For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સોનામાં ઉંચેથી ધીમો ઘટાડો: ચાંદી આંચકા પચાવી ફરી ઉછળી: રૂપિયા સામે ડોલરમાં આગેકૂચ

- ક્રુડતેલ ૬૪ ડોલર નજીક પહોંચ્યા પછી ફરી નીચે ઉતર્યું

- કરન્સી બજારમાં ઈન્ટ્રા-ડે ડોલરના ભાવ રૂ.૬૯ વટાવી ગયા: બ્રિટીશ પાઉન્ડ ગબડયો: લિબીયામાં ક્રુડતેલનું ઉત્પાદન વધ્યાના નિર્દેશો

Updated: Jul 22nd, 2019

Article Content Imageમુંબઈ, તા. 22 જુલાઇ 2019, સોમવાર

મુંબઈ ઝવેરીબજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ ઉંચે નરમ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધી લાવ્યા હતા જ્યારે સોનાના ભાવ વધ્યા મથાળે અથડાતા રહ્યાના સમાચાર હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ વધી આવ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ઘટયા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશદીઠ ૧૪૩૦.૨૦ ડોલર ઉંચામાં તથા ૧૪૨૨.૪૦ ડોલર નીચામાં રહ્યા પછી સાંજે ભાવ ૧૪૨૫.૮૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

 મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૮.૮૧ વાળા રૂ.૬૮.૮૯ ખુલી  રૂ.૬૯.૦૬ થઈ છેલ્લે બંધ રૂ.૬૮.૯૨ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૧૧ પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૫ પૈસા ગબડી રૂ.૮૬ની અંદર ઉતરી રૂ.૮૫.૮૮થી ૮૫.૮૯ રહ્યા હતા. યુરોના ભાવ ત્રણ પૈસા ઘટી રૂ.૭૭.૨૯થી ૭૭.૩૦ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૪૯૫૦ વાળા રૂ.૩૪૯૬૫ ખુલી રૂ.૩૪૯૨૧ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૫૧૦૦ વાળા રૂ.૩૫૧૦૬ ખુલી રૂ.૩૫૦૬૧ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૪૦૩૦૦થી ૪૦૩૫૦ વાળા રૂ.૪૦૭૪૦ ખુલી રૂ.૪૦૭૯૫ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૪૦૮૦૦થી ૪૦૮૫૦ તથા જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવ ઔંશના ૧૬.૧૫થી ૧૬.૨૦ ડોલરવાળા ઉછળી ૧૬.૪૪ થઈ સાંજે ભાવ ૧૬.૩૬થી ૧૬.૩૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ સાંજે ૮૪૯.૬૦થી ૮૪૯.૭૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૫૦૭.૬૦થી ૧૫૦૭.૭૦ ડોલર રહ્યા હતા. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ આજે સાંજે ૦.૮૦થી ૦.૮૫ ટકા નીચા બોલાઈ રહ્યા હતા. દરમિયાન, અમેરિકાના ફેડરલ રિઝર્વની જુલાઈના અંતભાગમાં મળનારી મિટિંગમાં વ્યાજના દરમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન, ક્રુડતેલના ભાવ ઉંચા બોલાતા હતા. બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના ઉંચામાં ૬૩.૮૦થી ૬૩.૮૫ ડોલર થઈ સાંજે ૬૩.૨૭ ડોલર રહ્યા હતા.

જ્યારે ન્યુયોર્કના ભાવ ઉંચામાં ૫૬.૩૩ થઈ સાંજે ભાવ ૫૬.૨૪ ડોલર રહ્યા હતા. ઈરાન- અમેરિકા તથા ઈરાન- બ્રિટન વચ્ચે તંગદીલી વધતાં તથા પર્શિયન ગલ્ફમાં ટેન્કરો કબજે કરવાની ઘટનાઓ દરમિયાન તંગદીલી વધતાં વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવમાં તેજીની અસર વર્તાઈ રહી હતી.

દરમિયાન ઈરાનનું ક્રુડતેલ તાજેતરમાં ટૂંકા ગાળામાં ચીનના પોર્ટ વિસ્તારમાં મોટાપાયે સ્ટોરેજ ટેન્કોમાં બોન્ડેડ ટેન્કોમાં ઠલવાયાના સમાચાર હતા. આ તરફ જાપાન તથા સાઉથ કોરીયા વચ્ચે સંબંધો વણસતા જાપાનની વિવિધ ચીજોના વપરાશ પર સાઉથ કોરીયામાં નકારાત્મક અભિગમ અપનાવાનું થયાના વાવડ હતા.

દરમિયાન, લીબીયાથી મળતા સમાચાર મુજબ ત્યાં ક્રુડતેલનું ઉત્પાદન જે ઘટીને તાજેતરમાં પાંચ મહિનાના તળીયે જતું રહ્યું હતું તે હવે ફરી વધીને રાબેતા મુજબ થવા માંડયાના નિર્દેશો હતા. દરમિયાન, કોપરના ભાવ લંડન એક્સચેન્જમાં આજે ટનના ત્રણ મહિનાની ડિલીવરીના ૬૦૩૫ ડોલર રહ્યા હતા. 

ત્યાં કોપરનો સ્ટોક ૭૨૫ ટન ઘટયો હતો. ત્યાં અન્ય ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સનો સ્ટોક સાર્વત્રિક ઘટયાના સમાચાર હતા. દરમિયાન દિલ્હી ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ જીએસટી સાથે ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૫૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૩૫૯૫૦ રહ્યા હતા જ્યારે ત્યાં ચાંદીના ભાવ હાજરમાં કિલોના રૂ.૪૧૯૬૦ જીએસટી સાથે બોલાતા હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવ રૂ.૮૪થી ૮૫ હજાર બોલાઈ રહ્યા હતા.

Gujarat