કેતકી દવે : અભદ્ર ભાષાવાવાળો વેબ શો નથી કરવો


- જીવનમાં રમૂજ બહુ જરૂરી છે. તમે રડતાં રડતાં જીવો કે હસતાં હસતાં, જીવન જીવવાનું તો છે જ. તો પછી હસતાં હસતાં કેમ ન જીવવું? 

ગુજરાતી પ્રજા કેતકી દવેના નામ-કામથી અજાણ હોય એ શક્ય નથી. વર્ષોથી રંગમંચને ગજાવતી આ અદાકારાએ ફિલ્મો અને ટચૂકડા પડદે પણ પોતાના અભિનયના ઓજસ પાથર્યાં છે. હાલના તબક્કે કેતકી દવે ટી.વી.સિરિયલ 'પુષ્પા ઇમ્પોસિબલ'માં જોવા મળી રહી છે.

અભિનેત્રી કહે છે કે આ શોમાં હું ગુજરાતી મહિલાની ભૂમિકા અદા કરી રહી છું.તે પોતાના પુત્રથી અલગ રહે છે. પણ પૌત્રીના લગ્નમાં હોંશે હોંશે ભાગ લે છે. તે પોતાની પૌત્રી માટે કાંઇપણ કરી છૂટવા તૈયાર છે. આમ છતાં પુરાણા રીત-રિવાજોને પણ દ્રઢતાથી વળગી રહે છે. 

હંમેશાંથી અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવાથી કેતકીને પાત્રો સમજતાં ઝાઝી વાર નથી લાગતી. આમ છતાં તે કહે છે કે રોલ કોઇપણ હોય,સૌથી પહેલા તેને સમજવો પડે. જે તે પાત્રના દેખાવથી લઇને કહાણી અનુસાર તેને શી રીતે રજૂ કરવું તે ન સમજાય તો કલાકાર તેને યોગ્ય રીતે અદા ન કરી શકે.હા,કોઇપણ કિરદાર થોડા સમય સુધી ભજવો એટલે તેના વિશેની સમજ કેળવાતી જાય.કલાકાર તેમાં પોતાની રીતે આગળ વધતો જાય ત્યારે તેનું કામ આસાન થઇ જાય.

કેતકી સિરિયલો વિશે કહે છે કે એક તબક્કો એવો હતો જ્યારે લેખકો કિરદાર વિશે જે લખે તે જ ભજવાતું.અને લોકોને તે પસંદ પણ આવતું. અલબત્ત, લેખકો દર્શકોની પસંદ-નાપસંદ નજર સમક્ષ રાખીંને  કહાણી અને તેના પાત્રો લખતાં.આજે  પણ આમ જ કરવામાં આવે છે. ફરક માત્ર એટલો કે હવે ટીઆરપીનું મહત્વ વધી ગયું છે.સાથે સાથે કહાણી રજૂ કરવાની રીત આધુનિક બની છે. હવે ઇન્ડસ્ટ્રીમાં બધું ધમાકેદાર થાય છે.અને દર્શકોને પણ તે ગમે છે. 

અદાકારા ઓટીટીની વધતી જતી લોકપ્રિયતાથી અજાણ નથી. તેને પણ ડિજિટલ ક્ષેત્રે કામ કરવું છે. તે કહે છે કે વેબ સીરિઝોની બોલબાલા વધવા સાથે કલાકારોને પુષ્કળ કામ મળી રહ્યું છે. જે વિષયો ટચૂકડા  કે ૭૦ એમ.એમ.ના પડદે રજૂ નથી કરી શકાતા એ બધા વિષયો ઓટીટી પર આવી શકે છે.પરિણામે ઘણી વેબ સીરિઝોમાં પુષ્કળ ગાળાગાળી પણ રજૂ થઇ રહી છે. ઘણાં લોકો આ પ્રકારનું મનોરંજન પસંદ નથી કરતાં.આવી સીરિઝોની ટીકા પણ થાય છે. પરંતુ મારું માનવુું છે કે મનોરંજનનો રિમોટ કંટ્રોલ તો આપણા હાથમાં છે. તમને જે ન ગમે તે ન જૂઓ. જેને તે ગમશે તે જોશે.હા, મારી વાત કરું તો હું આ પ્રકારના પાત્રો ભજવવા તૈયાર ન થાઉં. હું કોઇપણ પાત્ર પસંદ કરતી વખતે સૌથી પહેલા એમ વિચારું છું કે દર્શકોને તે ગમશે કે કેમ.

કેતકી માને છે કે જીવનમાં રમૂજ બહુ જરૂરી છે. તે કહે છે કે તમે રડતાં રડતાં જીવો કે હસતાં હસતાં, જીવન જીવવાનું તો છે જ. તો પછી હસતાં હસતાં કેમ ન જીવવું?હસતા રહેવાથી જિંદગી આસાન બની જાય છે. બાકી બધાના જીવનમાં ચડાવઉતાર તો આવવાના જ. તમે તેને શી રીતે  લો છો તેનો આધાર તમારા પર છે.

હવે બોલીવૂડની ફિલ્મોના બૉયકોટનો ટ્રેન્ડ સામાન્ય બની ગયો છે. મોટાભાગની બધી ફિલ્મો બાબતે કોઇને કોઇ બહાનું કાઢીને તેનો બહિષ્કાર કરવામાં આવે છે.કેતકી તેના વિશે કહે છે કે મને આ ટ્રેન્ડ સમજાતો જ નથી.દરેક ફિલ્મ સેન્સર બોર્ડની લીલી ઝંડી મળ્યા પછી રજૂ  થતી હોય છે.ત્યાર પછી તેનો બહિષ્કાર  કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે?જોકે બહિષ્કાર કરવા છતાં ફિલ્મો રજૂ  પણ થાય છે અને ચાલે પણ છે.તેથી હું આવી વાતોનો વિચાર જ નથી કરતી.

City News

Sports

RECENT NEWS