For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રુડમાં ભડકો : બ્રેન્ટ 71.95 ડોલર: રૂપિયો 68 પૈસા તૂટીને 71.59 : સેન્સેક્સ 262 પોઈન્ટ ઘટીને 37123

- નિફટી 72 પોઈન્ટ ઘટીને 11003: FPIs/FIIની કેશમાં રૂ.751 કરોડની વેચવાલી, DIIની કેશમાં રૂ.309 કરોડની ખરીદી

- ઓઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરોમાં ધોવાણ

Updated: Sep 16th, 2019

Article Content Imageમુંબઈ, તા. 16 સપ્ટેમ્બર 2019, સોમવાર

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ભારતના લંગડાતા જતાં અર્થતંત્રની બેઠું કરવાના રહી રહીને કરેલા પ્રયાસો જાણે કે એળે જઈ રહ્યા હોઈ એમ ગત સપ્તાહના અંતે ત્રીજી વખત ઉદ્યોગો-કોર્પોરેટ ઈન્ડિયા, બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્ર માટે રાહતો-પ્રોત્સાહનો તરીકે નિકાસો માટે રૂ.૫૦,૦૦૦ કરોડ અને બંધ પડેલા હાઉસીંગ પ્રોજેકટોને પૂર્ણ કરવા રૂ.૨૦,૦૦૦ કરોડના પેકેજ જાહેર કર્યા છતાં આ પેકેજ અપર્યાપ્ત હોવાના અને ઉદ્યોગો-કોર્પોરેટ ઈન્ડિયાએ દિલ માંગે મોર માગણી કાયમ રાખતાં અને આંતરરાષ્ટ્રીય મોરચે સાઉદી અરેબિયાની ઓઈલ જાયન્ટ અરામકોની સવલતો પર ડ્રોન દ્વારા હુમલાના કારણે વિશ્વનો દૈનિક જંગી ઓઈલ પુરવઠો અટકી પડતાં અને આ મામલે ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના ભણકારાં વચ્ચે આજે વૈશ્વિક બજારો ઘટી આવતાં ભારતીય શેર બજારોમાં ફંડોએ ફરી ઓફલોડિંગ કર્યું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી સાઉદીની દુર્ઘટનાના કારણે ભડકો થઈ બ્રેન્ટ બેરલ દીઠ ઈન્ટ્રા-ડે ફયુચરમાં ૭૧.૯૫ ડોલર સુધી જઈ સાંજે ૫.૩૪ ડોલર વધીને ૬૫.૫૬ ડોલર થઈ જતાં આયાત પર નિર્ભર ભારતને મોટો ફટકો પડવાના સ્પષ્ટ સંકેતે અને તાજેતરમાં રૂપિયા સામે અમેરિકી ડોલર પણ સતત મોંઘો બનતાં નેગેટીવ અસરે આજે ફોરેન ફંડોની શેરોમાં મોટી વેચવાલી થઈ હતી. અલબત એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. ઓઈલ-ગેસ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની વેચવાલીએ સેન્સેક્સ ૨૬૧.૬૮ પોઈન્ટ ઘટીને ૩૭૧૨૩.૩૧ અને નિફટી સ્પોટ ૭૨.૪૦ પોઈન્ટ ઘટીને ૧૧૦૦૩.૫૦ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભથી જ ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં ધોવાણે ૩૭૦૨૮ સુધી પટકાઈ અંતે ૨૬૨ પોઈન્ટ ઘટીને ૩૭૧૨૩

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈએ થઈ હતી. નાણા પ્રધાનના આર્થિક પેકેજ સામે સાઉદી મામલે ક્રુડ ઓઈલના ભાવ ઉછળી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસીમાં મજબૂતી સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં ઓફલોડિંગ થતાં અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એચડીએફસી લિમિટેડ, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સીસ બેંક સહિતમાં વેચવાલી થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી સહિતમાં ઓફલોડિંગ અને લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં નરમાઈએ સેન્સેક્સ એક તબક્કે નીચામાં ૩૭૦૨૮.૯૪ સુધી આવી જઈ અંતે ૨૬૧.૬૮ પોઈન્ટ ઘટીને ૩૭૧૨૩.૩૧ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૧૦૦૦ની સપાટી અકબંધ રહી : ઈન્ટ્રા-ડે નીચામાં ૧૦૯૬૮ સુધી આવી અંતે ૭૨ પોઈન્ટ ઘટીને ૧૧૦૦૩

