એરંડાનો પાક ઓછો અંદાજાતાં દિવેલ, એરંડાના ભાવ ઊંચકાયા
- મુંબઈ બજારમાં સિંગતેલના ભાવ ઊંચકાયા: આયાતી પામતેલમાં પીછેહઠ જોવા મળી
- ક્રૂડ તેલના ભાવ ઊંચા જવાની ભીતિ વચ્ચે વિશ્વબજારમાં ખાદ્યતેલોના ભાવ આવતા સપ્તાહે ઊછળવાની બતાવાતી શક્યતા
મુંબઈ, તા.11 એપ્રિલ 2020, શનિવાર
મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે પાંખા વેપારો વચ્ચે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ સાંકડી વધઘટે અથડાતાં રહ્યાં હતાં. ગુડ ફ્રાઈડેની રજાને કારણે અમેરિકાના બજારો બંધ રહેતાં ત્યાંના ઓવરનાઈટ સમાચારો પણ ગેરહાજર હતા. ઉપરાંત મલેશિયાના બજારો આજે શનિવારના કારણે બંધ રહેતાં ત્યાંથી પણ કોઈ સંકેતો મળ્યા ન હતા.
મુંબઈ હાજાર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧,૩૫૦વાળા રૂ.૧,૩૬૦, જ્યારે પામતેલના ભાવ રૂ.૭૬૦વાળા રૂ.૭૫૫ બોલાઈ રહ્યા હતા. કપાસિયા તેલના ભાવ રૂ.૮૫૫, સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૮૫૨ રહ્યા હતા. એરંડાનો પાક ઓછો અંદાજાતાં આજે દિવેલ અને એરંડાના ભાવ મક્કમ બોલાઈ રહ્યા હતા. મુંબઈ બજારમાં દિવેલના ભાવ વધી ૧૦ કિલોના રૂ.૯૦૦થી રૂ.૯૨૦, જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ વધી ક્વિન્ટલના રૂ.૪,૪૦૦ બોલાયા હતા.
ગુજરાતમાં મુંદ્રા ખાતે સોયાતેલના ભાવ રૂ.૮૧૫, જ્યારે સનફ્લાવરના રૂ.૯૦૦ તથા હજીરા ખાતે આરબીડીના ભાવ રૂ.૭૬૫, સોયાતેલના રૂ.૮૩૫ તથા સનફ્લાવરના રૂ.૯૦૦ના ભાવ ૨૦મી એપ્રિલ સુધીની ડિલિવરી માટે બોલાઈ રહ્યા હતા. ઈન્દોર ખાતે સોયાતેલના ભાવ રૂ.૮૨૫થી રૂ.૮૩૫, જ્યારે નવી મુંબઈ જેએનપીટી બંદરના ભાવ રશિયન સનફ્લાવર તેલના એપ્રિલના રૂ.૮૫૦ અને મે ડિલિવરીના રૂ.૮૫૫ રહ્યા હતા. સોયાતેલ ડીગમના ભાવ એપ્રિલ શિપમેન્ટના રૂ.૮૨૫ મળ્યા હતા.
દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે ૧ ટનના ભાવ સિંગખોળના ભાવ રૂ.૨૮,૦૦૦, કપાસિયા ખોળના રૂ.૨૩,૫૦૦, સનફ્લાવર ખોળના રૂ.૨૨,૦૦૦ તથા સોયાખોળના રૂ.૩૪,૯૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, ક્રૂડ તેલના ઉત્પાદક દેશો ઉત્પાદન ઘટાડી રહ્યાના સમાચાર હતા તથા આના પગલે વિશ્વબજારમાં ક્રૂડ તેલના ભાવ આવતા સપ્તાહમાં ઊંચા જશે એવી શક્યતા જોતાં વૈશ્વિક સ્તરે વિવિધ ખાદ્યતેલોના ભાવ આવતા સપ્તાહમાં ઊંચા જવાની ગણતરી જાણકારો બતાવી રહ્યા હતા.