માલિક કી મહેફિલ મેં હુમા કુરેશી કા જલવા
- હુમા કુરેશીએ 'માલિક' ફિલ્મના દિલ થામ કે આઇટમ સોંગ માટે કશું ચાર્જ નથી કર્યું. એ કહે છે, 'દોસ્તોં સે કૈસે પૈસે લે સકતે હૈ? ફક્ત બે જ દિવસ શૂટ કરવાનું હતું'
આજકાલ નાની ભૂમિકાઓનો મોટો પ્રચાર થાય છે. મહેમાન કળાકારો હવે કેમિયો કરતાં થઇ ગયા છે અને તેના ઢગલો રૂપિયા ચાર્જ પણ કરવામાં આવે છે. એક જમાનાના આઇટમ સોંગને હવે વુમન એમ્પાવરમેન્ટ તરીકે ઓળખાવવામાં આવે છે. આ માહોલમાં હુમા કુરેશી જેવી પ્રતિભાશાળી અભિનેત્રીએ રાજકુમાર રાવની ફિલ્મ 'માલિક'માં ઔર એક આઇટમ સોંગ કર્યું છે. અગાઉ હુમા કુરેશીએ સંજય લીલા ભણશાળીની ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં પણ શિકાયત નામનું આઇટમ સોંગ કર્યું હતું. આમ તો હુમા એક સજ્જ અભિનેત્રી છે, જે 'મહારાની' અને 'તરલા' જેવા પ્રોજેક્ટસમાં સાવ અલગ પ્રકારની ભૂમિકાઓ કરી ચૂકી છે. હુમાને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે આઇટમ સોંગ કરવાથી તારી ઇમેજ બગડશે એમ તને નથી લાગતું? ત્યારે હુમાએ જણાવ્યું હતું કે પહેલાં તો હું મારી કોઇ વિશિષ્ટ ઇમેજ બને એમ ઇચ્છતી નથી. મહારાણી અને દિલ્હી ક્રાઇમ જેવા વખણાયેલાં શોમાં સારી ભૂમિકાઓ ભજવવા મળી તેનો અર્થ એવો નથી થતો કે હું આઇટમ સોંગ ન જ કરી શકું. હું કોઇ ઇમેજમાં પૂરાઇ જવામાં માનતી નથી. કોઇ મને ન કહી શકે કે મારે આમ કરવું જોઇએ અને આમ ન કરવું જોઇએ.
હુમા પાસે આઇટમ સોંગ બાબતે ખાસ સમજ છે. તે કહે છે, અગાઉ આ પ્રકારના આઇટમ સોંગમાં પુરૂષોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતાં હતાં. પણ હવે આઇટમ સોંગમાં નારીને દર્શાવવાનો નજરિયો બદલાયો છે. હવે આઇટમ સોંગને નારીની કામુકતાનું સેલિબ્રેશન તરીકે નિહાળવામાં આવે છે. આ એક મહત્વનું પરિવર્તન છે.
ખેર, દરેક આઇટમ ગર્લ આમ જ માનતી હોય તો એમાં નવાઈ પામવા જેવું નથી.
હુમા કહે છે કે જ્યારે નિર્માતા જય સેવકરામાણીએ મારી સામે આ ગીત પહેલી વાર વગાડયું હતું ત્યારે જ હું તેના પ્રેમમાં પડી ગઇ. વળી આ પ્રોજેક્ટમાં મિત્રો સાથે મળીને કામ કરી રહ્યા હોઇ મારે આ ગીત માટે હા પાડવી જ પડી. તેમાં પણ જ્યારે પૈસાની વાત નીકળી ત્યારે હુમાએ જણાવ્યું કે દોસ્તો સે કૈસે પૈસે લે સકતે હૈ? બે દિવસનું જ તો શૂટિંગ હતું એટલે મને લાગ્યું કે આમાં પૈસા લેવાની જરૂર છે જ નહીં. જો કે, એક દિવસ આ ગીતના ફિલ્માંકનમાં સોળ કલાકનું શેડયુઅલ થઇ ગયું હતું. એ મારા સ્વભાવમાં નથી કે હું મારી શિફ્ટ પુરી થઇ ગઇ કહી રવાના થઇ જાઉં. હા, એ દિવસે સોળ કલાક શૂટિંગ કરવાનું કોઇ પૂર્વ આયોજન નહોતું. ઘણીવાર સેટ પર આ પ્રકારના અપસેટ થતાં હોય છે.
હુમાનું આ ગીત સચિન-જિગરે કમ્પોઝ કર્યું છે, જ્યારે કોરિયાગ્રાફી વિજય ગાંગુલીની છે.