Get The App

નોટબંધી કાયદેસર છે, હવેે દર વર્ષે કરો .

Updated: Jan 8th, 2023

GS TEAM


Google News
Google News
નોટબંધી કાયદેસર છે, હવેે દર વર્ષે કરો                            . 1 - image


- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- આખો દેશ નવરા બેઠા દીપિકાની બિકીનીના રંગની પંચાત કરે એના કરતાં એટીએમ બહાર લાઈનોમાં લાગે એ શું ખોટું છે 

નોટબંધી બિલકુલ કાયદેસર હતી એવો ચુકાદો હવે આવી ચૂક્યો છે તો પછી આવું કાયદેસર કામ લાઈફમાં એક જ વાર શું કામ થવું જોઈએ ? આજકાલ વ્હોટસએપનો દેશના ઇતિહાસને લગતો ફોરવર્ડ મેસેજ એક કલાકમાં અને ફેસબૂક પર મુકાયેલી કવિતા ચાર કલાકમાં વાસી થઈ જાય છે તો આપણે છેક ૨૦૧૬માં છપાયેલી નોટો હજુ પણ વાપર્યા કરીએ એ તે કેવી કાયદેસરતા ? 

જેમ સ્ટુડન્ટસની સ્કૂલની નોટ્સ દર વર્ષે બદલાઈ જાય છે તેમ દેશની સમગ્ર નોટ પણ દર વર્ષે બદલાઈ જવી જોઈએ. હવે મોબાઈલના જમાનામાં બહુ કેલેન્ડર અને ડાયરીઓ છાપવાનાં રહ્યાં નથી તો દર વર્ષે પહેલી જાન્યુઆરીએ નવી નોટો બહાર પાડવામાં શું ખોટું ? 

પહેલી જાન્યુઆરીનાં ખ્રિસ્તી નવાં વર્ષને આટલું બધું માન ના આપવું હોય તો ઉત્તરાયણ કે હોળીના દિવસે નવી નોટો બહાર પાડો, કાંઈ વાંધો નહીં ! દર ઉત્તરાયણે આગલાં વર્ષની નોટોના બનેલા પતંગ જ બધાએ ફરજિયાત ચગાવી દેવાના એવો કાયદો આવે તો પણ કાંઈ ખોટું નહીં. ઘરે ઘરે જૂની નોટોના પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરુ થશે. પછી ઈન્કમટેક્સ ખાતું પણ ધાબે ધાબે નજર રાખી શકશે કે કયાં ધાબેથી ગુલાબી રંગની બે હજારની નોટના ઝાઝા પતંગ ઊડે છે અને કયાં મુફલિસ ધાબાંવાળા હજુ પણ ક્યાંકથી પાંચ રુપિયાની જૂની નોટો ગોતીને લીલા પતંગ ઊડાડે છે. 

નોટબંધી માટે દેશ કલાકો સુધી લાઈનમાં ઊભો રહેતો હતો ત્યારે એક દલીલ એવી થતી હતી કે દેશમાંથી બ્લેક મની નાબૂદ થાય અને દેશની આર્થિક પ્રગતિ થાય એના માટે શું તમે આટલો ભોગ ના આપી શકો? તો સવાલ એ છે કે હવેનોટબંધી કાયદેસર સાબિત થયા પછી દેશ માટે આટલો પણ ભ ોગ આપવાનો અવસર લાઈફટાઈમ એક જ ચાન્સ શા માટે હોવો જોઈએ. આ મોકો દર વર્ષે સમગ્ર દેશને મળવો જોઈએ. જો આવું બનશે તો દેશને નોટબદલીનો એક નવો રાષ્ટ્રીય તહેવાર સાંપડશે. ખાસ વાત એ કે આ એવો રાષ્ટ્રીય તહેવાર હશે જ્યારે દેશવાસીઓ રજા રાખીને આમતેમ ફરવા નહીં જાય પણ બેન્કોની બહાર ઊભા રહેવાના ધંધે લાગી જશે. આમેય અત્યારે આખો દેશ ઘેરબેઠાં દીપિકાની બિકીનાની રંગની પંચાત કર્યા કરે એનાકરતાં એટીએમ બહાર નોટો લેવા લાઈનોમાં ઊભા રહેવાની પ્રવૃત્તિ કરે તો એવી બીજી કેટલીય ખોટી પંચાતો બંધ થઈ જશે. 

ફાટેલી અને બનાવટી નોટોની નાબૂદી, કાળાં નાણાંની નાબૂદી, ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન વગેરે વગેરે સરકારને નોટબંધી કરતી વખતે પણ ખબર ન હતા, પણ પાછલા મહિનાઓમાં ખબર પડયા હતા. એવા બધા ફાયદા આપણે વર્ષોવર્ષ કાયદેસર રીતે લેવા જોઈએ કે નહીં ? જો આપણે દર દિવાળીએ ( અને દર દિવાળીએ જ ) ઘરનાં બાવાં જાળાં દૂર કરી શકતાં હોઈએ તો દર વર્ષે નોટબંધી દ્વારા બ્લેક મની કેમ દૂર ના કરીએ ? 

અત્યારે મોટીવેશનલ સ્પીકરો એવાં ભાષણ ઠોક્યા કરે છે કે પૈસો હાથનો મેલ છે પણ નોટબંધી વાર્ષિક ઉત્સવ જેવી બની જશે પછી તેઓ વધુ ચોકસાઈથી કહી શકશે કે પૈસો હાથનો મેલ છે, પરંતુ કોઈપણ નવી નોટ એક જ વર્ષનો ખેલ છે. 

- સ્માઈલ ટીપ

ચૂંટણીઓમાં કેટલાક ખોટા સિક્કા પણ ચૂંટાઈ જાય છે તેને બદલે દર વર્ષે નવી નોટના રંગ માટે પણ મતદાન થઈ શકે. આપનો કિંમતી અને પવિત્ર મત પીળા રંગની પંદરસોની નોટને આપો!


Tags :