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૦૭૫.૯૦ સામે ૧૧૯૯૪.૮૫ મથાળે ખુલીને આરંભથી જ ઓઈલ-ગેસ શેરોમાં ઓએનજીસીમાં તેજી સામે ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં બીપીસીએલ, આઈઓસીમાં વેચવાલી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઓફલોડિંગે અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક સહિતમાં વેચવાલીએ તેમ જ ઓટો શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી, બજાજ ઓટો સહિતમાં ઓફલોડિંગ થતાં અને ઝી એન્ટરટેઈન્મેન્ટ, ટાટા સ્ટીલ, એશીયન પેઈન્ટસ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી ઈન્ફ્રાટેલ સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૦૯૬૮.૨૦ સુધી આવી અંતે ૭૨.૪૦ પોઈન્ટ ઘટીને ૧૧૦૦૩.૫૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૧,૧૦૦નો કોલ ૬૨.૪૫ થી ઘટીને ૨૪.૫૫ : નિફટી ૧૧,૦૦૦નો પુટ ૨૯.૬૦ થી વધીને ૫૮

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ  તેજીનો વેપાર હળવો કરતાં નરમાઈ જોવાઈ હતી. નિફટી ૧૧,૧૦૦નો કોલ ૪,૫૫,૨૩૧ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૦૧૦.૩૪ કરોડના કામકાજે ૬૨.૪૫ સામે ૨૫.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૫૪.૯૫ થઈ તૂટીને ૨૦.૧૦ સુધી આવી અંતે ૨૪.૫૫ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો પુટ ૪,૫૮,૨૨૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૮,૦૦૪.૭૫ કરોડના કામકાજે ૨૯.૬૦ સામે ૬૫.૩૫ મથાળે ખુલીને નીચામાં ૩૮.૬૫ થઈ વધીને ૮૧.૪૦ સુધી પહોંચી અંતે ૫૮ રહ્યો હતો. નિફટી ૧૧,૦૦૦નો કોલ ૩,૬૦,૭૦૭ કોન્ટ્રેકટસમાં રૂ.૨૯,૯૫૮ કરોડના કામકાજે ૧૨૩.૫૦ સામે ૯૯.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૯.૭૦ થઈ તૂટીને ૫૬ સુધી આવી અંતે ૬૨.૩૫ રહ્યો હતો. નિફટી ૧૧,૨૦૦નો કોલ ૩,૪૩,૬૫૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૮,૮૯૩.૪૧ કરોડના કામકાજે ૨૪.૧૦ સામે ૧૨.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૧.૭૫ થઈ ઘટીને ૫.૮૫ સુધી આવી અંતે ૬.૭૦ રહ્યો હતો.

બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૨૮,૧૬૩ થી ઘટીને ૨૭,૮૮૦ : નિફટી ફયુચર ૧૧,૧૦૫ થી ઘટીને ૧૧,૦૧૧

બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૧,૮૯,૨૩૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૫૭૪.૨૮ કરોડના કામકાજે ૨૮,૧૬૩.૮૫ સામે ૨૭,૮૦૧.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૮,૦૯૫ થઈ ઘટીને ૨૭,૮૦૧.૫૫ સુધી આવી અંતે ૨૭,૮૮૦ રહ્યો હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર ૧,૬૦,૪૬૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૩,૨૬૮.૮૧ કરોડના કામકાજે ૧૧,૧૦૫.૫૫ સામે ૧૧,૦૦૬.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૦૭૮.૯૦ થઈ ઘટીને ૧૦,૯૮૨.૪૦ સુધી આવી અંતે ૧૧,૦૧૧.૦૫ રહ્યો હતો. નિફટી ૧૦,૮૦૦નો પુટ ૬ સામે ૧૦.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૭.૪૦ થઈ ઘટીને ૭.૫૦ સુધી આવી અંતે ૯.૯૫ રહ્યો હતો. નિફટી ૧૧,૩૦૦નો કોલ ૬.૨૦ સામે ૪.૮૦ મથાળે ખુલીને ઉપરમાં ૫.૭૫ થઈ ઘટીને ૧.૨૫ સુધી આવી અંતે ૧.૩૫ રહ્યો હતો. નિફટી ૧૦,૮૦૦નો પુટ ૬ સામે ૧૦.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૭.૪૦ થઈ ઘટીને ૭.૫૦ સુધી આવી અંતે ૯.૯૫ રહ્યો હતો.

