For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બનાવટી ચલણની સમસ્યાના સમાધાન માટે પોલીમર ચલણ આવશ્યક

- ઓસ્ટ્રેલિયાએ 1988માં પોલીમર ચલણ રજૂ કર્યું હતું

Updated: Nov 20th, 2022

Article Content Image- પોલીમર ચલણી નોટ અદ્યતન અને વધારે સુરક્ષિત છે, લાંબો સમય ટકે છે તથા ભેજ અને ગંદકીથી બગડતી નથી

૫ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનો ઉદ્દેશ ધરાવતા ભારતે પોતાનાં ચલણની દ્રષ્ટિએ આત્મનિર્ભર બનવું જોઇએ કે બનવું પડશે. આ માટે પોલીમરની ચલણી બેંકનોટ તરફ વળવું તાર્કિક પગલું બની શકે છે, કારણ કે એનાથી બનાવટી ચલણ બેંકનોટોની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ મળશે અને લાંબા ગાળે આ વધારે વાજબી વિકલ્પ પણ છે.

સરકાર દર વર્ષે ફાટી ગયેલી, ગંદી, વળી ગયેલી કે અસ્પષ્ટ થઇ ગયેલી ચલણી નોટો બદલવા લાખો નવી ચલણ બેંકનોટ પ્રિન્ટ કરે છે. પેપર પર પ્રિન્ટ થતી ચલણી બેંકનોટ તેમાં ઉપયોગ થતી સામગ્રીની મર્યાદાઓને કારણે ટૂંકા ગાળા માટે સર્ક્યુલેશનમાં રહે છે.

એ જ રીતે, આપણો દેશ બનાવટી ચલણી નોટોની સમસ્યાનો સતત સામનો કરે છે, જે આર્થિક સુરક્ષા માટે ગંભીર જોખમ છે. આરબીઆઈના તાજેતરના વાર્ષિક અહેવાલના વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે, અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં રૂ. ૧૦, રૂ. ૨૦, રૂ. ૨૦૦ રૂ. ૫૦૦ અને રૂ. ૨,૦૦૦ના મૂલ્યોની બનાવટી ચલણી નોટોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન બેંકો અને આરબીઆઈએ કુલ ૨૩૦૯૭૧ બનાવટી ચલણી નોટોની ઓળખ કરી હતી.

આ પાસાંઓને આવરી લઇને થિંક-ટેંક-કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક અંડરસ્ટેન્ડિંગ (સીઆઈઈયુ)એ 'મેકિંગ ઇન્ડિયા આત્મનિર્ભર' ઇન કાઉન્ટરફેઇટ પ્રૂફ કરન્સી નામનું એક સંશોધનપત્ર જાહેર કર્યું છે. પોલીમર ચલણના મુખ્ય પાસાંઓ પર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતની રાષ્ટ્રીય આર્થિક સુરક્ષા અને ચલણી બેંકનોટ જે ભૂમિકા ભજવે છે એને ધ્યાનમાં રાખીને સરકારે દુનિયાના અન્ય ઘણા દેશોની જેમ પોલીમર બેંકનોટ પ્રસ્તુત કરવાની શક્યતાનું મૂલ્યાંકન કરવું મહત્ત્વપૂર્ણ છે.

ભારત દુનિયામાં BOPP ફિલ્મ્સનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે પોલીમર ફિલ્મ માટે સબસ્ટ્રેટ સ્વરૂપો ધરાવે છે, જેનો ઉપયોગ ચલણ માટે થાય છે. ભારતીય પોલીમર ઉદ્યોગ હાઈ-ટેક ફિલ્મ્સ ઓફર કરવા વિકસિત ક્ષમતાઓ ધરાવે છે એ બાબતનો વિચાર કરીને સરકારે વિચાર કરવો જોઇએ કે, ભારતીય બજારમાં સ્વદેશી જરૂરિયાતો પૂર્ણ કરવાની સંભવિતતા ધરાવી શકે એવી કંપનીઓ કાર્યરત છે કે નહીં.

એનો અર્થ એ છે કે, ચલણ બનાવવા માટે જરૂરી કાગળને સુરક્ષિત રાખવા માટે ભવિષ્યમાં થનાર મૂડીગત ખર્ચને ઘણી હદે બચાવી શકાય છે. જો સરકાર દ્વારા ઉચિત પ્રોત્સાહન આપવામાં આવે, તો ભારત પણ દુનિયાના અન્ય દેશોને પોલીમર ચલણ નોટની નિકાસ કરવા માટે મોટું કેન્દ્ર બનવાની સંભવિતતા કે ક્ષમતા ધરાવે છે.

અત્યાર સુધી યુકે, સિંગાપોર, ઇઝરાયેલ અને યુએઇ સહિત લગભગ ૭૬ દેશોએ પોલીમર ચલણનો ઉપયોગ કર્યો છે. વર્ષ ૧૯૮૮માં પોલીમર ચલણી નોટ પહેલી વાર પ્રસ્તુત કરનાર ઓસ્ટ્રેલિયા પ્રથમ દેશ હતો. વર્ષ ૧૯૯૬ સુધીમાં ઓસ્ટ્રેલિયા સંપૂર્ણપણે આ બેંકનોટ તરફ વળી ગયો હતો.

પોલીમર નોટો વધારે ઊર્જા દક્ષ ઉત્પાદન પ્રક્રિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેના પરિણામે પર્યાવરણ પર ઓછી અસર થાય છે. બિન-છિદ્રાળુ સામગ્રી હોવાથી તમામ પ્રકારના હવામાન માટે અનુકૂળ પોલીમર નોટ ઊંચા તાપમાન અને ઠંડા તાપમાન એમ બંનેમાં ટકવાની ક્ષમતા ધરાવે છે. પોલીમર નોટની પ્રસ્તુતિથી આ દેશોને મહત્વપૂર્ણ ફાયદા થયા છે, જેમાં બનાવટી નોટોમાં ઘટાડો, નોટની લાંબી ટકાઉક્ષમતા અને પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર સામેલ છે.

પોલીમરની પ્રસ્તુતિ ભારત માટે નોંધપાત્ર રીતે ફાયદારૂપ થઇ શકે છે. આ 'મેક ઇન ઇન્ડિયા' પહેલમાં પ્રદાન કરશે, પેપર પર આયાતની આપણી નિર્ભરતા ઘટાડશે અને ભારતને બેંકનોટ ટેકનોલોજી માટે ટેકનોલોજીના કેન્દ્ર તરીકે વિકસાવશે.

Gujarat