Get The App

યુદ્ધથી ભારતમાં કોલસાના ભાવમાં 340%નો વધારો

- કોલ ઇન્ડિયાના માર્ચ ઓકશનમાં ભાવ વધી રૂ.૧૧,૭૦૦ પ્રતિ ટનની ઉંચી સપાટીએ

- ઊંચા ભાવના આયાતી કોલસા સામે સ્થાનિક પુરવઠો મેળવવા પડાપડી

Updated: Mar 23rd, 2022

GS TEAM


Google News
Google News
યુદ્ધથી ભારતમાં કોલસાના ભાવમાં 340%નો વધારો 1 - image


અમદાવાદ : ઓકટોબર મહિનામાં વિશ્વભરમાં જોવા મળેલી કોલસાની કટોકટી અને વિક્રમી ઊંચા ભાવ ફરી પરત આવી ગયા છે. રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કર્યાના એક મહિના પછી હવે કોલસાની માંગ સામે પુરવઠો તંગ બની રહ્યો છે અને તેના કારણે ભાવ વધી રહ્યા છે. હાજરમાં ખરીદી કરી રહેલા કોલસાના વપરાશકારો માટે સ્થિતિ વધારે તંગ છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં સૌથી મોટું વેચાણ ધરાવતા કોલ ઇન્ડિયાના કોલસાના હાજરના ભાવમાં ૩૪૦ ટકાનો તોતિગ વધારો જોવા મળ્યો છે. 

વૈશ્વિક બજારમાં કોલસાના ભાવ ૪૦૦ ડોલર પ્રતિ ટનની ઐતિહાસિક ઉંચી સપાટીએ છે ત્યારે સ્થાનિક બજારમાં સસ્તો કોલસો હસ્તગત કરવા માટે વપરાશકારો દોટ લગાવી રહ્યા હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. અહી ઉલ્લેખનીય છે કે ભારત પણ તેની નબળી ગુણવત્તાના કોલસાના કારણે ફરજીયાત કોલસાની આયાત કરે છે. 

જોકે, આટલા ઊંચા ભાવ વચ્ચે પણ આયાતી કોલસા કરતા ભારતમાં ભાવ હજુ ઘણા નીચા છે. માર્ચ મહિનાના કોલ ઇન્ડિયાના ઓકશનમાં ગ્રાહકોએ રૂ.૧૧,૭૦૦ પ્રતિ ટનના ભાવે ખરીદી કરી હતી એટલે કે તેનો ભાવ ૧૫૩.૭૦ ડોલર પ્રતિ ટન થાય સામે ઓસ્ટ્રેલીયન કોલસાના ભાવ ૪૦૦ ડોલર પ્રતિ ટન જેટલા છે. સ્થાનિક ભાવના આંકલન માટે કેન્દ્ર સરકાર તરફથી બહાર પડતા કોલ ઇન્ડેક્સની વેલ્યુ જાન્યુઆરી ૨૦૨૧માં ૯૫.૪૪ હતી જે આ વર્ષે વધી ૧૫૫.૫૫ થઇ છે. આ દર્શાવે છે કે વાર્ષિક ધોરણે ભાવમાં ૬૩ ટકાનો વધારો આવ્યો છે.

કોલ ઇન્ડિયા દર વર્ષે લગભગ ૭૦ કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરે છે તેમાંથી ૧૫ થી ૨૦ ટકા કોલસાની હરરાજી હાજરના ગ્રાહકો માટે થાય છે બાકીનો જથ્થો લાંબાગાળાના કરારથી વેચાય છે. લાંબાગાળાના કરાર કરતા હાજરના ભાવ હંમેશા ઊંચા હોય છે પણ આ વખતે તે ભાવ બમણાં જેટલા ઊંચા જોવા મળી રહ્યા છે. 

ભારતીય કોલસામાં કેલેરોફિક વેલ્યુ ઓછી હોવાથી આયાત કરવાની ફરજ પડે છે. આ ઉપરાંત, સ્થાનિક જરૂરીયાત કરતા ઉત્પાદન ઓછું હોવાથી પણ આયાત કરવી પડે છે. આ વર્ષે વૈશ્વિક બજારમાં ભાવ ઊંચા હોવાથી અને સ્થાનિક ઉત્પાદન વધારે હોવાથી આયાતમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં, એપ્રિલથી નવેમ્બર વચ્ચે ભારતે કુલ ૧૭.૨૩ કરોડ ટનની આયાત કરી છે. 

યુરોપના કુલ થર્મલ કોલ (વીજળી ઉત્પાદનમાં વપરાતા કોલસા) જરૂરીયાતની ૭૦ ટકા આયાત, દક્ષીણ કોરિયાની ૨૦ ટકા અને જાપાનની ૧૦ ટકા આયાત રશિયાથી થાય છે. આ ઉપરાંત, યુરોપના મેટલ ઉત્પાદનમાં વપરાતા કોલસાની ૩૦ ટકા આયાત રશિયાથી થાય છે. રશિયા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે, તેને વૈશ્વિક નાણાકીય વ્યવહારના પેમેન્ટ ગેટવેમાંથી કાઢી મુકવામાં આવ્યું છે એટલે રશિયન આયાત અટકી પડી છે, વિલંબમાં છે અથવા તો તે નહી આવે એવી દહેશતથી વૈશ્વિક ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે.

કેરોસીનનો વપરાશ ઘટયો પણ ભાવમાં વધારો

કેરોસીન જેને ગરીબ માણસનું બળતણ કહેવાય છે તેના ભાવ મોટા શહેરોમાં બમણાથી વધુ વધ્યા છે. જ્યારે તેનો વપરાશ ઘટી રહ્યો છે. એપ્રિલ ૨૦૨૦ની સરખામણીએ આ વર્ષે ફેબુ્રઆરીમાં કોલકાતા અને મુંબઈમાં કેરોસીનના ભાવમાં ૧૦૪થી ૧૧૨ ટકાનો વધારો થયો છે. ભાવ વધારો થોડા વર્ષો પહેલાં કરતા પણ વધુ છે. ચેન્નાઈમાં કિંમતમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.

ભાવ વધારાની અસર પહેલા જેટલી નથી રહી કારણ કે મોટા ભાગની વસ્તીએ રાંધણ ગેસ જેવા સ્વચ્છ ઇંધણનો વિકલ્પ પસંદ કર્યો છે. સરકારના કામચલાઉ ડેટા અનુસાર જાહેર વિતરણ પ્રણાલી દ્વારા પૂરા પાડવામાં આવતા કેરોસીનનો સ્થાનિક વપરાશ ૨૦૧૪-૧૫માં ૬૯ લાખ ટનથી ઘટીને ૨૦૨૦-૨૧માં ૧.૬ મિલિયન ટન થયો હતો.


Tags :