For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ભારતની મોટી સફળતા : પશ્ચિમી દેશોને વેચી રહ્યું છે સસ્તુ રશિયન ક્રૂડ

ભારત રશિયા પાસેથી વધુમાં વધુ સસ્તુ ક્રૂડ ખરીદી વૈશ્વિક ઓઈલ માર્કેટમાં નિભાવી રહ્યું છે મહત્વપૂર્ણ ભૂમિકા

યૂરોપ દ્વારા રશિયા પરના પ્રતિબંધો વધુ કડક કરાયા છે, ત્યારે ભારત વૈશ્વિક ઓઈલ માર્કેટનું કેન્દ્ર બની રહ્યું છે

Updated: Feb 5th, 2023

Article Content Image
Image - elements.envato

નવી દિલ્હી, તા.05 ફેબ્રુઆરી-2023, રવિવાર

ભારત રશિયા પાસેથી વધુમાં વધુ સસ્તુ ઓઈલ ખરીદીને વૈશ્વિક ઓઈલ માર્કેટમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ભારત રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદી આગળ યૂરોપ અને અમેરિકાને આપી રહ્યું છે. તેમ છતાં કેટલાક દેશો ભારતની ટીકા કરી રહ્યા છે, કારણ કે આ દેશોનું માનવું છે કે, ભારત દ્વારા આમ કરવાથી રશિયાની ઉર્જા આવકમાં ઘટાડો કરવામાં તેમને (પશ્ચિમી દેશો) સફળતા મળી રહી નથી.

ભારત વૈશ્વિક ઓઈલ માર્કેટનું કેન્દ્ર બન્યું

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ઘણી ઉથલ-પાથલ જોવા મળી રહી છે. યૂરોપ દ્વારા રશિયા પરના પ્રતિબંધો વધુ કડક કરાયા છે, ત્યારે આવી સ્થિતિમાં ભારત વૈશ્વિક ઓઈલ માર્કેટનું કેન્દ્ર બની રહ્યું છે. વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના બેન કાહિલે કહ્યું કે, અમેરિકી ટ્રેઝરી અધિકારીઓના બે મુખ્ય લક્ષ્ય છે - એક માર્કેટને સારી રીતે પુરવઠો મળતો રહે અને બીજુ રશિયાની ઓઈલ આવક ઘટી જાય... તેઓ જાણે છે કે, ભારત અને ચીન રશિયા પાસેથી રિફાઈનર્સ સસ્તુ ક્રૂડ ઓઈલ ખરીદી અને બજાર ભાવે ઉત્પાદનોની નિકાસ કરી મોટું માર્જિન કમાઈ શકે છે. જોકે આ બાબતથી તેમને કોઈ સમસ્યા નથી.

ભારત નિયમો મુજબ કરે છે કામ

યૂરોપિયન સંઘની માર્ગદર્શિકા મુજબ ભારત નિયમોમાં રહીને કામ કરી રહ્યું છે. જ્યારે ભારત જેવા અન્ય દેશમાં રશિયન ક્રૂડને ઈંધણમાં પ્રોસેસ કરવામાં આવે છે, ત્યારે આ ઉત્પાદનો યુરોપિયન દેશોમાં વિતરીત કરી શકાય છે, કારણ કે તેમને રશિયન મૂળના મનાતા નથી.

ઘણા દેશોના અધિકારીની બેંગલુરુમાં થશે મુલાકાત

અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ જણાવ્યું કે, રશિયાની આવકને મર્યાદિત કરવાથી ઊર્જા બજારોને સ્થિર રાખવાનો લાભ ભારત સહિત ઘણા દેશો ઉઠાવી શકે છે. દરમિયાન સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, અમેરિકા સહિત ઘણા દેશોની કંપનીઓના અધિકારીઓ સોમવારે બેંગલુરુમાં એક કોન્ફરન્સ યોજાશે. ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આ 3 દિવસીય ઉર્જા સંમેલનનું આયોજન કરાઈ રહ્યું છે.

Gujarat