For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણી પરિણામના પગલે શેરબજારમાં ૫થી ૧૫ ટકા સુધીની વોલેટાલિટી જોવાશે

- આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે

- એકંદરે ચૂંટણીના પરિણામની બજાર પર ટૂંકા ગાળાની અસર જોવાશે : અન્ય પ્રતિકૂળ મુદ્દાઓની બજાર પર ગંભીર અસર થયેલી છે

Updated: May 22nd, 2019

Article Content Imageઅમદાવાદ, તા. 22 મે, 2019, બુધવાર

આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત થવાની છે ત્યારે શેરબજાર સાથે સંકળાયેલ સહુ કોઈની નજર પરિણામની સાથોસાથ બજાર પર મંડાયેલી છે. જો કે, હાલની એન.ડી.એ. સરકાર પુન: સરકાર રચશે તેવા આશાવાદ પાછળ બજાર અગાઉથી જ ઉંચકાઈ ચૂક્યું છે અને નવી ટોચ પણ રચી દીધી છે. આમ છતાં ય, આવતીકાલે પરિણામની જાહેરાત વખતે વિવિધ પક્ષો દ્વારા બેઠકોમાં વિજયની ચઢ-ઉતરની સાથે બજારમાં પણ ભારે વોલેટાલિટીનો માહોલ ઉદ્ભવશે તેમ બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું.

બે માસ પહેલા જ્યારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ત્યાર બાદ હાલની એનડીએ સરકાર પુન: સત્તા હાંસલ કરશે તેવા પ્રબળ આશાવાદના કારણે વિદેશી સંસ્થાઓ દ્વારા મોટા પાયે નવી લેવાલી હાથ ધરાતા સેન્સેક્સે ૩૯૦૦૦ની સપાટી કુદાવી નવી ઉંચી સપાટી હાંસલ કરી હતી. જો કે, મે માસના પ્રારંભ બાદ આ આશાવાદ થોડો નબળો પડતા તેમજ વૈશ્વિક સ્તરે ટ્રેડવોર તેમજ ક્રૂડની ઉછળકૂદ સહિતના અન્ય પ્રતિકૂળ પરિબળો પાછળ બજાર ઉંધા માથે પટકાયું હતું. 

પરંતુ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએ સરકાર રચશે તેવો મત વ્યક્ત કરાતા બજારની મંદીની ચાલમાં રૂકાવટ આવવા સાથે તે ઝડપથી બાઉન્સબેક થઈ પુન: નવી ઊંચી સપાટી તરફ પ્રયાણ કર્યું છે. જોકે, આમ છતાં ય બજારમાં ધરેલું સંસ્થાઓ અને નાના રોકાણકારોનો નાણાં પ્રવાહ નબળો રહ્યો હતો. તમામ વર્ગના રોકાણકારો ચૂંટણીના અંતિમ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. કારણ કે આ મહત્ત્વની રાજકીય ઘટનાથી બજારને ટૂંકા ગાળાથી લઈને મધ્યમ ગાળા સુધી અસર થશે.

જો ચૂંટણીના રિઝલ્ટ બાદ સ્પષ્ટ અને મજબૂત બહુમતી સાથે સરકારની રચના થશે તો બજારમાં હકારાત્મક પ્રતિક્રિયા આવશે તથા એફઆઇઆઇ અને ઘરેલુ સંસ્થાઓના ઉંચા નાણાં પ્રવાહને કારણે પ્રિ-ઇલેક્શન તેજી આગળ વધશે. એફઆઇઆઇ પણ ચૂંટણીની અંતિમ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે અને તેઓ પરિણામ ૂબાદ ભારતમાં વધુ રોકાણ કરવા માગે છે. આ ઉપરાંત કોર્પોરેટ અર્નિંગ અને આર્થિક વૃદ્ધિના અભાવને કારણે ઉંચા વેલ્યુએશનથી પણ બજારના દેખાવને અસર થઈ છે.

સાદી બહુમતીના કિસ્સમાં બજારની પ્રતિક્રિયા ટૂંકા ગાળા માટે ન્યુટ્રલથી લઈને થોડી નેગેટીવ રહેવાની ધારણા છે એનું કારણ એ છે કે બજારે આ સંભાવનાને ડિસ્કાઉન્ટ કરી દીધી છે અને તાજેતરના આર્થિક ડેટા નબળા રહ્યા છે. તેનાથી બજારને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે વધુ બેથી ચાર મહિનાનો સમય લાગશે.

ચોથા ક્વાર્ટરની રિઝલ્ટ સિઝનનો પ્રારંભ નબળો થયો છે. તે ધારણા કરતા થોડા નીચા રહ્યાં છે અને તેનાથી અર્નિંગમાં વધુ ડાઉનગ્રેડ અને વેલ્યુએશન ડિ-રેટિંગની શક્યતા વધી છે. આ તમામ પરિબળો ચૂંટણીના રિઝલ્ટ બાદ બજારના મોમેન્ટમને અસર કરશે અને થોડું કોન્સોલિડેશન થશે.

સૌથી ખરાબ સ્થિતિનું નબળું ગઠબંધન છે ચૂંટણી પહેલાના સરવેમાં આવી શક્યતા હોવાનો સંકેત મળ્યો નથી નબળા ગઠબંધનના કિસ્સામાં બજારની પ્રતિક્રિયા નકારાત્મક હશે અને ટૂંક ગાળામાં બજારમાં નોંઘપાત્ર કોન્સોલિડેશન થશે ચૂંટણી પહેલાની તેજી ચાલુ રહેશે કે નહીં તેનો આધાર સરકારની મજબૂતાઈ અને આર્થિક વૃદ્ધિના પ્રારંભ પર રહેશે. એકંદરે ચૂંટણીના રિઝલ્ટની અસર બજારમાં ટૂંકા ગાળાની રહી શકે છે. તેનાથી બજારમાં ૫થી ૧૫ ટકા સુધીનો વધારો કે ઘટાડો થઈ શકે છે.

Gujarat