ક્રુડ બ્રેન્ટ ફયુચરમાં ૭૧.૯૫ થઈ ૬૬.૭૨ ડોલર : બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસી, રિલાયન્સ ઘટયા : ઓએનજીસી વધ્યો

સાઉદી અરેબિયાની અરામકોની ઓઈલ સવલતો પર ડ્રોન દ્વારા ગત શુક્રવારે થયેલા હુમલાથી વિશ્વને જંગી ઓઈલ પુરવઠો પૂરો પાડતી અરામકોનો પુરવઠો અટકતાં અને ઈરાન દ્વારા આ હુમલામાં સીધી સંડોવણી હોવાના અમેરિકાના આક્ષેપો વચ્ચે ઈરાને પણ પોતાની સંડોવણી નહીં હોવાની સ્પષ્ટતા કર્યા સાથે યુદ્ધ માટે ઈરાન તૈયાર હોવાનો વળતો પ્રહાર કરતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટ બેરલ દીઠ ફયુચરમાં ૭૧ ડોલરની સપાટી કુદાવી ઉપરમાં ૭૧.૯૫ ડોલર થઈ જઈ સાંજે ૬.૫૦ ડોલર વધીને ૬૬.૭૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૫.૭૧ ડોલર વધીને ૬૦.૫૬ ડોલર પહોંચી જતાં અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૬૮ પૈસા તૂટીને રૂ.૭૧.૫૯ થઈ જતાં ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં ફંડોનું ઓફલોડિંગ થયું હતું. બીપીસીએલ રૂ.૨૮.૮૦ ઘટીને રૂ.૩૮૦.૧૦,  એચપીસીએલ રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૨૫૫.૫૫, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૨૬.૨૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪.૭૫ ઘટીને રૂ.૧૨૧૦.૮૦, આઈઓસી રૂ.૧.૫૦ ઘટીને રૂ.૨૨૧.૩૦ રહ્યા હતા. જ્યારે ઓએનજીસી રૂ.૧.૮૦ વધીને રૂ.૧૩૦.૬૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૨૦ વધીને રૂ.૨૬૭.૮૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૨૫ વધીને રૂ.૩૩૩.૯૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૧૨૯.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૧૯.૬૮ પોઈન્ટ ઘટીને ૧૩૪૧૯.૬૬ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી : આરબીએલ બેંક, ઉજ્જિવન, ઈક્વિટાસ, સ્ટેટ બેંક, યશ બેંક, ફેડરલ, ઈન્ડસઈન્ડ ગબડયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની આજે ફરી વ્યાપક વેચવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૭૪.૧૩ પોઈન્ટ ઘટીને ૩૧૪૦૭.૦૨ બંધ રહ્યો હતો. આરબીએલ બેંક રૂ.૧૧.૨૫ ઘટીને રૂ.૩૫૯.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૦૫ ઘટીને રૂ.૨૮૪.૬૫, યશ બેંક રૂ.૧.૫૦ ઘટીને રૂ.૬૭.૧૦, ફેડરલ બેંક રૂ.૧.૪૫ ઘટીને રૂ.૮૫.૫૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૦૫ ઘટીને રૂ.૧૩૭૫.૫૦, કોટક બેંક રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૧૪૭૨.૬૦, એચડીએફસી બેંક રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૨૨૪૩.૧૫, એક્સીસ બેંક રૂ.૩.૧૫ ઘટીને રૂ.૬૭૧.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧.૩૦ ઘટીને રૂ.૪૧૧.૯૫, ઈક્વિટાસ રૂ.૧૫ તૂટીને રૂ.૧૦૨.૧૦, ઉજ્જિવન રૂ.૧૬.૭૦ ઘટીને રૂ.૩૦૪.૯૦, બિરલા મની રૂ.૧.૪૫ ઘટીને રૂ.૪૧.૬૫, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૮.૦૫ ઘટીને રૂ.૩૩૦.૭૫, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૬૫ ઘટીને રૂ.૭૨.૭૦, એચડીએફસી લિમિટેડ રૂ.૩૯.૩૫ ઘટીને રૂ.૨૦૪૬.૩૦, બજાજ હોલ્ડિંગ રૂ.૬૨ ઘટીને રૂ.૩૩૧૭.૧૦, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ રૂ.૬.૫૫ ઘટીને રૂ.૪૩૫.૨૦, એડલવેઈઝ રૂ.૧.૫૦ ઘટીને રૂ.૧૦૩.૪૫, ચૌલા ફિન રૂ.૨.૭૫ ઘટીને રૂ.૨૭૧.૯૦,બજાજ ફિનસર્વ રૂ.૧૦૪.૯૦ ઘટીને રૂ.૭૨૭૮.૯૫ રહ્યા હતા.

