For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોકાણકારોના પોઝિટિવ માનસ વચ્ચે સેન્સેકસે 60,000ની સપાટી કુદાવી

- સેન્સેકસ ૪૧૭ પોઈન્ટ વધી ૬૦૨૬૦ જ્યારે નિફટી ૧૧૯ પોઈન્ટસ વધી ૧૭૯૪૪

- બીએસઈ પર માર્કેટ બ્રેડથ મજબૂત રહીઃ ૨૦૧૭ શેરના ભાવ વધ્યા જ્યારે ૧૪૦૫માં ઘટાડો

Updated: Aug 17th, 2022

Article Content Image

મુંબઇ : ભારતીય શેરબજારોમાં  સુધારો જળવાઈ રહ્યો હતો.  બુધવારના  ઉછાળા સાથે સેન્સેકસે ફરી પાછી ૬૦,૦૦૦ની સપાટી પાર કરી હતી. પાંચમી એપ્રિલ બાદ બીએસઈ સેન્સેકસે ફરી વખત ૬૦,૦૦૦ની સપાટી કુદાવી છે. ફુગાવામાં સાધારણ નરમાઈ, જુન ત્રિમાસિકના કંપનીઓના સારા પરિણામો તથા ક્રુડ તેલના નરમ પડી રહેલા ભાવોને  પગલે રોકાણકારોનું માનસ ફરી પોઝિટિવ બની રહ્યાનું જણાય છે. છેલ્લા કેટલાક સત્રથી વિદેશી રોકાણકારોની પણ ભારતીય ઈક્વિટીઝમાં લેવાલી નીકળી છે. બીએસઈ સેન્સેકસ ૪૧૭.૯૨ પોઈન્ટ વધી ૬૦૨૬૦.૧૩ બંધ આવ્યો હતો. જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ ૧૧૯ પોઈન્ટસ વધી ૧૭૯૪૪.૨૫  બંધ  રહ્યો હતો. આઈટી, પીએસયુ તથા વીજ શેરોમાં  આકર્ષણ રહ્યું હતું. કોમોડિટી તથા ક્રુડ તેલના ભાવમાં ઘટાડાથી  રોકાણકારોનું માનસ ફરી સુધર્યું છે. રૃપિયામાં સુધારાએ બજારને ટેકો આપ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ મજબૂત રહી હતી. ૨૦૧૭ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૧૪૦૫ના ઘટયા હતા. ૧૩૪ શેર્સના ભાવ વધઘટ વગરના રહ્યા હતા.

બેન્ક શેરોમાં આકર્ષણ

બેન્કિંગ ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે, જેને પરિણામે આગળ જતા બેન્કોના નફામાં વધારો થવાની શકયતાએ પસંદગીના બેન્ક શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બેન્ક ઓફ બરોડા રૃપિયા ૫.૦૫ વધી રૃપિયા ૧૨૬.૬૦, એસબીઆઈ રૃપિયા ૨.૨૦ વધી રૃપિયા ૫૨૮.૧૫ બંધ રહ્યો હતો. પીએનબી ૦.૯૦ પૈસા વધી રૃપિયા ૩૪.૪૫ બંધ રહ્યો હતો. બંધન બેન્ક રૃપિયા ૬.૨૫ વધી રૃપિયા ૨૮૬.૬૫ બંધ રહ્યો હતો. જુન ત્રિમાસિક ગાળાના બેન્કોનાપરિણામો આકર્ષક હોય બેન્કિંગ શેરોમાં રોકાણરૃપી લેવાલી રહી હતી. ઈન્ડસઈન્ડ બેન્ક રૃપિયા ૪.૧૫ વધી રૃપિયા ૧૦૮૮.૬૦ બંધ રહ્યો હતો. 

આઈટી શેરો ઉછળ્યા

જુન ત્રિમાસિક ગાળામાં રૃપિયાની નબળાઈને કારણે આઈટી સેવા ક્ષેત્રની કંપનીઓની આવક વૃદ્ધિ ઊંચી રહી છે, જેને પગલે આઈટી શેરોમાં નીચા મૂલ્યાંકને લેવાલી જોવા મળી રહી છે. એલએન્ડટી ટેકનોલોજી રૃપિયા ૧૬૨.૫૫ વધી રૃપિયા ૩૮૪૦.૨૦, ટેક મહિન્દ્રા રૃપિયા ૨૬.૮૦ વધી રૃપિયા ૧૧૦૪.૫૦ બંધ રહ્યો હતો. એચસીએલ ટેક રૃપિયા ૨૨.૪૦ વધી રૃપિયા ૯૮૦.૬૦, વિપ્રો રૃપિયા ૫.૯૫ વધી રૃપિયા ૪૪૩.૦૫ બંધ રહ્યો હતો. વિદેશમાંથી કરાર મેળવવામાં ભારતની આઈટી કંપનીઓને સફળતા મળી રહી હોવાના અહેવાલે પણ આઈટી શેરોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. ઈન્ફોસિસ રૃપિયા ૯.૮૦ વધી રૃપિયા ૧૬૦૬.૨૫ બંધ રહ્યો હતો. 

ઓટો શેરોમાં મિશ્ર પ્રવાહ

ક્રુડ તેલના ભાવ હજુપણ ઊંચા જળવાઈ રહ્યા હોય ઓટો માટેની માગમાં અપેક્ષિત વધારો જોવા મળતો નથી. ચોમાસુ પૂરું થવાને દોઢ મહિનાની વાર હોય ખરીફ પાકની પ્રગતિ પર ઓટો વેચાણ આંકનો આધાર રહેલો છે. હાલમાં ખરીફ વાવણીમાં ચોખાનું વાવેતર ધીમી ગતિએ થઈ રહ્યાના અહેવાલથી ખેડૂતોની આવક પર અસર પડવા ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઓટો વેચાણ પર અસર પડી શકે છે.

હીરો મોટો કોર્પ રૃપિયા ૯૬.૪૫ વધી રૃપિયા ૨૯૧૩.૪૫ બંધ રહ્યો હતો. આઈશર મોટર્સ રૃપિયા ૫૯.૫૫ વધી રૃપિયા ૩૩૯૭.૬૦ બંધ રહ્યો હતો.  ટીવીએસ મોટર રૃપિયા ૮.૫૫ ઘટી રૃપિયા ૯૭૦.૫૫, ટાટા મોટર્સ  રૃપિયા ૪.૪૫ ઘટી રૃપિયા ૪૮૫.૪૦ બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડ રૃપિયા ૧.૬૦ ઘટી રૃપિયા ૧૪૭.૯૦ બંધ રહ્યો હતો. 

Gujarat