સિંગતેલ તથા કપાસિયા તેલના ભાવ ફરી ઉંચકાયા
- વિશ્વ બજારમાં પામતેલ તથા સોયાતેલમાં તેજી છતાં ઘરઆંગણે ભાવમાં પીછેહટ
- સોયાખોળ વધી ટનના રૂ.૯૦ હજાર નજીક
(ગુજરાત સમાચાર કાર્યાલેય) મુંબઇ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ નરમ રહ્યા હતા. નવી માગ ધીમી હતી. ગુજરાત, સૌરાષ્ટ્ર બાજુ તાજેતરના વ્યાપક વરસાદની વિવિધ પાકો પર કેવી અસર પડશે તેના સ્પષ્ટ ચિત્રની રાહ વેપારીઓ જોઈ રહ્યા હતા. જાણકારોના જણાવ્યા મુજબ ભારે વરસાદના પગલે નવી મોસમ વિલંબમાં પડવાની શક્યતા જણાઈ રહી છે. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૬૫ થઈ રૂ.૧૫૭૦ રહ્યા હતા.
કપાસિયા તેલના ભાવ રૂ.૧૪૧૦ રહ્યા હતા. ઉત્પાદક મથકોએ સિંગતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી રૂ.૧૫૪૦થી ૧૫૫૦ તથા ૧૫ કિલોના રૂ.૨૪૪૦થી ૨૪૫૦ રહ્યા હતા જ્યારે કોટન વોશ્ડના ભાવ મથકોએ વધી રૂ.૧૪૬૦થી ૧૪૬૫ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે મસ્ટર્ડ ઓઈલના ભાવ વધતાં અટકી રૂ.૧૭૬૦ વાળા રૂ.૧૭૩૦ બોલાતા થયા હતા જ્યારે રિફાઈન્ડના ભાવ ઘટી રૂ.૧૭૬૦ રહ્યા હતા. આયાતી પામતેલના ભાવ ઘટી રૂ.૧૨૦૭ રહ્યા હતા. નવા લેપારો પાંખા હતા.
ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ ઘટી રૂ.૧૧૩૫ રહ્યા હતા. વાયદા બજારમાં આજે સાંજે સીપીઓનુા ભાવ સપ્ટેમ્બરના રૂ.૧૧૧૩થી ૧૧૧૪ રહ્યા હતા. જ્યારે સોયાતેલ વાયદાના ભાવ સપ્ટેમ્બરના રૂ.૧૩૫૨ તથા ઓકટોબર વાયદાના રૂ.૧૩૧૪થી ૧૩૧૫ બોલાઈ રહ્યા હતા. સોયાતેલ તથા સોયાબીનના વાયદા બજારમાં સપ્ટેમ્બરની સરખામણીએ ઓકટોબરના ભાવ નોંધપાત્ર નીચા બોલાઈ રહ્યા હતા. મધ્ય-પ્રદેશ બાજુ સોયાબીનની નવી આવકો શરૂ થયાના સમાચાર હતા.
મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૧૩૦૦ તથા રિફા.ના રૂ.૧૩૫૩ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૂ.૧૩૧૦ તથા રિફા.ના રૂ.૧૩૮૦ રહ્યા હતા. કોપરેલના ભવા ૧૦ કિલોના રૂ.૧૬૮૦ તથા રાઈસ બ્રાનના રૂ.૧૩૪૦ બોલાતા હતા. દિવેલના હાજર ભાવ આજે જોકે ઘટી જાતવાર રૂ.૧૨૭૫થી ૧૨૯૫ રહ્યા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ આજે કિવ.ના રૂ.૨૫ ઘટી રૂ.૬૨૭૫ રહ્યા હતા. જોકે એરંડાનો ઓકટોબર વાયદો આજે સાંજે રૂ.૪૬ વધી રૂ.૬૨૭૬ બોલાઈ રહ્યાના નિર્દેશોે હતા.
દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ એરંડા ખોળના રૂ.૫૦૦ વધી રૂ.૯૩૫૦ રહ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૧૧૦૦ ઉછળી રૂ.૮૯ હજાર પાર કરી રૂ.૮૯૭૨૫થી ૮૯૭૫૦ આસપાસ બોલાતા થયા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધી ૬૯, ૯૭, ૯૮ તથા ૯૩ પોઈન્ટ ઉંચો બંધ રહ્યો હતો.
મુંદ્રા-હઝીરાખાતે વિવિધ ડિલીવરીના ભાવ પામતેલના રૂ.૧૨૦૫થી ૧૨૧૫, સોયાતેલના રૂ.૧૩૩૫થી ૧૩૪૫ તથા સનફલાવરના રૂ.૧૪૩૫ બોલાઈ રહ્યા હતા. સોયાબીનની આવકો આજે મધ્ય-પ્રદેશ ખાતે નવા માલોની આશરે ૨૦ હજાર ગુણી આવી હતી. ત્યાં જાતવાર નવા માલોના ૫૫૦૦થી ૭૫૦૦ રહ્યા હતા. મલેશિયા ખાતેથી પામતેલની કુલ નિકાસ ૧૫ દિવસમાં ૫૪થી ૬૧ ટકા વધ્યાના નિર્દેશો હતા.
નવી મુંબઈ બંદરે સનફલાવરના ભાવ રૂ.૧૩૦૦થી ૧૩૧૦ રહ્યા હતા. અમેરિકામાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ વધ્યા હતા. જ્યારે સોયાખોળના ભાવ ઘટયા હતા. સોયાતેલના ભાવ ઉંચકાયા હતા. કોટનના ભાવ પણ વધ્યા હતા, આજે પ્રોજેકશનમાંં ત્યાં સોયાતેલના ભાવ સાંજે ૭૩થી ૭૪ પોઈન્ટ ઉંચા બોલાઈ રહ્યા હતા.