16 લાખ કરોડ રૂપિયાનુ ઋણ લેવાની દિશામાં કેન્દ્ર સરકાર

Updated: Jan 23rd, 2023


- કોરોનાને કારણે ઊભી થયેલી સ્થિતિને હળવી કરવાના સરકારના પગલાંને કારણે  તાજેતરના વર્ષોમાં દેવામાં વધારો થયો છે

- 2024માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આગામી બજેટ વર્તમાન સરકારનું અંતિમ સંપૂર્ણ પ્રકારનું બજેટ હશે સરકાર લોકપ્રિય જાહેરાતો કરી શકે છે


મુંબઈ: 1લી એપ્રિલથી શરૂ થઈ રહેલા આગામી નાણાં વર્ષમાં ભારત સરકાર રૂપિયા 16 લાખ કરોડ ઉછીના ઊભા કરશે તેવી શકયતા જોવાઈ રહી છે. અર્થશાસ્ત્રીઓના હાથ ધરાયેલા એક  સર્વે પરથી આ ધારણાં આવી પડી હતી. માળખાકીય વિકાસ પાછળના ખર્ચ તથા રાજકોષિય શિસ્તતા આગામી બજેટની બે મુખ્ય અગ્રતાઓ હશે.

 કોરોનાને કારણે ઊભી થયેલી સ્થિતિને હળવી કરવાના સરકારના પગલાંને કારણે  તાજેતરના વર્ષોમાં દેવામાં વધારો થયો છે. 

૨૦૨૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આગામી બજેટ વર્તમાન સરકારનું અંતિમ સંપૂર્ણ પ્રકારનું બજેટ હશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા કેટલીક લોકપ્રિય જાહેરાતો આવી પડવાની પૂરી શકયતા છે. 

સૂચિત વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખતા સરકારની વેરા મારફતની આવકમાં ઘટાડો જોવા મળવાની ભીતિ છે, જેને કારણે સરકાર બોરોઈંગ ખર્ચ પર કાપ મૂકવાની સ્થિતિમાં નથી. 

વર્તમાન નાણાં વર્ષમાં   અંદાજિત રૂપિયા ૧૪.૨૦ લાખ કરોડની સામે આગામી નાણાં વર્ષમાં સરકારનું ગ્રોસ બોરોઈંગ રૂપિયા ૧૬ લાખ કરોડ રહેવા અપેક્ષા છે, એમ ૪૦થી વધુ અર્થશાસ્ત્રીઓના હાથ ધરાયેલા સર્વેનું તારણ નીકળ્યું છે.

નીચામાં રૂપિયા ૧૪.૮૦ લાખ કરોડ અને ઊંચામાં રૂપિયા ૧૭.૨૦ લાખ કરોડનું બોરોઈંગ થવાની શકયતા જણાય છે. રૂપિયા ૧૪.૮૦ લાખ કરોડનું બોરોઈંગ પણ અત્યારસુધીનું વિક્રમી હશે.

૨૦૧૪માં જ્યારે મોદી સરકારે સત્તા મેળવી હતી ત્યારે ગ્રોસ બોરોઈંગનો આંક રૂપિયા ૫.૯૨ લાખ કરોડ હતો. હાલમાં સરકાર પર રિપેમેન્ટનો બોજ ઊંચો રહ્યા કરે છે, માટે તેણે વધુને વધુ બોરોઈંગ્સ કરવાનો વારો આવે છે. 

આગામી નાણાં વર્ષમાં રિપેમેન્ટસનો આંક રૂપિયા ૪.૪૦ લાખ કરોડ રહેવા અંદાજ છે. આગામી નાણાં વર્ષમાં સરકાર રાજકોષિય ખાધ ઘટાડીને જીડીપીના ૬ ટકા કરતા પણી નીચી લાવી  શકશે તો, પણ ૧૯૭૦ના દાયકામાં જોવા મળેલી સરેરાશ ૪થી પાંચ ટકાની સરખામણીએ તે ઘણી વધુ છે. 

સૂચિત વૈશ્વિક મંદીને કારણે  દેશની વેરા મારફતની આવકમાં ઘટાડો થવાની શકયતા રહેલી છે એટલું જ નહીં એસેટસના વેચાણ પર પણ અસર  પડવાની સરકારને ચિંતા છે. 

છેલ્લા બે નાણાં વર્ષમાં માળખાકીય ક્ષેત્ર  પેટે બજેટ ખર્ચમાં ૩૯ ટકા તથા ૨૬ ટકાનો વધારો કરાયો હતો. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને રાજકોષિય ખાધને નિયંત્રણમાં રાખવા સાથે વિકાસ દરની ગતિ જાળવી રાખવાની કવાયત  પણ બજેટમાં હાથ ધરવાની રહેશે.

    Sports

    RECENT NEWS