શેર બજારમાં કડાકો છતાં કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાયો

Updated: Jan 25th, 2023


અમેરિકામાં બિઝનેસ એક્ટીવીટીમાં સતત સાતમાં મહિને ઘટાડા થતાં ખેલાડીઓમાં આશ્ચર્ય

ઓસ્ટ્રેલીયામાં ફુગાવો વધતાં વિશ્વ બજારમાં અમેરિકન ડોલર સામે ઓસ્ટ્રેલીયન ડોલરના ભાવ ઉછળી પાંચ મહિનાની ટોચે પહોંચ્યો

મુંબઇ: મુંબઇ કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં ડોલરના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. શેરબજારમાં આજે ઝડપી કડાકો બોલાવા છતાં કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂા. ૮૧.૭૧ વાળા આજે સવારે રૂા. ૮૧.૬૧ ખુલી ઉંચામાં ભાવ રૂા. ૮૧.૭૭ થયા પછી નીચામાં ભાવ રૂા. ૮૧.૪૯ થઇ રૂા. ૮૧.૫૯ રહ્યા હતા. રૂપિયો આજે ૧૩ પૈસા ઉંચકાયો હતો. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૨.૦૭ રહ્યા પછી નીચામાં ૧૦૧.૭૮ થઇ રૂા. ૧૦૧.૯૬ રહ્યાના નિર્દેશો હતા.

 વિશ્વ બજારના સમાચાર મુજબ ઓસ્ટ્રેલીયામાં ફુગાવાનો દર ઉંચો આવતાં ત્યાં વ્યાજદરમાં વધુ વૃદ્ધિ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક સ્તરે અમેરિકન ડોલર સામે ઓસ્ટ્રેલીયન ડોલર ઉછળી પાંચ મહિનાની ટોચે પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. તથા તેની અસર મુંબઇ કરન્સી બજાર પર પણ જોવા મળી હતી. જો કે વિશ્વબજારમાં આજે ન્યુઝીલેન્ડના ડોલરના ભાવ ઘટાડા પર રહ્યા હતા. અમેરિકન ડોલર સામે યુરોપીયન કરન્સી યુરોના ભાવ નવ મહિનાની ટોચે ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. અમેરિકામાં બિઝનેસ એક્ટીવીટીનો ઇન્ડેક્સ સતત સાત મહિનાથી નીચો ઉતરતો આ મહિને પણ જોવા મળ્યો હતો.

દરમિયાન, મુંબઇ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે  બ્રિટીશ પાઉન્ડના ભાવ ૩૬ પૈસા તૂટયા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂા. ૧૦૦.૪૧ થઇ એજ મથાળે બંધ રહ્યા હતા. જો કે રૂપિયા સામે આજે યુરોપીયન યુરોના ભાવ ત્રણ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ વધી રૂા. ૮૯.૧૭ થઇ રૂા. ૮૮.૭૮ રહ્યા હતા. રૂપિયા સામે  જાપાનની કરન્સી આજે ૦.૩૦ ટકા પ્લેસમાં રહી હતી. ચીનની કરન્સી જો કે રૂપિયા સામે ૦.૦૯ ટકા નરમ રહી હોવાનું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું. 

ફોરેક્સ રેટ

(રૃપિયામાં)

 

ડોલર

-૧૩ પૈસા

૮૧.૫૯

પાઉન્ડ

-૩૬ પૈસા

૧૦૦.૪૧

યુરો

+૦૩ પૈસા

૮૮.૭૮


    Sports

    RECENT NEWS