For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આગામી બજેટમાં ગ્રામ્ય વિસ્તાર માટે વધુ નાણાં ફાળવવા માટે થતી વિચારણા

- ઊંચા ફુગાવા તથા મર્યાદિત રોજગાર ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે હાલમાં મોટા પડકાર સમાન મુદ્દો

Updated: Nov 23rd, 2022

Article Content Image

મુંબઈ : આગામી નાણાં વર્ષના બજેટમાં ગ્રામ્ય ખર્ચ માટેની જોગવાઈમાં પચાસ ટકા વધારો કરી તેને રૂપિયા બે ટ્રિલિયન રાખવા નાણાં મંત્રાલય વિચારી રહ્યું છે. રોજગાર નિર્માણ તથા પરવડી શકે તેવા ઘરો પૂરા પાડવાના હેતુ સાથે ગ્રામ્ય વિસ્તાર પાછળ સરકાર વધુ ખર્ચ કરવા યોજના ધરાવે છે. જો કે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પણ આ માટેનું એક કારણ હોઈ શકે છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ૧લી ફેબુ્રઆરીના રોજ બજેટ રજુ કરશે, જે લોકસભાની ચૂંટણી પહેલા તેમનું સંપૂર્ણ કક્ષાનું અંતિમ બજેટ હશે. 

વર્તમાન નાણાં વર્ષ માટે નાણાં પ્રધાને ગ્રામ વિકાસ મંત્રાલયને રૂપિયા ૧.૩૬ ટ્રિલિયનની ફાળવણી કરી છે, પરંતુ નાણાં વર્ષના અંત સુધીમાં ગ્રામ્ય વિકાસ પાછળ રૂપિયા ૧.૬૦ ટ્રિલિયનનો ખર્ચ થઈ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

ગ્રામ્ય વિસ્તાર માટેની રોજગાર બાંયધરી યોજના હેઠળ રોજગારની વધી રહેલી માગને પહોંચી વળવા સરકાર દ્વારા ખર્ચમાં વધારો થયો હોવાનું નાણાં મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

કોરોનાની અસરમાંથી બહાર આવેલા ભારતના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ફુગાવા તથા મર્યાદિત રોજગાર વિકલ્પનો સામનો કરી રહ્યા છે, જેને કારણે રોજગાર બાંયધરી યોજના હેઠળ રોજગાર મેળવવા વધુને વધુ લોકો નામ નોંધાવી રહ્યા છે. 

વર્તમાન નાણાં વર્ષમાં અત્યારસુધી દરેક મહિનામાં ગ્રામ્ય બેરોજગારીનો દર સાત ટકાથી ઉપર જ જોવા મળ્યો છે. ઓકટોબરમાં આ દર વધી ૮.૦૪ ટકા પહોંચી ગયો હોવાનું સેન્ટર ફોર મોનિટરિંંગ ઈન્ડિયન ઈકોનોમીના આંકડા જણાવે છે.  

Gujarat