એન્ડ્રોઇડ સિસ્ટમમાં એકાધિકારનો દુરૂપયોગ : ભારતમાં ગૂગલને રૂ. 1338 કરોડનો દંડ

અમદાવાદ,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર
ગ્લોબલ સર્ચ જાયન્ટ ગૂગલને એક બાદ એક દેશોમાં મોટી પેનલ્ટી ફટકારવામાં આવી રહી છે. યુરોપ બાદ હવે ગઈકાલે ભારતમાં પણ એન્ડ્રોઇડ સિસ્ટમમાં એકાધિકારના દુરૂપયોગ બદલ રૂ. 1338 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે.
CCI દ્વારા ગુરુવારે જારી કરાયેલા નિવેદન અનુસાર Google પર આ દંડ સ્માર્ટફોન માર્કેટમાં એન્ડ્રોઇડ મોબાઇલ ઉપકરણ ઇકોસિસ્ટમમાં તેના પ્રભાવશાળી સ્થાનનો દુરુપયોગ કરવા બદલ લગાવવામાં આવ્યો છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ ગૂગલ પર 1337.76 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
આ સાથે સીસીઆઈએ કંપનીને તેની અયોગ્ય વ્યાપારી ગતિવિધિઓને રોકવા અને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ગુરુવારે જારી કરાયેલા એક આદેશમાં કમિશને જણાવ્યું હતું કે Googleને નિર્ધારિત સમયમર્યાદામાં તેના સંચાલનની રીતમાં ફેરફાર કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ગૂગલને સ્માર્ટફોન કંપનીઓને તેનું સર્ચ એન્જિન અપનાવવા માટે પ્રોત્સાહન આપવાનું બંધ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

2019ની ફરિયાદ અને હવે દંડ :
અત્રે ઉલ્લેખનીય છે આ કેસ 3 વર્ષથી પણ વધુ જૂનો છે. એપ્રિલ 2019માં CCIએ દેશમાં એન્ડ્રોઇડ-બેઝ્ડ સ્માર્ટફોનના યુઝર્સની ફરિયાદોને પગલે આ મામલે વ્યાપક તપાસનો આદેશ આપ્યો હતો. Google પર એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન એગ્રીમેન્ટ (MDA) અને એન્ટિ-ફ્રેગમેન્ટેશન એગ્રીમેન્ટ (AFA) નામના બે કરારોમાં ખોટી વેપારી પદ્ધતિઓમાં સામેલ થવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. Androidએ સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) દ્વારા વિકસિત એક ઓપન-સોર્સ, મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે.
આ સિવાય કોમ્પિટિશન કમિશન સ્માર્ટ ટીવી માર્કેટ અને ઇન-એપ પેમેન્ટ સિસ્ટમને લઈને ગૂગલની બિઝનેસ એક્ટિવિટીઝની પણ તપાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર હાલમાં ભારતમાં લોકોના હાથમાં લગભગ 60 કરોડ સ્માર્ટફોન છે અને તેમાંથી 97% એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