પેટ્રોલ, ડિઝલ મોંઘા બનશે : ઓટો કંપનીઓનું સંકટ વધશે : મહિન્દ્રા, અશોક, હીરો, એમઆરએફ, ટાટા મોટર્સ, મારૂતી ઘટયા

ઓટોમોબાઈલ ઉદ્યોગ પહેલા જ મંદ માંગના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, અને સરકાર દ્વારા વાહનો પરના જીએસટી દરમાં ઘટાડો નહીં કરાયા બાદ હવે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અરામકોની દુર્ઘટનાના કારણે વધી આવતાં પેટ્રોલ, ડિઝલના ભાવ વધવાની પૂરી શકયતા વચ્ચે વાહનોના વેચાણને વધુ ફટકો પડવાના એંધાણે આજે ઓટો શેરોમાં ઓફલોડિંગ થયું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૪.૦૫ ઘટીને રૂ.૫૩૭.૦૫, અશોક લેલેન્ડ ૯૫ પૈસા ઘટીને રૂ.૬૨.૪૫,  હીરો મોટોકોર્પ રૂ.૩૭ ઘટીને રૂ.૨૭૩૯.૫૫, એમઆરએફ રૂ.૬૧૮.૪૦ ઘટીને રૂ.૫૯,૪૭૬.૬૫,  ટીવીએસ મોટર રૂ.૩.૫૫ ઘટીને રૂ.૩૮૬.૭૦, ટાટા મોટર્સ રૂ.૧ ઘટીને રૂ.૧૨૮.૫૫, એકસાઈડ રૂ.૧.૦૫ ઘટીને રૂ.૧૮૦.૮૫, મારૂતી સુઝુકી રૂ.૩૭.૫૦ ઘટીને રૂ.૬૪૧૨.૩૦, બજાજ ઓટો રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૮૭૪.૧૦ રહ્યા હતા. 

એફએમસીજી શેરોમાં આકર્ષણ : જેકે એગ્રી, ધામપુર, દાલમિયા સુગર, ગોદરેજ કન્ઝ, રૂચી સોયા, ઈઆઈડી, બ્રિટાનીયા ઉછળ્યા

એફએમસીજી શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની વ્યાપક લેવાલી રહી હતી. જેકે એગ્રી રૂ.૧૦૯.૮૦ ઉછળીને રૂ.૬૫૮.૮૫, બીબીટીસી રૂ.૧૬૫.૯૫ વધીને રૂ.૧૧૭૦.૫, કોલગેટ પામોલીવ રૂ.૬૩.૩૫ વધીને રૂ.૧૩૧૫.૭૦, દાલમિયા સુગર રૂ.૩.૩૫ વધીને રૂ.૮૮.૮૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૬.૯૦ વધીને રૂ.૮૧૬.૨૫, રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝમાં પતંજલી દ્વારા રૂ.૩૪૩૮ કરોડનું ફંડ લાવીને કંપનીનું દેવું સેટલ કરવાનું જાહેર કરતાં શેરમાં વોલ્યુમ સાથે મોટી લેવાલીએ ૧૯ પૈસા વધીને રૂ.૫.૫૪, ગોદરેજ કન્ઝયુમર રૂ.૧૪.૭૫ વધીને રૂ.૬૩૭.૮૦, બલરામપુર ચીની રૂ.૩.૨૫ વધીને રૂ.૧૪૯.૯૫, ઈઆઈડી પેરી રૂ.૩.૫૦ વધીને રૂ.૧૭૦.૩૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૧૪૭.૧૦ વધીને રૂ.૧૨,૮૪૩.૪૫, બ્રિટાનીયા રૂ.૪૨.૦૫ વધીને રૂ.૨૭૧૭.૨૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, એચએનઆઈ ઈન્વેસ્ટરો ફરી સક્રિય લેવાલ : ૧૩૬૯ શેરો પોઝિટીવ : ૨૬૧ શેરોમાં તેજીની સર્કિટ

સેન્સેક્સ-નિફટી બેઝડ નરમાઈ છતાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેંલદાઓ ફરી સક્રિય લેવાલ રહેતાં આજે માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૯૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૩૬૯ અને ઘટનારની સંખ્યા ૧૧૫૦ રહી હતી. ૨૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૭૫૧કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૩૦૯કરોડની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-સોમવારે કેશમાં રૂ.૭૫૧.૨૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૦૬૭.૬૨કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૮૧૮.૮૮કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૦૮.૫૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૨૫૦૧.૯૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૧૯૩.૩૯કરોડની વેચવાલી થઈ હતી. 

Gujarat