અમેરિકાના નબળા મેન્યુફેકચરિંગ ડેટાને પગલે બિટકોઈન 56000 ડોલરની અંદર

- ક્રિપ્ટોની વૈશ્વિક માર્કેટ કેપ બે ટ્રિલિયન ડોલરની નીચે સરકી ગઈ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
અમેરિકાના નબળા મેન્યુફેકચરિંગ ડેટાને પગલે બિટકોઈન 56000 ડોલરની અંદર 1 - image


મુંબઈ : અમેરિકામાં ઉત્પાદન ક્ષેત્રના આંકડા નબળા આવતા તેની અસર વૈશ્વિક ઈક્વિટી બજારોની સાથોસાથ ક્રિપ્ટોકરન્સીસ પર પણ જોવા મળી છે. મુખ્ય ક્રિપ્ટોસ બિટકોઈનના ભાવમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થઈ ૫૬૦૦૦ ડોલરથી નીચે  સરકી ગયો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ એથરમ, સોલાના, બીએનબીનાભાવ પણ નરમ બોલાતા હતા. વૈશ્વિક ક્રિપ્ટોસની માર્કેટ કેપ પણ બે ટ્રિલિયન ડોલરની અંદર જોવા મળી હતી. 

છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૫૫૫૦૦ ડોલર થઈ મોડી સાંજે ૫૬૭૦૦ ડોલર મુકાતો હતો. બિટકોઈન ઉપરમાં ૫૯૩૨૩  ડોલર જોવાયો હતો. એથરમ નીચામાં ૨૩૧૨ ડોલર અને ઉપરમાં ૨૫૧૮ ડોલર થઈ ૨૪૦૨ ડોલર બોલાતો હતો. 

ઉત્પાદન ક્ષેત્રમાં નબળાઈને લઈને અમેરિકાના અર્થતંત્રને લઈને નવેસરથી ચિંતા ઊભી થઈ છે.  નબળા ડેટાને કારણે ખેલાડીઓનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. 

ઈન્સ્ટિટયૂટ ફોર સપ્લાય મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા ડેટા પ્રમાણે અમેરિકાનો ઓગસ્ટનો ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ ૪૭.૨૦ રહ્યો છે. ૫૦થી નીચેના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું સંકોચન ગણવામાં આવે છે.

અમેરિકામાં વર્તમાન મહિનાના ત્રીજા સપ્તાહમાં યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક પહેલા ક્રિપ્ટોસના ભાવમાં વોલેટિલિટી જોવા મળવા સંભવ છે. વર્તમાન સપ્તાહમાં જાહેર થનારા બેરોજગારી તથા નોનફાર્મ પેરોલ્સના ડેટા પરથી ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરશે કે કેમ તેના સ્પષ્ટ સંકેત મળી રહેશે એમ ક્રિપ્ટો માર્કેટના સુત્રોએ જણાવ્યું હતું.

ક્રિપ્ટોસમાં આવેલી વેચવાલીને પરિણામે બુધવારે ક્રિપ્ટોસની વૈશ્વિક માર્કેટ કેપ ઘટી બે ટ્રિલિયન ડોલરની અંદર સરકી ગઈ હતી. 


Google NewsGoogle News