા પિલગાંવકર જટિલ પાત્રો ભજવવાની મોજ
- 'હું આ તબક્કાને વિકાસનું નામ આપીશ. સિનેમાઘરોમાં ફિલ્મો નથી ચાલતી, કારણ કે લોકોને મૌલિક કથાવસ્તુમાં રસ પડે છે. તેઓ રીમેક્સ જોઈ જોઈને ત્રાસી ગયા છે. અને જ્યારે ઘીસીપીટી ફિલ્મો ફ્લોપ જશે ત્યારે જ સર્જકો નવાં કથાનકો લઈને આવશે'
ઓટીટીએ મારી કારકિર્દીને બળ આપ્યું છે, ઓટીટી પર અભિનય કરવાની બહોળી તકો રહેલી છે, તમને ફિલ્મોમાં જે વિષયવસ્તુ જોવા ન મળે તે ઓટીટી પર મળી જાય.., ઓટીટી વિશે તમને આવી ઘણી વાતો યુવાનથી લઈને પ્રૌઢ કલાકારોના મોઢે સાંભળવા મળે. અભિનેત્રી શ્રીયા પિલગાંવકર પણ તેમાંની એક છે. તે કહે છે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મે જ મારી કારકિર્દી સંવારી છે.
અદાકારા કહે છે કે મને જટિલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોય એવા વાસ્તવિક પાત્રો ભજવવાનું વધુ ગમે છે. દર્શકો પણ આવા કથાનકો સાથે ઝડપથી સંકળાઈ જાય છે. શ્રીયાને નોખા તરી આવતાં પાત્રો ભજવવાનું પ્રિય છે. તે કહે છે કે મને પ્રણયના ફાગ ખેલતાં કિરદારો કરતાં જટિલ રોલ કરવાનું વધુ ગમે છે. મઝાની વાત એ છે કે મને આવી ભૂમિકાઓ જ ઑફર થાય છે. 'તાઝા ખબર', 'ગિલ્ટી માઇન્ડ્સ', 'છલ કપટ- ધ ડિસેપ્શન' જેવી વેબ સીરિઝો કરનાર શ્રીયા કહે છે કે આ પ્લેટફોર્મને પગલે જ મારી કારકિર્દી ઘડાઈ છે. તે વધુમાં કહે છે કે સ્ટ્રીમર્સ મહિલાઓ માટે શ્રેષ્ઠ પાત્રો રચે છે. વળી ઓટીટીની પહોંચ પણ વિશાળ છે. આ મંચે સ્ટારની પરિભાષા બદલી નાખી છે. અહીં શ્રેષ્ઠ કામ આપનારા જ સ્ટાર ગણાય છે. અને તેમનો સંપર્ક કરવો જરાય અઘરો નથી હોતો.
શ્રીયાએ એ વાતની નોંધ લીધી છે કે છેલ્લા કેટલાક સમયથી મનોરંજન જગત મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ખાસ કરીને બૉક્સ ઓફિસ પર સફળતા મેળવવી અત્યંત અઘરી થઈ પડી છે. દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા એ લોઢાના ચણ ચાવવા જેવું કપરું બન્યું છે. જોકે શ્રીયા કહે છે કે હું આ તબક્કાને વિકાસનું નામ આપીશ. સિનેમાઘરોમાં ફિલ્મો નથી ચાલતી, કારણ કે લોકોને મૌલિક કથાવસ્તુમાં રસ પડે છે. તેઓ રીમેક્સ જોઈ જોઈને ત્રાસી ગયા છે. અને જ્યારે ઘીસીપીટી ફિલ્મો ફ્લોપ જશે ત્યારે જ સર્જકો નવા કથાનકો લઈને આવશે.
શ્રીયા માને છે કે મૌલિક કહાણી અને સર્જનાત્મકતા હાથમાં હાથ પરોવીને ચાલે છે. તે ક્યારેય એળે નથી જતી. હમણાં મનોરંજન જગત ટ્રાયલ એન્ડ એરરમાંથી પસાર થઈ રહ્યો છે. મારી પણ બે-ત્રણ ફિલ્મોનું શૂટિંગ શરૂ થવાનું હતું. પરંતુ હાલ તે ટાળી દેવામાં આવ્યું છે. અને તે ક્યારે ચાલુ થશે તેના વિશે હું તદ્દન અજાણ છું. આમ છતાં મને લાગે છે કે આ તબક્કો પણ પસાર થઈ જશે. સમય ક્યારેય એકસમાન નથી હોતો. હા, જરૂર છે ઓરિજિનલ કન્ટેન્ટ રજૂ કરવાની.
જોકે અદાકારા માને છે કે શ્રેષ્ઠ વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો લોકો સુધી નથી પહોંચતી તેનું મુખ્ય કારણ અપૂરતું માર્કેટિંગ છે. અભિનેત્રી કહે છે કે મારા મતે સારા કન્ટેન્ટનો પ્રચાર-પ્રસાર મીડિયા અને દર્શકોને પણ કરવો જોઈએ. તેવી જ રીતે સોશ્યલ મીડિયા પર પણ જો સારી ફિલ્મ વિશે લખવામાં આવે તો તે દર્શકોના બહોળા વર્ગ સુધી અસરકારક રીતે પહોંચી શકે.