For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવ ટ્રેડીંગ સત્ર, સેન્સેક્સમાં 3426 પોઈન્ટનો કડાકો, રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

Updated: Sep 26th, 2022

Article Content Image

અમદાવાદ તા. 26 સપ્ટેમ્બર 2022,સોમવાર

વૈશ્વિક અર્થતંત્રમાં જોવા મળી રહેલા ફેરફાર, મોંઘવારી અને ઊંચા વ્યાજ દરના પડકારો વચ્ચે ભારતીય અર્થતંત્ર અને શેરબજાર બાકાત રહેશે એવી આગાહી ખોટી પડી રહી છે. આજે સેન્સેક્સ ૯૫૩ પોઈન્ટ ઘટી ૫૭,૧૪૫ અને નિફ્ટી ૩૧૧ પોઈન્ટ ઘટી ૧૭,૦૧૬ની સપાટીએ બંધ રહ્યા હતા. સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી જોવા મળી હતી. 

જોકે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ સેન્સેક્સ ૬૦,૫૭૧ અને નિફ્ટી ૧૮,૦૭૦ની ઉંચી સપાટીએ પહોંચ્યા પછી સતત વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારથી આજ સુધીના નવ ટ્રેડીંગ સત્રમાં સેન્સેક્સ ૫.૬૫ ટકા કે ૩૪૨૬ અને નિફ્ટી ૫.૮૩ ટકા કે ૧૦૫૪ પોઈન્ટ ઘટી બંધ આવ્યા છે. આ ઘટાડાની સાથે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૫૯ લાખ કરોડનો જંગી ઘટાડો જોવા મળ્યો છે. તા ૧૩ સપ્ટેમ્બરે બજાર બંધ રહી ત્યારે રોકાણકારોની સંપત્તિ કે માર્કેટ કેપ રૂ. ૨૮૬ લાખ કરોડ હતું જે આજે ઘટી હવે રૂ.૨૭૦.લાખ કરોડ થઇ ગયું છે. 

અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા ૪૦ વર્ષની સૌથી વધુ મોંઘવારી દૂર કરવા માટે માર્ચ મહિનાથી સતત વ્યાજના દર વધારવામાં આવી રહ્યા છે. ગત સપ્તાહે વધુ ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત પછી પણ વ્યાજનો દર વધવાનું ચાલુ રહેશે એવો સંકેત આપ્યો હતો. ફેડરલ રિઝર્વના ચેરમેન જણાવે છે કે વ્યાજના દર વધવાથી મંદીના જોખમ કરતા મોંઘવારીના કારણે ગ્રાહકો ઉપર જે અસર પડી રહી છે તે વધારે જોખમી છે અને આ સંજોગોમાં મોઘવારી ડામવી જ સૌથી મોટી પ્રાથમિકતા હોવી જોઈએ. 

ગત સપ્તાહ દરમિયાન વિશ્વની આઠ જેટલી સેન્ટ્રલ બેંકોએ પોતાના અર્થતંત્રમાં વ્યાજ દરના વધારાની જાહેરાત કરી હતી. તા.૩૦ સપ્ટેમ્બરે ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા પણ વ્યાજ દરમાં ૦.૫૦ ટકાનો વધારો કરે એવી શક્યતા છે. 

વ્યાજના દર વધવાથી, નાણા પ્રવાહિતા ઘટવાથી લોકોની ખરીદી ઉપર અને અર્થતંત્ર ઉપર અસર પડશે એવી ધારણા છે. એવી ધારણા પણ કરવામાં આવી રહી છે કે ઊંચા વ્યાજ દરના કારણે અર્થતંત્ર મંદીમાં સરી પડશે. આ મંદીની દહેશતથી વિવિધ કોમોડિટીઝના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રુડ ઓઈલ ૧૧૦ ડોલરની બદલે હવે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ના સૌથી નીચી સપાટી ૮૫ ડોલર પ્રતિ બેરલ મળી રહ્યું છે. કોપરના ભાવ એક જ મહિનામાં ૮.૨૫ ટકા, એલ્યુમિનીયમ ૧૨ ટકા, ઝીંક ૧૭ ટકા જેટલા ઘટી ગયા છે. 

મંદીની ચિંતા અને વધી રહેલા વ્યાજના દરના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં ભારે રીકવરી જોવા મળી હતી. સતત વેચાણ કરી રહેલા વિદેશી ફંડ્સની રૂ.૨૨,૧૦૦ કરોડની ખરીદીનો બજારને ટેકો મળ્યો હતો પણ સપ્ટેમ્બરમાં ફરી વિદેશી ફંડ્સનું વેચાણ જોવા મળી રહ્યું છે. ચાલુ મહિનામાં વિદેશી ફંડ્સની હવે રૂ.૨,૪૪૫ કરોડની વેચવાલી છે. બજારમાં આ રીતે ભારે વેચવાલી ડોલરના વધી રહેલા ભાવ અને ભારતીય રૂપિયો ૮૧.૬૩ની ઐતિહાસિક નીચી સપાટીએ છે તેની ચિંતા વચ્ચે ભારતીય બજારમાં પણ ધોવાણ જોવા મળી રહ્યું છે.

Gujarat