નાના બજેટની ફિલ્મો માટે હવે ઓટીટીમાં પણ કપરાં ચઢાણ


- ઓટીટી નાના બજેટની ફિલ્મો માટે આખરી વિકલ્પ છે તેવી ભ્રમણામાંથી બહાર આવી જવું જોઈએ. ઓટીટીએ ક્યારેય એવું નથી કહ્યું કે અમે સ્વતંત્ર ફિલ્મોના તારણહાર છીએ. 

છેલ્લા કેટલાક સમયથી એવી માન્યતા પ્રચલિત હતી કે ઓટીટી પર કન્ટેન્ટ જ મહત્વનું છે. રોગચાળા દરમ્યાન જોવા મળેલી ઓટીટી તેજીએ આ માન્યતાને વધુ મજબૂત બનાવી કારણ કે વેબ સ્પેસમાં તાજી અને અનોખી સામગ્રીનો ભરાવો થયો. જો કે હવે થિયેટરો ફરી કાર્યરત થયા પછી આ સ્થિતિ હજી પણ યથાવત છે કે કેમ તે જાણવું રસપ્રદ થઈ પડશે. શું સારો કન્ટેન્ટ ધરાવતી નાના બજેટની ફિલ્મો માટે ઓટીટીનો રાહ સરળ છે? આ સવાલ હજી ફિલ્મ સર્જકોને મૂંઝવી રહ્યો છે.

તાજેતરમાં મનોજ બાજપેયીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કોઈપણ મંચ પર ફિલ્મ રજૂ કરવી એક સંઘર્ષ છે. મને અલીગઢ (૨૦૧૫) અને ભોંસલે (૨૦૧૮) જેવી ફિલ્મો સિનેમા થિયેટરો સુધી લઈ જવામાં જે તકલીફ પડી તે ભૂલી શકાય તેવી નથી.

ભોંસલેના દિગ્દર્શક દેવાશીષ મખિજાએ પણ આવો જ સૂર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે અગાઉ અમે આ ફિલ્મ થિયેટરમાં રજૂ કરવા ઈચ્છતા હતા, પણ કોવિડને કારણે આ પ્રસ્તાવ પડતો મુકાયો અને અમે ઓટીટી તરફ વળ્યા. મખિજાના મતે ઓટીટી નાના બજેટની ફિલ્મો માટે આખરી વિકલ્પ છે તેવી ભ્રમણામાંથી આપણે બહાર આવવું જોઈએ. અમારા જેવા ફિલ્મસર્જકો ઓટીટીને વધુ પડતું મહત્વ આપી રહ્યા છે. ઓટીટીએ ક્યારે પણ એવું નથી કહ્યું કે અમે સ્વતંત્ર ફિલ્મોના તારણહાર છીએ. અમને ભોેંસલે નવા ઓટીટી મંચ પર રજૂ કરવા મળી જ્યારે સ્થાપિત મંચો હજી પણ નાની બજેટની ફિલ્મોથી દૂર જ રહે છે. તેમનો મત એવો છે કે અમે પૈસા કમાવવા બેઠા છીએ. અમારે પણ અમારા માલિકને જવાબ આપવાનો છે.

જહાં ચાર યારના નિર્માતા વિનોદ બચ્ચને પણ આવો જ મત વ્યક્ત કર્યો હતો. પોતાની ફિલ્મ માટે તેમને હજી પણ ઓટીટી મંચ નથી મળ્યો. તેમના મતે માત્ર કન્ટેન્ટ હોવો એટલી લાયકાત પૂરતી નથી. અનેક ઓટીટી મંચોએ સીન્ડીકેટ બનાવી છે. તેઓ કન્ટેન્ટની પરવા નથી કરતા, પણ તેઓ સ્ટાર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જો કે એવા પણ સર્જકો છે જેમને ઓટીટી મંચનો સારો અનુભવ થયો છે. ઈશા સિંહ અને પ્રીત કામાણી અભિનિત મિડલ ક્લાસ લવના દિગ્દર્શક રત્ના સિંહા જણાવે છે કે ફિલ્મના નિર્માણમાં ઓટીટી માલિક પણ સામેલ હોય તે વધુ હિતાવહ છે. નવા ચહેરા લઈને ફિલ્મ બનાવવી ખરેખર એક વિકટ કાર્ય છે. ઘણાને અમારી સફળતા વિશે શંકા હતી. પણ અમારા નિર્માતા ઓટીટી મંચના માલિક હોવાને કારણે અમને થિયેટર અને ઓટીટી બંને રજૂઆત મળી.

અર્ધ ફિલ્મના દિગ્દર્શક પલાશ મુછાળે જણાવ્યું કે અમે કોઈ ઓટીટી મંચને સામેથી મળ્યા નથી. અમે ફિલ્મનું નિર્માણ કર્યું અને પછી વેબ ટીમોને મળ્યા. અમે ફિલ્મન હક્ક વહેલા તે પહેલા ધોરણે વેંચી નાખ્યા. આમ છતાં અમને સારો નફો મળ્યો.

હવે તો ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવી સફળતા મેળવે છે તેના આધારે ઓટીટી મંચ મળે છે. ફિલ્મ વેચાણ સાથે સંકળાયેલા એજન્ટો અનુસાર બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયેલી ફિલ્મો ઓટીટી મંચ ખરીદતા નથી. કોવિડ દરમ્યાન ઓટીટી માટે મજબૂરી હતી કારણ કે તેમની પાસે માંગ ઘણી હતી. હવે તેમને અહેસાસ થયો છે કે જે ફિલ્મ માટે તેમણે રૂા. ૨૦ કરોડ ચુકવી દીધા હતા તે ફિલ્મો રૂા. ૧૦ કરોડને પણ લાયક નહોતી. આથી હવે નાની બજેટની ફિલ્મો માટે ઓટીટીની સફર પણ તકલીફદાયક જ રહેવાની. 

તારા વિ. બિલાલ પણ એવી એક ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગયા પછી તેની ઓટીટી ડીલ પડી ભાંગી.

તાજેતરમાં થિયેટરમાં રજૂ થયેલી ફિલ્મ સિયાના એક્ટર વિનીત કુમાર સિંહના મતે આ ઉદ્યોગમાં પરિવર્તન ઝડપથી થઈ રહ્યું છે. હવે ઓટીટી માલિકો કહી રહ્યા છે કે ફિલ્મ પ્રથમ થિયેટરમાં રજૂ કરો, અમે બોક્સ ઓફિસનું પરિણામ જોયા પછી તેના વિશે વિચાર કરીશું.      

City News

Sports

RECENT NEWS