For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૨૦૨૪ના અંત સુધીમાં ક્રુડ 70 ડોલર સુધી ઉતરે તેવો મૂડી'સનો અંદાજ

- ક્રુડના ભાવમાં વર્તમાન ઘટાડાનો પ્રવાહ ચાલુ રહેવાની ધારણા

Updated: Aug 16th, 2022


મુંબઇ : ૨૦૨૪ના અંત સુધીમાં ક્રુડ તેલના વૈશ્વિક ભાવ ઘટીને ૭૦ ડોલર પર આવી જવાની મૂડી'સ એનાલિટિકસ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. એશિયા પેસિફિક પરના રિપોર્ટમાં આ ધારણાં આવી પડી છે. 

રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ જુનમાં ક્રુડ તેલના ભાવ વધીને જે પ્રતિ બેરલ ૧૨૦ ડોલર પહોંચી ગયા હતા અને હાલમાં તે ઘટી ૧૦૦ ડોલર પર આવી ગયા છે,તેનો ઉલ્લેખ કરતા મૂડી'સે જણાવ્યું હતું કે ભાવ ઘટાડો ચાલુ રહેશે અને ૨૦૨૪ના અંત સુધીમાં તે પ્રતિ બેરલ ૭૦ ડોલર પર આવી જશે.

ક્રુડ તેલના ભાવમાં વધારાની એશિયા પેસિફિક વિસ્તારના દેશોમાં વિવિધ અસર જોવા મળી છે. 

ક્રુડ તેલના નેટ આયાતકારો થાઈલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિઆ તથા સિંગાપુરમાં ઊર્જાના ઘરવપરાશ માટેના બિલ્સમાં વધારો થયો છે. જ્યારે એશિયા પેસિફિક વિસ્તારના નેટ નિકાસકાર દેશો ખાસ કરીને ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા તથા મલેશિયામાં ઈંધણના ઘરેલું વપરાશકારોને રાહત રહી છે.

કોલસા તથા કુદરતી ગેસના ભાવ એકદમ ઊંચે ગયા છે. બીજી બાજુ પાકિસ્તાન, ભારત તથા વિયેતનામ જેવા કોલસાના મોટા આયાતકારો માટે કોલસાના ઊંચા ભાવ પ્રતિકૂળ સાબિત થઈ રહ્યા છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

જો કે અન્ય એક રિપોર્ટમાં  ૨૦૨૨ તથા ૨૦૨૩ માટેના ક્રુડ તેલના ભાવના અંદાજમાં બારકલેસે ઘટાડો કર્યો છે. રશિયા ખાતેથી ક્રુડ તેલના પૂરવઠામાં સ્થિતિસ્થાપકતાને કારણે બારકલેસ ટૂંકા ગાળે ક્રુડ તેલની જંગી પૂરાંત જોઈ રહી છે. 

૨૦૨૨ તથા ૨૦૨૩માં બ્રેન્ટ ક્રુડના ભાવમાં પ્રતિ બેરલ ૮ ડોલર ઘટી સરેરાશ ૧૦૩ ડોલર રહેવાની ધારણાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત નાયમેકસ ક્રુડ તેલના સરેરાશ ભાવ આ બન્ને વર્ષોમાં ૯૯ ડોલર રહેવાનો અંદાજ મુકાયો છે. 

એકતરફ રશિયા ખાતેથી પૂરવઠામાં સ્થિતિસ્થાપકતા અને બીજી બાજુ વ્યાપક મંદીની ચિંતાને કારણે બારકલેસ દ્વારા ક્રુડ તેલના ભાવ અંદાજમાં ઘટાડો આવી પડયો છે. 

યુરોપના દેશો દ્વારા રશિયાના ક્રુડ તેલની આયાત પર મુકાયેલા પ્રતિબંધની સંપૂર્ણ અસર વર્તમાન વર્ષના અંત ભાગમાં જોવા મળશે. યુરોપના દેશો રશિયાના રિફાઈન્ડ પ્રોડકટસ પર પણ પ્રતિબંધ મૂકવા યોજના ધરાવે છે. 

Gujarat