Get The App

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની માંગમાં 18 ટકા વધારો

- ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષમાં દેશની સોનાની માગ ચાર વર્ષના તળિયે રહેવા ધારણાં

- ડયૂટીમાં ઘટાડાની જોવા મળેલી અસર

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની માંગમાં 18 ટકા વધારો 1 - image


મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતની સોનાની માગમાં વાર્ષિક ધોરણે ૧૮ ટકા વધારો જોવા મળ્યો હતો. વર્તમાન નાણાં  વર્ષના બજેટમાં સોના પરની ડયૂટીમાં ઘટાડો કરાતા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડની માગ ૨૪૮.૩૦ ટન રહી હતી જે ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૨૧૦.૨૦ ટન રહી હતી એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટમાં જણાવાયું હતું.

જો કે હાલમાં સોનાના ઊંચા ભાવને ધ્યાનમાં રાખતા રોકાણકારો કદાચ ભાવમાં ઘટાડા માટે રાહ જુએ તેવી શકયતા છે. 

૨૦૨૪માં સોનાની માગ ૭૦૦થી ૭૫૦ ટનની વચ્ચે રહેવા ધારણાં છે જે ૨૦૨૦ બાદ સૌથી નીચી હશે. ૨૦૨૩માં ભારતની ગોલ્ડ માગ ૭૬૦ ટન આસપાસ રહી હતી. ધનતેરસ તથા લગ્નસરાની મોસમમાં સોનાની માગમાં સુધારો થવાની અપેક્ષા છે.

મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માગ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૫૩ ટકા વધી રૂપિયા ૧,૬૫,૩૮૦ કરોડ રહી હતી, જે ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂપિયા ૧,૦૭,૭૦૦ કરોડ જોવા મળી હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં જ્વેલરી માગ ૧૦ ટકા વધી ૧૭૧.૬૦ ટન રહી હતી. 

ડયૂટીમાં ઘટાડા ઉપરાંત વર્તમાન વર્ષનું ચોમાસુ સારુ રહેવાને કારણે પણ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની માગ ઊંચી જોવા મળી હોવાનું કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. બજેટમાં ગોલ્ડની ઈમ્પોર્ટ ડયૂટી ૧૫ ટકા પરથી ઘટાડી ૬ ટકા કરાઈ હતી. 

સતત ઊંચા ભાવને પરિણામે વર્તમાન કેલેન્ડર વર્ષમાં ભારતની સોનાની માગ ઘટી ચાર વર્ષની નીચી સપાટીએ જોવા મળવાની સંભાવના છે. 

વર્તમાન નાણાં વર્ષના બજેટની રજુઆત કરતી વેળા સરકારે ગોલ્ડ પરની આયાત ડયૂટીમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો બાદ નીચા ભાવે જુલાઈ-સપ્ટેમ્બરમાં સોનાની માગ નીકળી હતી. જો કે ત્યારબાદ સોનાના વૈશ્વિક ભાવ સાથે ઘરઆંગણે પણ ભાવ ફરી ઊંચે જતા સોનાની ખરીદીમાં વળતા પાણી જોવા મળી રહ્યા છે, એમ સુત્રોએ જણાવ્યું હતું.

૨૦૨૩માં દસ ટકા સામે ૨૦૨૪માં સોનાના ભાવ ૨૫ ટકા જેટલા વધ્યા છે. સોનામાં રોકાણ કરવા ઈચ્છુકો હવે સોનામાં સીધા રોકાણને બદલે ગોલ્ડ ઈટીએફસ મારફત રોકાણ કરવાનું  વધુ પસંદ કરી રહ્યા છે. સપ્ટેમ્બરના અંતે ભારતના ગોલ્ડ ઈટીએફસની એયુએમ રૂપિયા ૩૯૮૨૪ કરોડ રહી હતી, જે દેશમાં રોકાણકારોનું  સોનામાં  અપ્રત્યક્ષ રોકાણ વધી રહ્યાનું  સૂચવે છે.

વૈશ્વિક સોનાની માંગ પ્રથમ જ વખત ૧૦૦ અબજ ડોલરના આંકને વટાવી ગઈ 

૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિકમાં સોનાની વૈશ્વિક માગ વાર્ષિક ધોરણે પાંચ ટકા વધી ૧૩૧૩ ટન રહી હચી. મૂલ્યની દ્રષ્ટિએ કુલ માગ પ્રથમ જ વખત ૧૦૦ અબજ ડોલરના આંકને પાર કરી ગઈ છે. 

પશ્ચિમી રોકાણકારો તરફથી ગોલ્ડની ઈન્વેસ્ટમેન્ટ માગ નોંધપાત્ર ઊંચી જોવા મળી રહી છે. ખાસ કરીને ગોલ્ડ ઈટીએફસ મારફતના રોકાણમાં વધારો થયો છે. 

અમેરિકામાં વ્યાજ દરમાં ઘટાડો અને મધ્ય પૂર્વમાં વધી રહેલી ભૌગોલિકરાજકીય તાણને પરિણામે સપ્ટેમ્બરમાં સતત પાંચમા મહિને ગોલ્ડ ઈટીએફસમાં વૈશ્વિક સ્તરે નેટ ઈન્ફલોસ જોવા મળ્યો હતો. 

ગોલ્ડ ઈટીએફસની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) પણ પાંચ ટકા વધી ૨૭૧ અબજ ડોલર પહોંચી છે અને સપ્ટેમ્બરના અંતે ગોલ્ડ હોલ્ડિંગ્સનો સંયુકત આંક ૩૨૦૦ ટન પહોંચી ગયાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સુત્રોએ ઉમેર્યું હતું. 


Google NewsGoogle News