For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નાણાં વર્ષ 2018-19ના અંતે ડીસ્કોમ્સે વીજ ઉત્પાદકોને રૂ.38000 કરોડ ચૂકવવાના બાકી

- બિલ પેટેના નાણાં નહીં આવતા વીજ કંપનીઓ પણ મુશ્કેલીમાં

Updated: May 22nd, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ (ડીસ્કોમ્સે) નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના અંતે વીજ ઉત્પાદક કંપનીઓને રૂપિયા ૩૮૦૨૩ કરોડ ચૂકવવાના બાકી હતા, જે વાર્ષિક ધોરણે ૫૯.૮૦ ટકા વધુ છે. આમાંથી ૬૫ ટકા રકમ એવી છે જે ૬૦ દિવસ કરતા વધુ દિવસ માટે બાકી છે. 

૪૦ ગીગા વોટસની સંયુકત ક્ષમતા સાથેની વીજ ઉત્પાદક કંપનીઓ હાલમાં તાણ હેઠળ છે ત્યારે આ ચૂકવણી કરવાની બાકી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી વીજની માગમાં વૃદ્ધિ મંદ રહેતા ઉદ્યોગો પર તેની પણ અસર જોવાઈ રહી છે. 

કોલ ઈન્ડિયા કોલસો પૂરો પાડવાની તેની જવાબદારી પૂરી કરી નહીૅ શકતા વીજ ઉત્પાદક કંપનીઓએ પોતાની કોલસાની આવશ્યકતા પરિપૂર્ણ કરવા અન્ય સ્રોતો તરફ નજર દોડાવવાની ફરજ પડી હતી, તેને કારણે તેમણે ભોગવવા પડેલા વધારાના ખર્ચ વળતર તરીકે મેળવવા સેન્ટ્રલ ઈલેકટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને મંજુરી આપતા વીજ ઉત્પાદક કંપનીઓ બીજા રૂપિયા ૧૫૦૦૦ કરોડના બિલ્સ જારી કરવાની તૈયારીમાં છે. 

વીજ ઉત્પાદક કંપનીઓને ડીસ્કોમ્સ દ્વારા નાણાંની ચૂકવણી બાકી રહેતા આ કંપનીઓ તાણ હેઠળ આવી ગયાનું પણ જોવા મળે છે. નાણાં વર્ષ ૨૦૧૯ના પરિણામોમાં નોંધપાત્ર એકત્રિત ખોટ દર્શાવી છે. 

પરંપરાગત વીજ ઉત્પાદકો ઉપરાંત રિન્યુએબલ વીજ ઉત્પાદકોને પણ ડીસ્કોમ્સ પાસેથી  બિલ્સ પેટેના નાણાં મેળવવામાં મુશકેલી પડી રહી છે. તામિલનાડૂ, આન્ધ્ર તથા તેલંગણા જે સૌર તથા પવન ઉર્જાના ૩૫ ટકા  જેટલા પ્લાન્ટસ ધરાવે છે ત્યાંની ડીસ્કોમ્સ બિલ્સની ચૂકવણીમાં ઘણી જ બેદરકાર રહી છે. 


Gujarat