પંચાયત નંબર ચાર વહી માહૌલ, વહી રફ્તાર .
- OTT ઓનલાઈન- સંજય વિ. શાહ
- પાત્રો, વાતાવરણ, સમસ્યાઓ અને સમાધાનોની વાત કરીએ તો આ સિરીઝને એની પ્રસ્થાપિત યુક્તિઓ સાથે આગળ વધવાની ફાવટ આવી ગઈ છે. નાવીન્ય હોય કે ના હોય, મૂળ મિજાજને વફાદારી હોય ત્યાં સુધી આ સિરીઝ ઘણાને ગમતી રહે એવી શક્યતા છે
ઓકોવિડકાળમાં જ્યારે 'પંચાયત' વેબ સિરીઝ આવી હતી ત્યારે માહોલ અલગ હતો. સિરીઝનો મિજાજ, એનું કોન્ટેન્ટ પણ સાવ અલગ હતા. દેશ ઘરમાં બંધ હતો. લોકો ભયના ઓથારમાં હતા. મનોરંજન માટે ચાર દીવાલો વચ્ચે રહીને ટેલિવિઝન સામે બેસવા સિવાય વિકલ્પ નહોતા. 'પંચાયત' એ સ્થિતિમાં જે વાત લાવી એ હૃદયસ્પર્શી રહી. જીતેન્દ્રકુમાર જેવા સાવ નવા ચહેરાએ શહેરી યુવાનને ફુલેરા ગામ જઈને (ટેમ્પરરી) થાળે પડવાને છટપટિયાં કર્યાં એ મીઠડાં હતાં. એમાં પ્રધાનજી બ્રિજ ભૂષણ (રઘુવીર યાદવ) એમનાં પત્ની મંજુદેવી (નીના ગુપ્તા) સહિત, પ્રહ્લાદ (ફૈસલ મલિક), વિકાસ (ચંદન રોય) જેવાં પાત્રો ઉમેર્યે સિરીઝ ફેન્ટાસ્ટિક બની.
એ પ્રારંભિક સફળતાએ નવાં સીમાચિહ્નો સ્થાપ્યાં. 'પંચાયત' ઓટીટીની એક સૌથી લાડકી સિરીઝ બની રહી. પાંચ વરસના એના પ્રવાસમાં એ પછી ચાર સીઝન થઈ છે. ચોથી ગયા મહિને આવી. પહેલી ત્રણ સીઝન સિરીઝના મૂળ હેતુ આસપાસ, મૂળ ટેમ્પરામેન્ટની આસપાસ જ ફરતી રહી. ભલે એમાં ધીમેધીમે ભપકો, શહેરીપણું અને સિરીઝના મૂળ રંગથી વિપરીત એવા થોડા રંગ પણ ઉમેરાયા. ચોથી સીઝનની વાત કરીએ તો, એમાં આ ધીમા પરિવર્તને ગતિ પકડી છે. આઠ એપિસોડની લેટેસ્ટ સીઝન આપણી સમક્ષ શું લાવી છે એ જાણીએ.
ચોથી સીઝનમાં કેન્દ્રવર્તી મુદ્દો બની રહે છે મંજુદેવી અને એમની પ્રતિસ્પર્ધી ક્રાંતિદેવી (સુનિતા રાજબર) અને તેમનાં પતિ ભૂષણ ઉર્ફે બનરાકસ (વનરાક્ષસ, દુર્ગેશકુમાર) વચ્ચેનું ઘર્ષણ. ત્રીજી સીઝનના ક્લાઇમેક્સમાં પ્રધાનજી પર થયેલા ગોળીબાર પછી સવાલ છે કે કોણે એમનો જીવ લેવા પ્રયાસ કર્યો. શંકાની સોય, સચિવ અભિષેક ત્રિપાઠી એન્ડ પાર્ટીની સમજણ અનુસાર, ભૂષણ વગેરે પર તકાઈ છે. સાથે સીઝનમાં છાંટણાં છે અભિષેકની કોમન એપ્ટિટયુડ ટેસ્ટ (કટ)ની પરીક્ષાનાં પરિણામોનાં, વિધાનસભ્ય ચંદ્રકિશાર સિંઘ (પંકજ ઝા)ના કાવાદાવાના તથા અન્ય બાબતોના. અભિષેક અને રિન્કી (સાન્વિકા) વચ્ચેનો પ્રણયફાગ પણ ખરો પણ એને આ સીઝનમાં ખાસ મહત્ત્વ નથી.
