For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અઠવાડિયામાં ત્રીજી વખત ભાવ વધ્યા: પેટ્રોલ-ડીઝલમાં 25 પૈસાનો વધારો, આ શહેરોમાં પેટ્રોલ 100ને પાર

Updated: May 12th, 2021


Article Content Image

- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ.92.05 અને ડીઝલ રૂ. 82.61 : મુંબઇમાં પેટ્રોલ રૂ. 98.36 તથા ડીઝલ રૂ. 89.75
- રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ રૂ. 102.96 અને ડીઝલ રૂ. 95.33 સાથે સમગ્ર દેશમાં સૌથી મોંઘું

નવી દિલ્હી, તા. 12 મે 2021, બુધવાર

આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ચાલુ સપ્તાહમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. આ સાથે જ ભોપાલ અને ઇન્દોર સહિતના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. 

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જારી કરેલા પ્રાઇસ નોટિફિકેશન અનુસાર સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવી ટોચે પહોંચી ગયા છે. 

આ સાથે જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 92.05 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 82.61 રૂપિયા થઇ ગયો છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 98.36 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.75 રૂપિયા થઇ ગયો છે.  આ ભાવવધારો ચાલુ સપ્તાહમાં ત્રીજો છે. જ્યારે ચોથી મેથી અત્યાર સુધીનો સાતમો ભાવવધારો છે. 

ઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સતત 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હતો. ચૂંટણી પૂર્ણ થઇ જતા 18 દિવસ પછી ચોથી મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરીથી વધારવાનું ચાલુ કરવામાં આવ્યું હતું.

આજે કરાયેલા ભાવવધારાને કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના વધુ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે વિભિન્ન રાજ્યોમાં વેટના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ હોય છે.

ભોપાલ રાજ્યનું પ્રથમ પાટનગર છે જ્યાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. ભોપાલમાં આજે પેટ્રોલનો ભાવ વધીને 100.08 રૂપિયા થઇ ગયો છે. ઇન્દોરમાં એક લિટર પેટ્રોલનો ભાવ 100.16 રૂપિયા થઇ ગયો છે.

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધારે છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ 102.96 રૂપિયા અને ડીઝલનો ભાવ 95.33 રૂપિયા થઇ ગયો છે.  ચોથી મેથી અત્યાર સુધી સાત વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે જેમાં પેટ્રોલમાં કુલ 1.66 રૂપિયા અને ડીઝલમાં 1.88 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 

Gujarat