For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુરતમાં૧.૫૦ લાખ કરોડના હીરાના ધંધામાં સેઇફ વોલ્ટની વેપારીઓને વધુ ફાવટ

ધંધાના સ્થળ નજીક સુવિધાને અને બેંકના સમય કરતા સેઇફ વોલ્ટનો સમય હીરા વ્યવસાયીઓ માટે વધુ અનુકુળ

મોટી ફેકટરીમાં સ્ટ્રોંગ હોય પણ નાના-મધ્યમ ધંધાદારીઓ માટે સેઇફ વોલ્ટ આશિર્વાદરૃપ

Updated: Jul 23rd, 2019

  • (પ્રતિનિધિ દ્વારા)             સુરત, મંગળવાર

દેશ દુનિયામાં ડાયમંડ નગરી ગણાતા સુરતમાં વર્ષે અંદાજે ૧.૫૦ લાખ કરોડ રૃપિયાનો ધંધો થાય છે પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે આ કરોડો રૃપિયાના ધંધા પાછળ સુરક્ષા સલામતીનું કવચ સરકાર દ્વારા નહિ પરંતુ ખાનગી વ્યવસ્થા એટલે કે સેઇફ વોલ્ટ રૃપે થાય છે છતા પણ અપવાદ રૃપ કિસ્સાઓને બાદ કરતા હીરા સલામતીની ચમકને કોઇ ગ્રહણ નડી રહ્યું નથી.

દુનિયાના કોઇ પણ ખુણામાં જાઓ અને સુરતનું નામ લો એટલે કોઇના પણ મોંઢામાંથી ડાયમંડ નગરી શબ્દ નહિ નીકળે એવું ભાગ્યે જ બની શકે. જે રીતે હીરાની ચમક છે તેવી જ રીતે દેશ-દુનિયામાં ચમકી રહેલા સુરતમાં એક અંદાજ મુજબ વર્ષે ૧.૫૦  લાખ કરોડથી વધુનો ધંધો થાય છે. તેવા સંજોગોમાં કોઇ પણ વ્યકિતના મનમાં એવું જરૃર થાય કે રાયના દાણા જેટલા ચમકદાર હીરાના કરોડો રૃપિયાના કારોબારની સુરક્ષા સલામતીનું શું ? સરકાર તેના માટે કોઇ ચોક્કસ પગલા લેતી હશે. પરંતુ એક માત્ર પોલીસ વ્યવસ્થા સિવાય બીજી કોઇ સલામતીની વ્યવસ્થા નથી અને જે પોલીસ છે તે પણ રૃટીન કામગીરીમાં વ્યસ્ત હોય છે. તેમ છતા પણ કરોડો રૃપિયાના કારોબારને અપવાદ રૃપ કિસ્સાઓને બાદ કરતા કોઇ ગ્રહણ નડયું નથી. અને હીરાની ચમક યથાવત રહેવા પામી છે. હીરાની આ ચમક યથાવત રહેવા પાછળ વરાછા અને તેને સંલગ્ન વિસ્તારમાં ધમધમતા ૨૦ થી વધુ ખાનગી સેઇફ ડિપોઝીટ વોલ્ટ છે. ડાયમંડ નગરી સુરતમાં વરાછા વિસ્તાર હીરા વ્યવસાયનું હબ છે અને મોટા ભાગના સેઇફ વોલ્ટ વરાછા અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા છે જેમાં હીરા દલાલો, હીરા વ્યાપારીઓથી લઇ હીરાની ફેકટરી માલિકો તેનો ઉપયોગ કરતા હોય છે.

 

સરકારી કે સહકારી બેંક કરતા સેઇફ વોલ્ટ પર કેમ વધુ ભરોસો ?

 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો લોકોનું કહેવું છે કે બેંકમાં તહેવાર સહિતની જાહેર રજાના દિવસોમાં બેંક બંધ રહે છે. હીરાના કારખાના કે મોટી ફેકટરીઓ ચોક્કસ રજાઓ સિવાય તમામ દિવસોમાં ચાલુ રહે છે. તેવા સંજોગોમાં હીરા બેંક કરતા સેઇફ વોલ્ટમાં રાખવાનંુ પસંદ કરે છે. ઉપરાંત બેંકનો સમય સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યાનો હોય છે જયારે કારખાનાનો સમય સવારે ૭ કે ૮ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીનો હોય છે. સેઇફ વોલ્ટ રવિવારની રજાના દિવસે પણ બપોર સુધી ચાલે છે. સૌથી મહત્ત્વનું જે તે હીરા વ્યાપારી-દલાલ કે કારખાનેદારને વોલ્ટની સુવિધા નજીકના સ્થળે છે. જયારે બેંક માટે ચોક્કસ અંતર સુધી જોખમ લેવું પડે છે.

 

સેઇફ ડિપોઝીટ વોલ્ટમાં સલામતીની ચુસ્ત વ્યવસ્થા

સેઇફ ડિપોઝીટ વોલ્ટની બહાર ૨૪ કલાક બંદુકધારી સિકયુરિટી ગાર્ડ હોય છે. વોલ્ટમાં ગરોળી તો ઠીક પરંતુ માખી પણ જઇ શકતી નથી. વોલ્ટમાં ચારેય દિશામાં અને ખૂણામાં સીસીટીવી કેમેરાથી સજ્જ હોય છે અને સેઇફ વોલ્ટના માલિકના મોબાઇલ સાથે એલાર્મ સિસ્ટમ કનેકટ હોય છે. બીજી મહત્ત્વની બાબત એ  છે કે વોલ્ટને તોડવાનો કે ચોરીનો પ્રયાસ કરવામાં આવે તો તેમાં એક ચોક્કસ પ્રકારનો ગેસ હોય છે જે બહાર નીકળતા આગ લાગે છે. ઉપરાંત વોલ્ટ માલિક દ્વારા તેનો ઇન્સ્યુરન્સ પણ લેવામાં આવે છે.

 

હીરા ઉદ્યોગ માટે આંગડિયા અને સેઇફ વોલ્ટ પર્યાય બની ગયા છે

જીજેઇપીસી (જેમ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) ના દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે કો-ઓપરેટીવ બેંક અને ખાનગી બેંકના સમય કરતા વોલ્ટનો સમય હીરા ઉદ્યોગકારો માટે યોગ્ય છે. ઉપરાંત હીરા  વેપારી કે દલાલને બેંક સુધી જવું પડતું નથી અને ધંધાના સ્થળ નજીક સુવિધા મળે છે. જેથી એમ કહી શકાય કે જે રીતે આંગડિયા આર્થિક વ્યવહાર માટે આર્શીવાદ છે તેવી જ રીતે સેઇફ વોલ્ટ પણ એક પર્યાય બની ગયા છે.

  

Gujarat