For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ભાવ ઉંચકાયા: ભારતની માંગ વધવાની આશાએ મલેશિયામાં પામતેલ ઝડપથી વધ્યું

- એરંડા હાજર તથા વાયદા બજારમાં ભાવમાં પીછેહટ

- અમેરિકા તથા બ્રાઝીલના કૃષિ બજારોમાં ચીનની માંગ નિકળ્યાના નિર્દેશો: ચીન ઈમ્પોર્ટ ટેરીફ ઘટાડશે એવી પણ ચર્ચાતી શક્યતા

Updated: Jul 22nd, 2019

 મુંબઈ, તા. 22 જુલાઇ 2019, સોમવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ વધી આવ્યા હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવ અથડાતા રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર મિશ્ર હતા. મલેશિયામાં આજે પામતેલનો વાયદો વધી છેલ્લે ૧૫, ૧૨, ૧૨ તથા ૧૦ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ શાંત હતા.

જોકે અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદાના ભાવ આજે પ્રોજેકશનમાં સાંજે ૧૦ પોઈન્ટ નરમ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૧૦૦ને આંબી ગયા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ વધી ઉંચામાં રૂ.૧૧૫૦થી ૧૧૭૫ તથા ૧૫ કિલોના ભાવ ઉંચામાં રૂ.૧૭૬૦થી ૧૭૮૦ રહ્યાના સમાચાર હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૫૫થી ૭૫૮ બોલાઈ રહ્યા હતા.

મગફળીની આવકો આજે સવારે ગોંડલ બાજુ આશરે ૧૬૦૦ ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૧૬૫૦ ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૯૦૦થી ૯૫૦ તથા ઉંચામાં રૂ.૧૦૨૫થી ૧૦૩૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બજારમાં આજે પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૬૨ તથા જેએનપીટીના રૂ.૫૫૮ રહ્યા હતા. નવા વેપારો ધીમા હતા. ફૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૪૯૫ રહ્યા હતા.

દરમિયાન, સોયાતેલના હાજર ભાવ ડિગમના રૂ.૬૯૨ તથા રિફાઈન્ડના રૂ.૭૩૨ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૭૬૫થી ૭૭૦ તથા રિફાઈન્ડના રૂ.૮૦૦ રહ્યા હતા. કપાસીયા તેલના ભાવ રૂ.૭૯૫ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૯૦ રહ્યા હતા જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૨૫ વાળા રૂ.૧૧૩૫ રહ્યા હતા. કેરળમાં ભારે વરસાદના પગલે  ત્યાં ભાવ ઉંચા બોલાતા થયાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.ચાર નરમ રહ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ રૂ.૫૫૪૫ વાળા રૂ.૫૫૨૫ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવ ટનના રૂ.૩૧૮૨૫થી ૩૧૮૩૦ વાળા ઘટી રૂ.૩૧૬૧૫થી ૩૧૬૨૦ રહ્યા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા. વિશ્વબજારમાં ચીન તથા અમેરિકા વચ્ચે હવે આગળ ઉપર વાતચીતનો દોર કેવો આગળ વધે છે તેના પર વિશ્વબજારના ખેલાડીઓની નજર રહી હતી.

દરમિયાન, વાયદા બજારમાં આજે સીપીઓ વાયદાના ભાવ સાંજે રૂ.૫૦૨ તથા સોયાતેલ વાયદાના ભાવ સાંજે રૂ.૭૨૮.૮૫ રહ્યા હતા. અમેરિકાના કૃષી બજારોમાં ચીનની પૂછપરછો વધ્યાની ચર્ચા વિશ્વબજારમાં સંભળાઈ રહી હતી. બ્રાઝીલના સોયાબીન બજારમાં પણ ચીનની માગ રહ્યાના સમાચાર હતા. ચીન દ્વારા અમેરિકાના કૃષી માલો પર આયાત ટેરીફ ઘટાડવામાં આવશે એવી શક્યતા પણ વિશ્વબજારમાં ચર્ચાઈ રહી હતી.

દરમિયાન, મલેશિયામાં પામતેલનું કુલ ઉત્પાદન જુલાઈના પ્રથમ ૨૦ દિવમસાં આશરે ૩૧થી ૩૨ ટકા વધ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં સનફલાવરના ભાવ કાચાતેલમાં સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૮૦૭.૫૦થી ૭૮૭.૫૦ ડોલર રહ્યા હતા જ્યારે ઓક્ટોબરના ભાવ ૭૫૦ ડોલર રહ્યા હતા.

ઘરઆંગણે આજે મધ્ય- પ્રદેશ ખાતે બપોરે સોયાબીનની આવકો આશરે ૩૦ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં ભાવ રૂ.૩૫૦૦થી ૩૬૦૦ તથા પ્લાન્ટના રૂ.૩૬૦૦થી ૩૬૫૦ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવ રૂ.૬૯૦થી ૬૯૫ તથા રિફાઈન્ડના રૂ.૭૩૨થી ૭૩૫ રહ્યા હતા. ભારતમાં આયાત વધવાની શક્યતા વચ્ચે મલેશિયામાં આજે પામતેલના ભાવ વધી આવ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી.

દરમિયાન, એરંડા વાયદા બજારમાં આજે સાંજે ભાવ ઓગસ્ટ વાયદાના રૂ.૫૪ ઘટી રૂ.૫૫૩૪ બોલાઈ રહ્યા હતા જ્યારે સોયાતેલ ઓગસ્ટના ભાવ રૂ.૧.૧૫ નરમ હતા જ્યારે સપ્ટેમ્બરના ૬૦ પૈસા ઉંચા રહ્યા હતા. જ્યારે સીપીઓ વાયદાના ભાવ સાંજે જુલાઈના રૂ.૧.૨૦ પ્લસમાં જ્યારે ઓગસ્ટના ભાવ ૪૦ પૈસા પ્લસમાં રહ્યા હતા.

એરંડા સપ્ટેમ્બરના ભાવ રૂ.૪૨ ઘટી રૂ.૫૬૦૨ રહ્યા હતા. ન્યુયોર્ક કોટન વાયદો આજે સાંજે પ્રોજેકશનમાં ૨૯ પોઈન્ટ પ્લસમાં રહ્યો હતો જ્યારે અમેરિકા- શિકાગો બજારમાં પ્રોજેકશનમાં આજે સાંજે ભાવ સોયાતેલ વાયદાના ૧૧ પોઈન્ટ નરમ હતા. સામે સોયાખોળ તથા સોયાબીન વાયદાના ભાવ પણ પ્રોજેકશનમાં ૭ તથા ૨૧ પોઈન્ટ માઈનસમાં બોલાઈ રહ્યા હતા.

Gujarat