For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં મકાનોની કિંમતો કોરોના પૂર્વેના સ્તરને કુદાવી ગઇ

- મોંઘવારીમાં મકાન ખરીદવુ મુશ્કેલ બન્યુ, અમદાવાદમાં મકાનોની કિંમત જૂન ક્વાર્ટરમાં ૯ ટકા વધીને રૂ. ૫૯૨૭ સ્ક્વેર ફૂટ

Updated: Aug 16th, 2022

Article Content Image

મુંબઇ : મોંઘવારી અને મર્યાદિત આવક વચ્ચે પોતાની માલિકીનું 'ઘરનું સ્વપ્ન' હવે સપનું બનીને રહી જશે. વિવિધ રો- મટિરિયલ્સના ભાવ સતત વધવાને પગલે એપ્રિલથી જૂન દરમિયાન અમદાવાદમાં મકાન-ફ્લેટોની કિંમત ૯ ટકા વધી છે જે દેશમાં સરેરાશ ભાવ વૃદ્ધિની તુલનાએ વધારે છે.

ભારતના મુખ્ય આઠ શહેરો - દિલ્હી-એનસીઆર, મુંબઇ, ચેન્નઇ, કલકત્તા, બેંગ્લોર અમદાવાદ, હૈદરાબાદ, પુનામાં મકાન-ફ્લેટોની કિંમત જૂન ક્વાર્ટરમાં સરેરાશ પાંચ ટકા વધી છે એવું ક્રેડાઇ -રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયા અને ડેટા એનાલિટિક ફર્મ લિયાસેસ ફોરાસના એક રિપોર્ટમાં જણાવાયુ છે. આ સાથે મકાનોની કિંમતો કોરોના પૂર્વેના સ્તરને કુદાવી ગઇ છે, જે નવા મકાનોની સપ્લાય સાથે ઘરોની વધી રહેલી મજબૂત માંગને દર્શાવે છે. 

આ રિપોર્ટ અનુસાર જૂન ક્વાર્ટરમાં અમદાવાદમાં મકાનોની કિંમત વાર્ષિક તુલનાએ ૯ ટકા વધીને રૂ. ૫૯૨૭ સ્ક્વેર ફૂટ થઇ છે. દેશની રાજધાની દિલ્હી- એનસીઆરમાં મકાનોની કિંમત સૌથી વધુ ૧૦ ટકા વધીને પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. ૭૪૩૪ થઇ છે. તેવી જ રીતે બેંગ્લોરમાં મકાનોની કિંમત ચાર ટકા વધીને રૂ. ૭,૮૪૮ અને ચેન્નઇમાં માત્ર એક ટકા વધીને રૂ. ૭૧૨૯ સ્ક્વેર ફૂટ થઇ છે.

તેવી જ રીતે હૈદારબાદ અને કલકત્તામાં મકાનોની કિંમત ૮-૮ ટકા વધીને અનુક્રમે પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. ૯૨૧૮ અને રૂ. ૬૩૬૨ થઇ છે. મુંબઇમાં મકાન-ફ્લેટ ખરીદવુ વધુ મુશ્કેલ બની ગયુ છે અને ત્યાં કિંમત એક ટકા વધીને રૂ. ૧૯,૬૭૭ પ્રતિ સ્ક્વેર ફૂટ થઇ છે. પુનામાં મકાનોની કિંમત પાંચ ટકા વધીને રૂ. ૭૬૮૧ પ્રતિ સ્ક્વેર ફૂટ થઇ છે. આ કિંમતો કાર્પેટ એરિયા પર આધારિત છે.

અમદાવાદમાં મકાનોની કિંમત ૩ વર્ષમાં સૌથી ઉંચી

અમદાવાદની ગણતરી શહેરના મુખ્ય શહેરોમાં થાય છે અને ત્યાં પણ મકાનોની કિંમત સતત વધી રહી છે. જૂન ક્વાર્ટરમાં મકાનોની કિંમત ૯ ટકા વધીને રૂ. ૫૯૨૭ પ્રતિ સ્ક્વેર ફૂટ થઇ છે. આ સાથે જ અમદાવાદમાં મકાનોની કિંમત ત્રણ વર્ષમાં સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઇ છે. તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મકાન-ફ્લેટોની કિંમતોમાં વાર્ષિક તુલનાએ ૧૩ ટકાની ઉંચી વૃદ્ધિ જોવા મળી છે.     


Gujarat