For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સિંગતેલમાં તેજીમાં રૂકાવટ વચ્ચે ઉત્પાદક મથકો પાછળ ભાવમાં ફરીથી ઘટાડો

- વિશ્વ બજારમાં સોયાતેલ તથા સોયાબીનના ભાવ ઉંચકાયા

- આર્જેન્ટીનામાં કરન્સી સંદર્ભમાં કડક નિયમોના પગલે ત્યાંના નિકાસકારો સામે ઉભા થયેલા નવા પડકારો

Updated: Feb 13th, 2021

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી.  વેપારો ધીમા હતા.  વિશ્વબજારના સમાચાર જો કે મજબુતાઈ બતાવતા હતા.  મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધતા અટકી રૂ.૧૪૯૦ વાળા પ્રત્યાઘાતી  ઘટી રૂ.૧૪૬૦ બોલાઈ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ સિંગતેલના ભાવ રૂ.૨૩૨૦થી ૨૩૩૦ વાળા  આજે  ઘટી રૂ.૨૨૫૦થી ૨૨૬૦ રહ્યા હતા.  

આ ભાવ ૧૫ કિલોના હતા જ્યારે   ૧૦ કિલોના  ભાવ લુઝમાં રૂ.૧૪૪૦  વાળા રૂ.૧૪૦૦થી ૧૪૨૫ બોલાઈ રહ્યાના સમાચાર હતા.   ત્યાં  કોટન વોશ્ડના  ભાવ રૂ.૧૦૮૦થી ૧૦૮૫ વાળા જોકે રૂ.૧૦૮૫થી ૧૦૯૦ રહ્યા હતા.  મગફળીના ભાવ ઉત્પાદક મથકોએ મણના જાતવાર  આજે  રૂ.૯૮૦થી ૧૨૫૦ રહ્યા હતા. 

મુંબઈ બજારમાં આજે  કપાસિયા તેલના ભાવ રૂ.૧૧૪૦ના મથાળે શાંત રહ્યા હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૧૨૩૦ બોલાતા હતા.  આયાતી  પામતેલના ભાવ રૂ.૧૧૦૦ તથા ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૧૦૧૫ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૧૧૯૦ તથા રિફા.ના રૂ.૧૧૩૦ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૧૩૫૦ તથા રિફા.ના રૂ.૧૩૮૦ બોલાતા હતા. 

કોપરેલના  ભાવ ૧૦ કિલોના રૂ.૧૮૭૫ રહ્યા હતા.  મુંબઈ હાજર એરંડાના  ભાવ આજે સાંકડી વધઘટે  અથડાતા રહ્યા હતા.   મુંબઈ બજારમાં  આગળ ઉપરપામતેલના ભાવ નીચામાં  રૂ.૧૦૯૫ તથા ઉંચામાં  રૂ.૧૧૧૦ વચ્ચે  અથડાતા રહેવાની શક્યતા  જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે  ટનના ભાવ કપાસિયા ખોળના રૂ.૪૦૦થી ૫૦૦ નરમ રહ્યા હતા જ્યારે    સનફલાવરના ભાવ રૂ.૭૦૦થી ૮૦૦ ઉછળ્યા હતા   એરંડા ખોળના ભાવમાં ધીમો  ઘટાડો  જોવા મળ્યો હતો. જોકે  અન્ય ખોળો શાંત હતા   

દરમિયાન,  મુંબઈ-મહારાષ્ટ્રમાં  તાજેતરમાં  સરકારી અધિકારીઓ તરફથી વેપારીઓની કનડગત વધતાં  વેપારીઓ રોષે ભરાયા છે. આવા માહોલમાં  ઘણા વેપારીઓએ વેપારો  ઓછા કરી દીધા છે તથા  ગોદામોમાં  માલનો સ્ટોક પણ ઓછો  કરી નાંખ્યો છે.

આવી પરિસ્થિતિમાં  બજારમાં  હવે પછી  હાજર માલની અછત ઊભી  થવાની ભીતિ  બજારનો અમુક વર્ગબતાવી રહ્યો હતો. આમ પણ હાલ આયાત પડતરની સરખામણીએ  ઘરઆંગણે  હાજર  બજારમાં  ચાલતા  ભાવ ઉંધી પડતરના રહ્યા છે. ડિસ્પેરીટીના  પગલે  બજારમાં   આયાત ધીમી રહી છે. 

દરમિયાન,  સોયાબીનની આવકો  આજે મધ્ય-પ્રદેશ ખાતે આશરે  ૨૪થી ૨૫ હજાર ગુણી  તથા ઓલ ઈન્ડિયા આવકો  આશરે ૧ લાખ ગુણી નોંધાઈ હતી તથા  મધ્ય-પ્રદેશ ખાતે ભાવ રૂ.૪૭૦૦થી ૪૮૫૦  તથા પ્લાન્ટ  ડિલીવરીના  રૂ.૪૮૫૦થી ૪૯૨૫ રહ્યાના સમાચાર હતા. 

નવી મુંબઈ બંદરે વિવિધ  ડિલીવરીના  ભાવ સનફલાવરના રૂ.૧૪૧૦થી  ૧૪૨૦  તથા સોયાતેલના  રૂ.૧૧૮૦ રહ્યા હતા જ્યારે   ચેન્નાઈ ખાતે  ભાવ સનફલાવરના  રૂ.૧૪૧૦થી ૧૪૨૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના કૃષા બજારોમાં  ઓવરનાઈટ ટ્રેડમાં  સોયાબીનના ભાવ ૪૪ પોઈન્ટ વધ્યા હતા જ્યારે  સોયાતેલના ભાવ ૪૧ પોઈન્ટ તથા કોટનના ભાવ ૮૬ પોઈન્ટ ઉંચકાયા  હતા સામે ત્યાં   સોયાખોળના ભાવ ૧૭ પોઈન્ટ નરમ રહ્યા હતા.  ત્યાં  સોયાબીનમાં  ઘટાડે વાયદામાં   મંદીવાળાઓના વેચાણો કપાઈ  રહ્યા હતા. 

દરમિયાન,  બ્રાઝીલમાં  સોયાબીનનું ઉત્પાદન આશરે  ૩થી ૪ ટકા  વધવાની  ગણતરી   વૈશ્વિક જાણકારો  બતાવી રહ્યા હતા.   આર્જેન્ટીનાના સમાચાર મુજબ  ત્યાંની  સેન્ટ્રલ બેન્ક  દ્વારા કરન્સી  સંબંધી   અમુક નિયમો  કડક બનાવતાં ત્યાંના નિકાસકારો સામે નવા પડકારો  ઉભા થયાના નિર્દેશો મળી રહ્યા હતા.


Gujarat