For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બે દાયકા પહેલા એશિયા વિસ્તારે જોયેલી દેવાની કટોકટીની સ્થિતિ ફરી ઊભરી રહી હોવાની ચેતવણી

- દેવાની ચૂકવણીમાં ડીફોલ્ટસ, લિક્વિડિટી ખેંચ જેવા પરિબળો જોખમ ઊભા કરી રહ્યા છે

Updated: Aug 20th, 2019

નવી દિલ્હી, તા. 20 ઓગસ્ટ 2019,મંગળવાર

બે દાયકા પહેલા એશિયા વિસ્તારે જોયેલી દેવાની કટોકટીની સ્થિતિ ફરી નજરે પડી રહી હોવાની કન્સલટન્સી પેઢી મેકેન્ઝીએ ચેતવણી ઉચ્ચારી છે. વધી રહેલા દેવાબોજ, લોન્સની ચૂકવણીમાં તાણ, ધિરાણદારોની નબળાઈ તથા નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓની કથળેલી હાલતે એશિયા વિસ્તાર માટે ચિંતા ઊભી કરી છે, એમ મેકેનઝીના ઓગસ્ટના રિપોર્ટમાં જણાવાયું છે.

ઊભા થઈ રહેલા દબાણ નવી કટોકટી સર્જે છે કે કેમ તે જોવાનું રહે છે, પરંતુ સરકારો તથા વેપારગૃહોએ શકય કારણો પર નિરીક્ષણ કરતા રહેવાની આવશ્યકતા છે, એમ રિપોર્ટમાં ઉલ્લેખવામાં આવ્યું છે. 

મંદ પડી રહેલા વૈશ્વિક અર્થતંત્રએ એશિયાની કંપનીઓની આવક પર દબાણ ઊભું કર્યું છે તથા અમેરિકા-ચીન વેપાર યુદ્ધે  ઋણ સાધનોના રોકાણકારોને વધુ જોખમ લેતા અટકાવ્યા છે. એશિયાની મોટાભાગની સરકારો વૈશ્વિક મંદીની ઘરઆંગણેની અસરને નાણાંકીય તથા રાજકોષિય નીતિવિષયક પગલાંઓ મારફત હળવી કરી નાખશે એવી પોતાને અપેક્ષા હોવાનું મૂડી'સે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું. એશિયા-પેસિફિકના ૧૧ દેશોની મળીને ૨૩૦૦૦ જેટલી કંપનીઓની બેલેન્સ શીટસનો મેકેનઝીએ અભ્યાસ કર્યો હતો અને મોટાભાગની કંપનીઓ તેમની લોન્સની ભરપાઈ કરવામાં મુશકેલી અનુભવી રહી હોવાનું જણાયું હતું.

ચીન તથા ભારત જેવા દેશોમાં આવા દબાણો ૨૦૦૭થી વધ્યા  છે અને આજ  સમયથી અમેરિકા તથા યુકેમાં દબાણો ઘટી રહ્યા છે, એમ મેકેન્ઝીએ જણાવ્યું હતું. ૧.૫૦ ગણાથી નીચેના ઈન્ટરેસ્ટ કવરેજ રેશિયો સાથેની કંપનીઓના લાંબા ગાળાના દેવાની માત્રાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ સ્તર સુધી કંપનીઓ તેમની આવકમાંથી નોંધપાત્ર હિસ્સો દેવાની ભરપાઈ કરવામાં વાપરે છે. 

૨૦૧૭માં ભારત, ચીન તથા ઈન્ડોનેશિયામાં  ૨૫ ટકાથી વધુનું લાંબા ગાળાનું દેવું એવી કંપનીઓ દ્વારા ધરાવાતું હતું જેનો આ રેશિયો ૧.૫૦ ગણાથી નીચો રહ્યો હતો. 

બે દાયકા પહેલા અશિયામાં સર્જાયેલી દેવાની કટોકટીમાં કોરિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા સહિત અનેક દેશો ભરડામાં આવી ગયા હતા. આ સ્થિતિનું પુનરાવર્તન અટકાવવા એશિયાના દેશોની સરકારોએ ૧૯૯૭થી સલામતિના પગલાં લાગુ કર્યા છે, જેથી કટોકટીનું પુનરાવર્તન ન થાય. 

જો કે દેવાની ચૂકવણીમાં ડીફોલ્ટસ, લિક્વિડિટીમાં અસમાનતા અને વિનિમય દરોમાં ભારે વધઘટ જેવા પરિબળો જે કટોકટી ઊભી કરી શકે એમ છે તેના પર દેખરેખ રાખવાની આવશ્યકતા હોવાની પણ મેકેનઝીએ સૂચન કર્યું છે. 


Gujarat