'પંચાયત' હવે એ મોડ પર છે જ્યાં કથાનકની મૌલિકતા, પાત્રોની સરળતા અને બેકડ્રોપની સુંદરતા સિરીઝને ચુંબકીય બનાવી રાખવા માટે પર્યાપ્ત નથી. હવે આ સિરીઝની નવી સીઝન (ચોથી અને આગળ આવવાની હોય તો એ પણ) ત્યારે જ લોકભોગ્ય થશે જ્યારે એમાં પહેલી સીઝન જેવી ચમત્કૃતિ હશે. બેશક, જૂની તાકાત પર સિરીઝ દર્શકોને આકર્ષી શકે છે પણ વફાદાર રાખી શકે એ જરા અઘરું છે. ચોથી સીઝનનો ક્લાઇમેક્સ જરા મજેદાર ખરો, કારણ ગામની ચૂંટણીનું પરિણામ અલગ આવે છે. એના લીધે, 'હવે શું થશે?' એ મુદ્દો દર્શકને આવતી સીઝન જોવાને પ્રેરી શકે છે. અભિનય સહિતનાં પાસાંની વાત કરવી કદાચ બહુ અગત્યની નથી હવે. સિરીઝના પ્રમુખ કલાકારો એમની જવાબદારીથી સુપરિચિત છે. પોતપોતાના પાત્ર સાથે સહુનો સુમેળ થઈ ગયો છે. હવે આ સિરીઝને જો દમદાર બનાવવાની જવાબદારી સૌથી વધુ કોઈના શિરે આવી પડે છે તો એ લેખકો અને દિગ્દર્શક છે. મૂળ કથા ચંદન કુમારની છે જેને આ સીઝનમાં એમની સાથે દીપકકુમાર મિશ્રાએ આગળ વધારી છે. પહેલી ત્રણ સીઝન મિશ્રાએ ડિરેક્ટ કરી હતી. આ વખતે એમને અક્ષત વિજયવર્ગીયનો સાથ મળ્યો છે.
મોટી ચમત્કૃતિ વિના, પ્રસ્થાપિત ફોર્મ્યુલા અને પાત્રોનો સાથ લઈને પંચાયત આગળ વધી છે ત્યારે દર્શકે એને જોતી વખતે અમુક બાબતો યાદ રાખવાની છે. પહેલી એ કે આ સિરીઝ એની સહજતા અને મનમાં વસેલા માહોલ માટે જોવાય. એમાં કોઈ મોટો જાદુ થવાની અપેક્ષા રાખવાથી નિરાશા હાથ લાગી શકે છે. આપણે ઘણી સિરિયલ્સ વગેરે પણ એટલે જોતા હોઈએ છીએ કે આપણને એ જોવાની લગભગ ના બદલી શકાય એવી આદત પડી હોય છે. ભલે સિરિયલમાં કશી ભલાવીર ના રહી હોય પણ જોવાની એટલે જોવાની. ત્રણ સીઝન પછી શક્ય છે કે 'પંચાયત' સિરીઝે પણ એના વફાદાર દર્શકોનો એક મોટો વર્ગ ઊભો કર્યો છે. એ દર્શકો સિરીઝ જોશે ત્યારે અપેક્ષા ગમે તેટલી હોય પણ સિરીઝ પ્રત્યેની વફાદારી પૂરેપૂરી હશે. એટલે, એમને સિરીઝ માણવા જેવી લાગશે. ઉપરાંત, ઓટીટી પર જેને સંપૂર્ણ પારિવારિક અને હપી ગો લકી કહી શકાય એવા મનોરંજક વિકલ્પો ઓછા છે. એમાં આ સિરીઝ નિ:શકપણે એક સારો વિકલ્પ છે. એના સહિત 'ગુલ્લક' કે આવી થોડી સિરીઝ ભારતીય દર્શકો માટે એકદમ આદર્શ ઓપ્શન્સ છે સમય પસાર કરવા માટેના. એટલે કંઈક મારધાડભર્યું કે ઉત્તેજિત કરનારું કે સેક્સપ્રચુર જોવા કરતાં જો પારિવારિક સિરીઝ વધુ માફક આવતી હોય તો 'પંચાયત'ની આ સીઝન પણ જોવાય.
કારણ 'પંચાયત' એવાં પાત્રોની વાત છે જે સહજ છે. એમની સમસ્યાઓ મોટી નથી પણ દેશી ટચ સાથે એ આપણને પૂરતા ઇન્વોલ્વ કરનારી છે. અન્ય સિરીઝની જેમ જબ્બર વળાંકો વગેરે અહીં નથી એ પણ એક સારી વાત. બસ, નાના મુદ્દા અને એના નિવારણ માટે થતી નિર્દોષ, માનવીય અથવા કહો કે મજેદાર મહેનત સિરીઝને જોવાલાયક બનાવે છે.