For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રૂડ ઉછળી ૬૫ ડોલર વટાવી જતાં કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડયો

- વેપાર ખાદ્યમાં વૃદ્ધિ: અમેરિકામાં રિટેલ સેલ ગબડી નવ વર્ષના તળિયે:

- ઝવેરી બજારમાં સોના-ચાંદીમાં ઝડપી ઉછાળો

Updated: Feb 15th, 2019

Article Content Image(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,તા.15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

મુંબઈ ઝેવરી બજારમાં  આજે આંચકા પચાવી ભાવ ઝડપી ઉછળ્યા હતા વિશ્વ બજારના  સમાચાર કિંમતી ધાતુઓમાં  તેજી બતાવતા હતા.   ઘરઆંગણે કરન્સી  બજારમાં આજે   રૂપિયા સામે ડોલરના  ભાવમાં  આગેકૂચ  જળવાઈ હતી.   વિશ્વ બજારના જોકે  વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી   નીચા આવતાં  વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે    ફંડવાળા  ફરી લેવા આવ્યા હતા.  તેના પગલે  વિશ્વ બજારમાં  સોનાના ભાવ ઔંશના ઉછળી ઉંચામાં   ૧૩૧૯.૭૦  ડોલર થઈ સાંજે  ભાવ ૧૩૧૬.૮૦થી ૧૩૧૬.૯૦  ડોલર રહ્યા હતા.   

મુંબઈ કરન્સી બજારમાં જોકે   ડોલરના ભાવ રૂ.૭૧.૧૪ વાળા ૭૧.૨૩ ખુલી  ૭૧.૧૮ તથા ઉંચામાં  ભાવ ૭૧.૪૪  થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૭૧.૨૨ હતા. ડોલરના ભાવ આજે ૮ પૈસા  વધ્યા હતા.  

 બ્રિટીશ પાઉન્ડના ભાવ  ૪ પૈસા વધી રૂ.૯૧.૩૫ તથા યુરોના ભાવ ૯ પૈસા વધી  રૂ.૮૦.૩૨થી  ૮૦.૩૩ બંધ હતા.  વિશ્વ બજારમાં સોના-ચાંદી   વધતાં તથા   ઘરઆંગણે રૂપિયો   નબળો પડતાં  ઘરઆંગણે   કિંમતી ધાતુઓની  આયાત પડતર ઉંચી ગઈ છે  તેના પગલે  ઝવેરી બજારમાં  આજે ભાવમાં ખાસ્સો ઉછાળો આવ્યો હોવાનું જણાવ્યું હતું.

મુંબઈ બજારમાં  સોનાના ભાવ ૧૦ ગ્રામના  જીએસટી વગર રૂ.૩૨૮૬૫ વાળા રૂ.૩૩૨૦૦  તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૯૯૦  વાળા ૩૩૩૨૫ બંધ હતા.  જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા  ઉંચા હતા. મુંબઈ બજારમાં   ચાંદીના ભાવ કિલોના   ૯૯૯ના જીએસટી વગર  ૩૯૪૮૦ વાળા ૩૯૮૨૫ બંધ  રહ્યા પછી સાંજે ભાવ   રૂ.૩૯૭૦૦થી ૩૯૭૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૦૦ ઉંચા હતા.    વિશ્વ બજારમાં સોના પાછળ આજે   ચાંદીના ભાવ  ઔંશના વધી  ૧૫.૭૪ ડોલર થઈ સાંજે ભાવ  ૧૫.૬૬થી  ૧૫.૬૭ ડોલર હતા. અન્ય કિંમતી ધાતુઓ ઉછળી હતી.  

પ્લેટીનમના ભાવ વધી સાંજે ઔંશના ૭૯૦.૫૦થી  ૭૯૦.૬૦  ડોલર હતા.  પેલેડીયમના  ભાવ વધી  ૧૪૨૪.૧૦થી ૧૪૨૪.૦  ડોલર હતા.  સોના તથા પેલેડીયમનના ભાવ વચ્ચેનો   તફાવત નોંધપાત્ર વધી જતાં ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા.  અમેરિકામાં ફુગાવો ઘટયો  છે ઉપરાંત ત્યાં  બેરોજગારીના દાવાઓ  જોબલેસ કલેઈમ્સ  વધ્યા છે.

આ ઉપરાંત  ત્યાં રિટેલ  સેલના આંકડા પણ નબળા  આવ્યા છે. રિટેલ સેલ ઘટતાં  ૯ વર્ષનો રેકોર્ડ તૂટયાના વાવડ હતા.   આવા માહોલમાં  વિશ્વ બજારમાં  આજે  ડોલરના ભાવ વધ્યા મથાળેથી   નરમ હતા. ભારતમાં  જોકે વેપાર ખાદ્ય   ૧૩.૦૮  અબજ ડોલરથી  વધી ૧૪.૭૩    અબજ ડોલર થઈ જતાં  કરન્સી બજારમાં   રૂપિયો નબળો હતો. મોડી સાંજે  ડોલરના  ભાવ વધુ વધી ૭૧.૩૦  આસપાસ  બોલાયાનું જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવમાં  તેજી આગળ વધતાં   તેની અસર પણ  સોનાના ભાવ પર પડી છે.   ક્રૂડતેલના ભાવ ઉછળી બ્રેન્ટક્રૂડના    બેરલના  ૬૫ ડોલર  વટાવી ૬૫.૦૭થી ૬૫.૦૮  ડોલર હતા.  ન્યુયોર્કના   ભાવ વધી સાંજે  ૫૪.૮૭થી  ૫૪.૮૮ ડોલર હતા. ઓપેકના  દેશો  પછી હવે  રશિયાએ  ક્રૂડ ઓઈલનું  ઉત્પાદન  ઘટાડયાના સમાચાર હતા. રશિયાએ   ઉત્પાદનમાં  દૈનિક   આશરે   ૮થી ૯ લાખ બેરલ્સનો ઘટાડો કર્યો છે.   આ સપ્તાહમાં ક્રૂડના ભાવ   પાંચ ટકા વધ્યા છે.   ભૌવ ઉંચામાં  ૩ મહિનાની    ટોચને આંબી ગયા છે. જોકે  અમેરિકામાં   ઉત્પાદન વધ્યું છે.  એ જોતાં   ક્રૂડતેલની  તેજી ટકવાની  શક્યતા ઓછી  બતાવાઈ રહી છે.

Gujarat