ઓટો શેરોમાં ફંડોની પૂરપાટ તેજી : સેન્સેક્સમાં આરંભિક ઉછાળો અંતે 37 પોઈન્ટ નીવડી 60978

Updated: Jan 24th, 2023


કોર્પોરેટ પરિણામો પાછળ લોકલ ફંડોની શેરોમાં અવિરત ખરીદી

નિફટી સ્પોટ 18118 સ્થિર : આઈટી-સોફટવેર શેરોમાં સતત પસંદગીની તેજી FII/FPIsની રૂ.760 કરોડની ચોખ્ખી વેચવાલી

મુંબઈ: કોર્પોરેટ પરિણામોની ત્રીજા ત્રિમાસિકની સીઝનમાં ઓટોમોબાઈલ જાયન્ટ મારૂતી સુઝુકી સહિતના પ્રોત્સાહક પરિણામોએ ઓટો શેરોની આગેવાનીમાં ફંડોએ પૂરપાટ તેજી કરીને બજારને પોઝિટીવ ઝોનમાં રાખ્યું હતું. 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અવિરત ખરીદી કરતાં રહી આજે ઓટો શેરો સાથે પસંદગીના આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં વેલ્યુબાઈંગ વધારતાં અને એચડીએફસી ટ્વિન્સ શેરોમાં ખરીદી કરીને તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું. અલબત અમેરિકી ડોલર સામે રૂપિયો ૩૩ પૈસા નબળો પડીને ૮૧.૭૨ થઈ જતાં આજે ફરી સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ અન્ય બેંકિંગ શેરો તેમ જ લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ સહિતના શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં ઈન્ડેક્સ બેઝડ આરંભિક ઉછાળો અંતે ધોવાયો હતો.  સેન્સેક્સ આરંભિક ૩૨૪.૩૯ પોઈન્ટના ઉછાળા બાદ અંતે ૩૭.૦૮ પોઈન્ટ વધીને ૬૦૯૭૮.૭૫ અને નિફટી સ્પોટ આરંભમાં ૮૨.૭૦ પોઈન્ટના ઉછાળા બાદ અંતે ૦.૨૫ પોઈન્ટ ઘટીને ૧૮૧૧૮.૩૦ સ્થિર બંધ રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય મોરચે ફરી અમેરિકા અને ચાઈના વચ્ચે ઈરાનથી ઓઈલ ખરીદવા મુદ્દે અને રશીયા સાથે સહયોગ મામલે ઘર્ષણથી જીઓપોલિટીકલ ટેન્શનની શકયતા છતાં એશીયાના બજારોમાં લુનાર નવા વર્ષને  લઈ ચાઈનાના બજારો બંધ રહ્યા સામે જાપાનના ટોકયો શેર બજારમાં પોઝિટીવ પરિબળે રિકવરી જોવાઈ હતી. યુરોપના બજારોમાં સાધારણ નરમાઈ રહી હતી.


    Sports

    RECENT NEWS